સુરતની નેનોટેક કન્સલ્ટન્સીએ સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટે ઇન્ટેલ સાથે સહયોગ કર્યો

સુરતમાં ઇન્ફોટેક સેક્ટરમાં અગ્રણી, નેનોટેક કન્સલ્ટન્સીએ વિશ્વમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ્સ અને સેમિકન્ડક્ટર્સની સૌથી મોટી ઉત્પાદક ઇન્ટેલ સાથે ભાગીદારીમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ(ઉત્પાદન) માટે સહયોગ કર્યો છે. આ અભૂતપૂર્વ સહયોગ વાસ્તવમાં “મેક ઇન ઇન્ડિયા” પહેલની ભાવના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી ટેક લક્ષ્યો સાથે સંરેખિત છે.

આ સીમાચિહ્નરૂપ પહેલના ભાગરૂપે, નેનોટેક કન્સલ્ટન્સી તેની કામરેજ સુવિધામાં સિવિલ વર્ક શરૂ કરવા માટે તૈયારી કરી રહી છે, જે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટની સ્થાપના તરફના નિર્ણાયક પગલાને દર્શાવે છે. આ વિકાસ વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાનની વ્યાપક પહેલને પગલે થયો છે, જ્યાં મોટાભાગની ઇન્ફોટેક કંપનીઓએ સાણંદ અથવા ગિફ્ટ સિટીમાં સ્થાનો પસંદ કર્યા છે. કામરેજમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ સ્થાપવાનો નેનોટેક કન્સલ્ટન્સીનો આ નિર્ણય સ્થાનીય વિસ્તારમાં એક નવો પરિમાણ ઉમેરે છે. આ ઉપરાંત આ નિર્ણય, વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન નિર્ધારિત ઉદ્દેશ્યોને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

આ કરાર/સહયોગ “મેક ઇન ઇન્ડિયા” અભિયાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેકનોલોજી ક્રાંતિના વિઝનને અનુરૂપ છે

વાઈબ્રન્ટ ગુજરાત પહેલ પછી આ દક્ષિણ ગુજરાતમાં પ્રથમ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ છે

વરેલી-કામરેજ ફેસીલીટી પર ટૂંક સમયમાં જ સિવિલ વર્ક શરૂ કરવામાં આવશે

નેનોટેક કન્સલ્ટન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ઇન્ટેલ સાથેની અમારી વ્યૂહાત્મક ભાગીદારી સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં નવીનતા અને શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમારી આધુનિક ટેકનોલોજીને ઇન્ટેલની ઉત્પાદન ક્ષમતાઓ સાથે જોડીને અમે અમારા ગ્રાહકોને અદ્વિતીય સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષમતાઓ પહોંચાડવા માટે તૈયાર છીએ.”

નેનોટેક કન્સલ્ટન્સીના નેનોટેકનોલોજી, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં વ્યાપક ઉકેલો, ક્લાયન્ટ-સેન્ટ્રીક અભિગમ સાથે તેને જટિલ પડકારોનો બેસ્ટ ઉકેલ લાવવામાં અગ્રણી સ્થાન આપે છે. કંપની કાર્યક્ષમતા વધારવા અને નિર્ધારીત પરિણામો પ્રાપ્ત કરવા માટે માહિતી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અત્યાધુનિક સ્ટેટ ઓફ ધી આર્ટ સમસ્યા-નિવારણ સાધનો સાથે વ્યવસાયોને વધુ સશક્ત બનાવે છે.

આ સિદ્ધિમાં નેનોટેક કન્સલ્ટન્સીની મહત્વની ભૂમિકા અંગે એક પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, “પ્લાન્ટની ક્ષમતા અને આ સુરત સ્થિત પ્રીમિયમ કન્સલ્ટન્સી દ્વારા ઇન્ટેલ સાથેનું સહયોગી વિઝન, ઇન્ફોટેક સેગમેન્ટમાં 360-ડિગ્રી સોલ્યુશન્સ પ્રદાન કરે છે, તે ખરેખર પ્રશંસનીય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ, તે સુરત માટે અને ખાસ કરીને ગુજરાત માટે ખૂબજ ગર્વની ક્ષણ છે.”

નેનોટેક કન્સલ્ટન્સીની સફળતા તેના ગ્રાહકોની સફળતા સાથે આંતરિક રીતે જોડાયેલી છે. નવીનતા, વ્યૂહાત્મક સહયોગ અને ક્લાયન્ટ-સેન્ટ્રીક અભિગમ પ્રત્યે પ્રતિબદ્ધતા સાથે કંપની ટેક્નોલોજી ઉદ્યોગમાં અગ્રણી છે. કામરેજમાં સ્થિત નેનોટેક કન્સલ્ટન્સી, અત્યાધુનિક ટેક્નોલોજીમાં મોખરે છે, જે નેનો ટેક્નોલોજી, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રોને આવશ્યકતા મુજબના ઉકેલો પ્રદાન કરવામાં વિશેષતા ધરાવે છે. કંપનીનો 11 વર્ષનો સફળ ટ્રેક રેકોર્ડ છે અને તે વિવિધ ક્ષેત્રો અને ભૌગોલિક વિસ્તારોમાં ગ્રાહકોને શ્રેષ્ઠ અને અજોડ ટેકનોલોજી સોલ્યુશન્સ ઓફર કરે છે.

કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ. બીએસઈ લિસ્ટિંગના દિવસે અપર સર્કિટ 200 પર ખુલ્યો, 210 પર બંધ થયો

સુરતમાં કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીનો BSE લિસ્ટિંગ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલમાં યોજાયો હતો. આ પહેલીવાર છે કે સુરતની કોઈ કંપની હોમ ટાઉનમાં લિસ્ટ થઈ છે. IPO લિસ્ટિંગના દિવસે એટલે કે શુક્રવારે રૂ. 145ના ભાવે ભરાયો હતો, જે 38%ના પ્રીમિયમ સાથે રૂ. 200 પર ખૂલ્યો હતો અને અંતે રૂ. 210 પર બંધ થયો હતો. શુક્રવારે ખુલતાની સાથે જ આ કંપનીનું માર્કેટ કેપ 1050 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે.

બેલ સેરેમની કેપી ગ્રુપના સીએમડી અને પ્રમોટર ડૉ. ફારુક જી.પટેલના હસ્તે કરાય, તેમની સાથે કેપી ગ્રીનના હોલ-ટાઇમ ડાયરેક્ટર મોઇનુલ કડવા, સીએફઓ સલીમ યાહૂ, પ્રવીણ સિંઘ, ડાયરેક્ટર અફફાન પટેલ, હસન પટેલ, ડો. ઇન્દુગુપ્તા રાવ, સુરિન્દર નેગી, બીએસઇના એમડી અજય ઠાકુર વગેરે જોડાયા હતા.. આ પ્રસંગે, બોલિવૂડ અભિનેતા સૂરજ પંચોલી અભિનીત કેપી ગ્રીનની જાહેરાત પણ લોન્ચ કરવામાં આવી હતી. સૂરજને કેપી ગ્રીનનો બ્રાન્ડ એમ્બેસેડર પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ સમયે સૂરજના માતા-પિતા અભિનેતા સૂરજ પંચોલી, ઝરીના વહાબ અને કેપી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર અને ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ પણ હાજર હતા.

ફિલ્મ અભિનેતા સૂરજ પંચોલીને એઇડ્સ પ્રદર્શન સાથે કેપી ગ્રીન એન્જિનિયરિંગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવ્યા

રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કામ કરતી KP ગ્રુપની આ ત્રીજી કંપની છે, જે BSE પર લિસ્ટ થઈ છે. અગાઉ કેપી એનર્જી અને કેપી ગ્રીન એનર્જીએ શેરબજારમાં પ્રવેશ કર્યો હતો અને આજે આ બંને કંપનીઓની માર્કેટ કેપ 13000 કરોડ રૂપિયાથી વધુ છે.

કેપી ગ્રૂપના સીએમડી અને પ્રમોટર ડૉ. ફારુક પટેલે જણાવ્યું હતું કે, “અમે રોમાંચિત છીએ અને આભારી છીએ કે રોકાણકારોએ અમારા પર વિશ્વાસ મૂકીને IPO 29.58 વખત સબસ્ક્રાઇબ કર્યો. અમારી રૂ. 189.50 કરોડની માંગ સામે રૂ. 3727 કરોડની બીડ મળી. રોકાણકારોએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેના પર અમે ખરા ઉતરીશું. કેપી ગ્રીન અમારી ફ્લેગશિપ કંપની છે અને આ કંપનીની 21 વર્ષની લાંબી સફર ખેડી છે. માત્ર 50 મેટ્રિક ટનના ઉત્પાદનથી શરૂ થયેલી સફર આજે 53000 મેટ્રિક ટનથી વધુના ઉત્પાદન સુધી પહોંચી છે અને કંપની ભરૂચના માતરમાં નવી ફેક્ટરીના નિર્માણ સાથે આગામી દિવસોમાં ઉત્પાદન ક્ષમતા 2.94 લાખ મેટ્રિક ટન સુધી પહોંચાડવાનું આયોજન કરી રહી છે.

 

અન્ય ખાધ્યતેલમાં નરમાઈને પગલે પામતેલની તેજીમાં ખાંચરો

(ઇબ્રાહિમ પટેલ દ્વારા)મુંબઈ,તા.25: પામ ઓઇલમાં તાજેતરની તેજીની સાયકલ પછી, મલેશિયન ક્રૂડ પામ ઓઇલ વાયદો ૨.૩૩ ટકાના સાપ્તાહિક ઘટાડે બંધ થયો હતો. છેલ્લા પાંચ સપ્તાહમાં આ પહેલો સાપ્તાહિક ઘટાડો હતો. બુરસા મલેશિયા ડેરિવેટિવ્ઝ એક્સ્ચેન્જ પર જૂન વાયદો શુક્રવારે પ્રતિ ટન ૧.૪૬ ટકા ઘટીને ૪,૧૮૭ રિંગીટ (૮૮૪.૨૭ ડોલર) બંધ રહ્યો, જે ૧૩ માર્ચ પછીનો સૌથી નીચો ભાવ હતો. એક વર્ષ પછી ગત સપ્તાહે ભાવ ૪૩૦૦ રીંગઇટની ઊંચાઈ વટાવી ગયા બાદ, તેજીવાળાઓએ નફાબુકિંગ કર્યું હતું. શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ પર સોયાતેલ મે વાયદો શુક્રવારે ૨.૩૧ ટકા તૂટી પ્રતિ પાઉન્ડ ૪૭.૭૫ સેંટ બંધ થયો હતો.

ભાવ ઘટવાનું અન્ય કારણ, મલેશિયાના સધર્ન પેનનસ્યુલર પામ ઓઇલ મિલર્સ એસોસિયેશનએ ૧થી ૨૦ માર્ચના ઉત્પાદન આંકડા, મહિના દર મહિના ૨૨.૪ ટકા વૃધ્ધિ રજૂ કર્યા હતા. કાર્ગો સર્વેયર ઇન્ટરટેક ટેસ્ટિંગ સર્વિસિસ અને એમસ્પેસ એગ્રી કહે છે કે ૧થી ૨૦ માર્ચ દરમિયાન મલેશિયન પામતેલ નિકાસ, ગત મહિનાના સમાન ગાળા કરતાં ૭.૪ ટકાથી ૧૬.૩ વચ્ચે વધી હોવાની સંભાવના છે.

મલેશિયન પામ ઓઇલ પ્રમોશન કાઉન્સિલ હવે તેના વ્યાપક ઉત્પાદન/નિકાસના આંકડા રજૂ કરશે, જે બજારને દિશાદોર દાખવશે. ગત સપ્તાહે ભાવ ૪,૧૮૭ અને ૪,૨૧૨ રિંગીટ વચ્ચે અથડાતાં રહ્યા, પણ ૪૩૨૬ રિંગીટનું રેસિસ્ટંટ વટાવી શક્યા ન હતા. ગાઝા અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ નજીક હોવાનું મનાઈ વૈશ્વિક ખાધ્યતેલ અને ક્રૂડ ઓઇલના ભાવ ઘટયા, તેની અસર પણ પામતેલ પર જોવાઈ હતી.

જગતના સૌથી મોટા ખાધ્યતેલ વપરાશકાર ભારતમાં, પામ ઓઇલ પ્રોસેસિંગ એકમ શરૂ થઈ ગયાના અહેવાલે, ભારત હવે આત્મનિર્ભરતા તરફ અગ્રેસર થશે. અરુણાચલપ્રદેશના ડિબાંગ ખીણ વિસ્તારમાં સ્વદેશી બનાવટનું પ્રથમ ૩એફ ઓઇલ પામ પ્રોસેસિંગ એકમ તાજેતરમાં ઉત્પાદન કરતું થઈ ગયું છે. ભારત વર્ષોથી ખાધતેલ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનવામાં પ્રયાસરત છે, તેમ છતાં તેની કૂલ માંગના ૯૬ ટકા ખાધતેલ આયાત કરે છે, જેમાં પામતેલનો હિસ્સો ૬૭ ટકા છે. ઉક્ત પ્રોસેસિંગ પ્લાન્ટ એ, ભારતના નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ- ઓઇલ પામનું આ મહત્વનું કદમ છે.

ભારતએ ૨૦૨૨-૨૩માં કૂલ ૧૬૫ લાખ ટન ખાધતેલની આયાત કરી હતી, જેમાં મલેશિયા, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડથી ૯૮ લાખ ટન પામતેલ આયાતનો સમાવેશ થાય છે. ભારતમાં આર્જેન્ટિના અને બ્રાઝિલથી ૩૭ લાખ ટન સોયાતેલ, અને રશિયા, યુક્રેન, તેમજ આર્જેન્ટિનાથી ૩૦ લાખ ટન સનઓઈલ આયાતનો સમાવેશ થાય છે.

જગતભરના અન્ય ખાધ્યતેલ, બજારહિસ્સો મેળવવામાં હંમેશા સ્પર્ધામાં રહેતા હોય છે, તેથી અન્ય તેલની ભાવ વધઘટની અસર પામતેલ પર પણ જોવા મળતી હોય છે. ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા બાયોડિઝલ ફીડસ્ટોકમાં ખાધ્યતેલનું મિશ્રણ પરવડતું નથી. સામાન્ય રીતે પામતેલનો વેપાર મલેશિયન કરન્સી રિંગીટમાં થાય છે, અને ડોલર સામે તે ૦.૫૫ ટકા નબળો પડ્યો છે. નબળા રિંગીટને લીધે વિદેશી આયાતકારોને આયાત સસ્તી પડતી હોય છે.

માર્ચના આરંભથી મલેશિયા અને ઇન્ડોનેશિયામાં પુરવઠા સ્થિતિ નાજુક બનવાને લીધે, ભાવમાં જે ઉછાળા જોવાયા હતા તે, હવે પાછા ફરીને મૂળ સ્થિતિએ આવવા લાગ્યા છે. લાંબાગાળે જોઈએ તો પામતેલનું ઉત્પાદન તબક્કાવાર ધીમીગતિએ વધશે, એપ્રિલમાં ઇન્ડોનેશિયાની નિકાસ જકાત વૃધ્ધિને ધ્યાનમાં લેતા, આ બંને ઘટના ટૂંકાગાળામાં ભાવને ટેકારૂપ સાબિત થશે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૨૫-૩-૨૦૨૪

 

 

 

નીરવ મોદીને મોટો આંચકો! બેંક ઓફ ઈન્ડિયાને 66 કરોડ રૂપિયા ચૂકવવા પડશે, લંડન હાઈકોર્ટે આપ્યો આદેશ 

ભારતના ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને લંડન હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે નીરવ મોદીને બેંક ઓફ ઈન્ડિયા (BOI)ને 8 મિલિયન ડોલર એટલે કે રૂ. 66 કરોડની ચુકવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. લંડન હાઈકોર્ટ દ્વારા આ કેસમાં સમરી જજમેન્ટ જારી કરવામાં આવ્યું છે. વાસ્તવમાં, કોર્ટ દ્વારા એવા કેસોમાં સમરી જારી કરવામાં આવે છે જેમાં બેમાંથી એક પક્ષ હાજર ન હોય અને કોર્ટ ટ્રાયલ વગર જ કેસમાં પોતાનો નિર્ણય આપે છે. કોર્ટે કહ્યું કે આ કેસમાં કોઈ યોગ્યતા નથી. આવી સ્થિતિમાં સંપૂર્ણ સુનાવણી વગર જ ચુકાદો આપવામાં આવ્યો હતો.

BOIએ લંડન હાઈકોર્ટમાં અરજી કરી હતી

બેંક ઓફ ઈન્ડિયાએ નીરવ મોદીની દુબઈ સ્થિત કંપની ફાયરસ્ટાર ડાયમંડ FZE પાસેથી 80 લાખ ડોલર વસૂલવા માટે લંડન હાઈકોર્ટમાં અરજી કરી હતી. કેસની સુનાવણી શરૂ થતાં જ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો. કોર્ટે કહ્યું કે દુનિયામાં જ્યાં પણ નીરવ મોદીની પ્રોપર્ટી છે, બેંક તેની હરાજી કરીને તેના પૈસા વસૂલ કરી શકે છે. તમને જણાવી દઈએ કે હાલ નીરવ મોદી ઈંગ્લેન્ડની થેમસાઈડ જેલમાં બંધ છે. કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે નીરવ મોદીએ ચાર મિલિયન ડોલરની લોન લીધી હતી અને તેના પર ચાર મિલિયન ડોલરનું વ્યાજ હજુ પણ બાકી છે.

શું છે સમગ્ર મામલો…

નીરવ મોદીએ તેની દુબઈ સ્થિત ડાયમંડ કંપની ફાયરસ્ટાર ડાયમંડ FZE માટે બેંક ઓફ ઈન્ડિયા પાસેથી લોન લીધી હતી. બેંકે 2018માં પૈસા પાછા માંગ્યા હતા. પરંતુ, નીરવ મોદી નિર્ધારિત રકમ પરત કરવામાં નિષ્ફળ ગયો. આ પછી તે લંડન ભાગી ગયો હતો. આ પછી બેંક ઓફ ઈન્ડિયાએ તેના પૈસા વસૂલવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. નીરવ મોદીની આ કંપની દુબઈમાં રજિસ્ટર્ડ છે. આવી સ્થિતિમાં યુકેનો સમરી જજમેન્ટ અહીં પણ લાગુ થઈ શકે છે. નીરવ પોતે આ કંપનીનો CEO અને મુખ્ય ગેરેંટર છે.

બુલિયન બજારમાં આખલાઓનું તોફાન: ત્રણ સપ્તાહમાં સોનું 150 ડોલર ઉછળ્યું

(ઇબ્રાહિમ પટેલ), મુંબઈ : મધ્ય ફેબ્રુઆરીથી બુલિયન બજારમાં તેજીવાળા આખલાઓનું તોફાન શરૂ થતાં જાગતિક બજારમાં ભાવ ૧૫૦ ડોલરનો ઉછાળો નોંધાયો છે. ન્યુયોર્ક કોમ્યુનિટી બેન્કકોર્પમાં સમસ્યા સર્જાતાં અન્ય સ્થાનિક બેન્કોને પણ તેની જવાળાઓ અસર કરવાની શક્યતાએ વચ્ચે ફેડરલ અધિકારીઓ આ આગ બુજાવવા લાયબંબા લઈને ઉતરી પડ્યાના અહેવાલે સોનાના ભાવમાં ભડકો થયો છે.

રોકાણકારો છેલ્લા કેટલાંક સમયથી ગોલ્ડ એટીએફમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા હતા તેઓ, આ ભાવ વધારો જોઈને રોકાણ જાળવી રાખવા સક્રિય થયા છે. સોનાના ભાવે અગાઉના તમામ ઐતિહાસિક વિક્રમો તોડી નાખતા કાંઠે બેઠેલા રોકાણકારો હવે પૂછી રહ્યા છે કે આ ભાવે સોનું લેવાય?

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં આજે (ગુરુવારે) સોનાના સ્પોટ (હાજર) ભાવ, અગાઉના તમામ વિક્રમો આંબીને અનુક્રમે ૧૦ ગ્રામ દીઠ રૂ. ૬૫,૫૦૦ અને ૨,૧૬૧ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) બોલાયા હતા. હાજર ચાંદી પણ ૩ ડિસેમ્બર ૨૦૨૩ની ઊંચાઈએ ૨૪.૨૭ ડોલર બોલાઈ હતી. આ વર્ષે વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો વ્યાજદર ઘટાડવા ઉતાવળી થયાની માન્યતા વચ્ચે રોકાણકારોએ પોતાની બચતોના કરન્સી મૂલ્યને સંરક્ષિત કરવા બુલિયન બજારમાં દોટ મૂકી છે.

અમેરિકન ફેડરલ રિઝર્વ ચેરપર્સસન જેરોમ પોવેલે અમેરિકન સેનેટ કમિટી સમકક્ષ પોતાની કેફિયત રજૂ કરતાં કહ્યું કે અમે ૨૦૨૪માં વ્યાજ કપાત કરવાનું નિર્ધારિત કર્યું છે. યુરોપિયન સેન્ટ્રલ બેન્ક પણ આ વર્ષે અમેરિકાનું અનુસરણ કરશે. પોવેલની કેફિયત પછી કરન્સી અને બોન્ડ બજારમાં નફો બુક કરવા ધામાચકરી મચી હતી. અમેરિકન ડોલર ઇંડેક્સ પાંચ સપ્તાહની બોટમે ગયો હતો.

ફંડ સટ્રેટેજિસ્ટો પણ માનવા લાગ્યા છે કે રોકાણકારો ઊંચા ભાવે બિટકોઇન, ઇટીએફ અને સોનામાં પોતાના નાણાં વારાફરતી હેરફેર કરવા લાગ્યા છે. અમે જોઈ રહ્યા છીએ કે સોના, ચાંદી, ઇટીએફ અને બિટકોઇનમાં નાણાનું ઘમ્મર વલોણું વેગથી ફરવા લાગ્યું છે. સેન્ટ્રલ બેન્કો પણ ઐતિહાસિક રીતે સેનાની ખરીદી કરવા લાગી છે.

પરિણામે છેલ્લા કેટલાંક વર્ષથી સોનાની માંગને મજબૂત ટેકો મળી રહ્યો છે. સીધું જ કોઈ વળતર નહીં આપતી જણસ સોનામાં, જ્યારે પણ વ્યાજદર ઘટે ત્યારે પરંપરાગત રીતે મૂડીરોકાણ વધવા લાગે છે. અર્થતંત્રો નબળા પડે ત્યારે પણ આવુજ થતું હોય છે. વધુમાં ડોલર નબળો પડે ત્યારે સોનું મજબૂત થતું હોય છે.

વર્તમાન ભૂભૌગોલિક સમસ્યાઓ, ભારત અમેરિકા સહિત અનેક દેશોમાં ચૂંટણી, તેમજ ગઝા અને યુક્રેન વચ્ચે ખખડી રહેલા ખાંડાં, વિગેરે ફન્ડામેન્ટલ્સએ બુલિયન બજારમાં આકર્ષણ પેદા કર્યું છે. ખાસ કરીને એશિયન સેન્ટ્રલ બેન્ક અને રોકાણકારોની લેવાલી, ભાવને નવો ટેકો પૂરો પાડ્યો છે.

સપ્ટેમ્બર ૧૯૮૦માં ભાવ ૭૨૪ ડોલરના વિક્રમને વટાવી ગયા ત્યારના ફુગાવાદરને વર્તમાન ફુગાવાદર સાથે મૂલવીએ તો અત્યારે સોનાના ભાવ ૩,૧૦૦ ડોલર હોવા જોઈએ. અત્યારે બજારમાં એવી સહમતી છે કે બીજા ત્રિમાસિકમાં ભાવ અહીથી ઉપર જવા જોઈએ, પણ તે ૨,૩૦૦ ડોલરથી ઉપર નહીં જાય. કેટલાંક એનાલિસ્ટો આગામી બાર મહિનામાં ભાવ ૨૫૦૦ ડોલર જોઈ રહ્યા છે.

કોરોના રોગચાળા દરમિયાન ગોલ્ડ ઇટીએફએ ભાવને ઉપર લઈ જવામાં ઘણી મદદ કરી હતી, પણ જો હવે આવી સમસ્યા ફરી ઉદ્ભવશે તો, વર્તમાન તેજી વધુ ટકાઉ બની જશે. સોના સાથે ચાંદી અને પ્લેટિનમ પણ વધી રહ્યા છે. બુલિયન મેટલને વૈશ્વિક અર્થતંત્રનો નકશો પણ વિવિધ રીતે ટેકો પૂરો પાડે છે. સોનાને અર્થતંત્રની તંદુરસ્તીનું બેરોમિટર ગણે છે, તેવા રોકાણકારો સોનાની વર્તમાન તેજી કયા જઈને અટકશે, તેને બારીકાઈથી નિહાળી રહ્યા છે.

( અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલિસિસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલિજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) 

Paytm યૂઝર્સ ને તકલીફ નહીં પડે, 15 માર્ચ પહેલા અન્ય બેન્ક સાથે એકાઉન્ટ લિંક કરી શકશે

પેટીએમ વોલેટનો ઉપયોગ કરનારા ૮પ% લોકોને કોઈપણ સમસ્યા નહીં થાય તેમ જણાવી રિઝર્વબેન્કે પેટીએમ એપ યુઝ કરનારા યુઝર્સ ૧પ માર્ચ અગાઉ પોતાના એકાઉન્ટને અન્ય બેન્ક સાથે લિંક કરી લેવા અપીલ કરી છે.

પેટીએમ એપ યુઝ કરનારા યુઝર્સ ૧પ માર્ચ અગાઉ પોતાના એકાઉન્ટને અન્ય બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરી લે, જેથી તેમને ૧પ માર્ચ પછી પેમેન્ટને લઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે નહીં, એમ પેટીએમ યુઝર્સને ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે અપીલ કરી હતી. લગભગ ૮૦-૮પ ટકા પેટીએમ વોલેટ વપરાશકર્તાઓને નિયમનકારી પગલાંને કારણે કોઈ વિક્ષેપનો સામનો કરવો પડશે નહીં, અને બાકીના વપરાશકર્તાઓને તેમની એપ્લિકેશનને અન્ય બેંકો સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવી છે, એમ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું.

ગઈકાલે તેમણે કહ્યું હતું કે ૮૦-૮પ ટકા પેટીએમ વોલેટ યુઝર્સને નિયમનકારી પગલાના કારણે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહી અને અન્ય યુઝર્સ પોતાની એપને અન્ય બેન્ક  એકાઉન્ટસ સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવી છે.

નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેન્કે ૩૧ જાન્યુઆરીએ પેટીએમ પેમેન્ટસ બેન્ક લિમિટેડને કોઈપણ ગ્રાહક ખાતામાં જમા રકમ, ક્રેડિટ ટ્રાજેકશન અથવા ટોપ-અપ્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકયો હતોે. પેટીએમ પેમેન્ટ્સ બેન્ક સાથે જોડાયેલ વોલેટને અન્ય બેન્કો સાથે લિંક કરવાની સમયમર્યાદા ૧પ માર્ચ નક્કી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે ૧પ માર્ચ સુધી આપવામાં આવેલો સમય પૂરતો છે અને તેને વધારવાની કોઈ જરૃર નથી તેમણે ઉમેર્યું હતું કે ૮૦-૮પ ટકા પેટીએમ વોલેટ અન્ય બેન્કો સાથે જોડાયેલા છે અને બાકીના ૧પ ટકાને અન્ય બેન્કોમાં જવાની સલાહ આપવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે આરબીઆઈએ પગલા એક નિયમનકારી એન્ટિટી સામે પગલાં લીધા છે કોઈ ફિનટેક કંપનીઓ વિરૃદ્ધ લીધા નથી. દાસે ભારપૂર્વક જણાવ્યું હતું કે આરબીઆઈ નાણાકીય ટેકનોલોજી ક્ષેત્રમાં ઈનોવેશનની તરફેણ કરે છે અને નવા ટુલ્સના ટેસ્ટિંગ માટે સેન્ડ બોકસ પણ રજૂ કર્યું છે. આરબીઆઈ ફિનટેકને સંપૂર્ણ સમર્થન આપે છે આરબીઆઈ ફિનટેકના વિકાસ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં SBI સામે કન્ટેમ્પ્ટ પિટિશન, સુપ્રીમ કોર્ટ 11 માર્ચે કરશે સુનાવણી

એક બિન-સરકારી સંસ્થા (એનજીઓ) એ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં એક અવમાનની અરજી દાખલ કરી, જેમાં રાજકીય પક્ષો દ્વારા રોકાયેલા દરેક ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવા માટે 30 જૂન સુધીનો સમય વધારવાની માગણી કરતી સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ની અરજીને પડકારવામાં આવી છે.

એડીઆરએ ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સામે સુપ્રીમ કોર્ટમાં તિરસ્કારની અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે એનજીઓનું પ્રતિનિધિત્વ કરતા વકીલ પ્રશાંત ભૂષણને ઈ-મેલ મોકલવા કહ્યું અને 11 માર્ચે અવમાનના અરજીની યાદી આપવાનું આશ્વાસન આપ્યું.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે એનજીઓ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) વતી કોર્ટમાં હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણની અરજીની નોંધ લીધી હતી કે તેઓ આ કેસમાં તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવા માગે છે.

ભૂષણે જણાવ્યું હતું કે SBIની અરજી 11 માર્ચે લિસ્ટ થવાની સંભાવના છે અને અવમાનના અરજીની પણ એકસાથે સુનાવણી થવી જોઈએ. CJI એ કહ્યું, “કૃપા કરીને ઈમેલ મોકલો. હું ઓર્ડર પાસ કરીશ”.

SBIએ 4 માર્ચે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી અને ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવા 30 જૂન સુધી લંબાવવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે ગયા મહિને પોતાના ચુકાદામાં SBIને 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને વિગતો સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

“એસબીઆઈએ આ માનનીય અદાલતની બંધારણીય બેંચ દ્વારા પસાર કરાયેલા ચુકાદાનો જાણી જોઈને અનાદર કર્યો છે, અને આ માત્ર નાગરિકોના માહિતીના અધિકારને નકારે છે, પરંતુ આ માનનીય અદાલતની સત્તાને પણ નબળી પાડે છે,” એડીઆરના વકીલે જણાવ્યું હતું.

અનંત અંબાણીની 14 કરોડની ઘડિયાળ જોઈને ઝકરબર્ગ રહી ગયા દંગ, જૂઓ વીડિયો

જામનગરમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઉજવણીમાં વિશ્વભરની અનેક હસ્તીઓ ભાગ લઈ રહી છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચાન પણ લગ્ન પહેલાની ઉજવણીમાં સામેલ થયા હતા. માર્ક ઝકરબર્ગ અને પ્રિસિલા ચાન અનંત અંબાણીને મળ્યા હતા. આ દરમિયાન, અનંત અંબાણીના કાંડા પરની ઘડિયાળએ માર્ક ઝકરબર્ગ અને તેની પત્ની સહિત બધાનું ધ્યાન ખેંચ્યું.

અનંત અંબાણીએ ખૂબ જ સુંદર અને લક્ઝુરિયસ ‘ઓડેમર્સ પિગ્યુટ રોયલ ઓક ઓપનવર્ક્ડ સ્કેલેટન’ ઘડિયાળ પહેરી હતી, જેની કિંમત લગભગ 14 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ લક્ઝરી ઘડિયાળની ઓપનવર્ક ડિઝાઇનને કારણે તેની જટિલ મશીનરી સ્પષ્ટપણે જોઈ શકાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મીટિંગ દરમિયાન ઝકરબર્ગ કપલ અનંત અંબાણીની આ ખાસ ક્ષણ જોઈને ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેની પ્રતિક્રિયા વીડિયોમાં જોઈ શકાય છે.

અનંત અંબાણીની જે ઘડિયાળ જોઈને પ્રિસલાને આશ્ચર્ય થયું તે ‘પાટેક ફિલિપ’ની ‘ગ્રાન્ડમાસ્ટર ચાઈમ’ ઘડિયાળ છે. આ ઘડિયાળની કિંમત 14 થી 18 કરોડ રૂપિયા છે. ઈન્ડિયન હોરોલોજીના ઈન્સ્ટાગ્રામ પેજ મુજબ, આ ઘડિયાળમાં રિવર્સિબલ કેસ, ઈન્ડિપેન્ડન્ટ ડાયલ અને છ પેટન્ટેડ ઈનોવેશન જેવી ઘણી સુવિધાઓ છે.

રિપોર્ટ અનુસાર, આ સ્પેશિયલ એડિશન ઘડિયાળ કિંમતી હીરા અને નીલમણિથી જડેલી છે. ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવારને ભારતના સૌથી અમીર પરિવારોમાં ગણવામાં આવે છે અને તેમની જીવનશૈલીને લઈને ઘણી વખત ચર્ચા થતી રહે છે. તે જ સમયે, માર્ક ઝકરબર્ગને ટેક્નોલોજીની દુનિયામાં પણ જાણીતું વ્યક્તિત્વ માનવામાં આવે છે, પરંતુ તેઓ તેમની સાદી જીવનશૈલી માટે જાણીતા છે.

અંબાણીના ડ્રીમ પ્રોજેકટ ‘વનતારા’નો ડ્રોન-શોઃ ગગન બન્યું જાણે ઝળહળતું જંગલ

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી જુલાઈમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યાર પહેલાં બંનેની પ્રી-વેડિંગ સેરેમનીનું જામનગરમાં આયોજન કરાયું છે. ત્રણ દિવસની પ્રી-વેડિંગ સેરેમનીનો આજે બીજો દિવસ છે, ત્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના પ્રી-વેડિંગ સેરેમનીના પ્રથમ દિવસ ધમાકેદાર રહ્યો હતો. સેરેમની દરમિયાન અનંત અંબાણીના ડ્રીમ પ્રોજેકટ ‘વનતારા’ ને હજારોની સંખ્યામાં ડ્રોન ઉડાવીને આકાશમાં દેખાડવામાં આવ્યો હતો. જેમાં હાથી સહિતના વનતારાના તમામ પ્રાણીઓ જોવા મળ્યા હતાં.

પ્રિ-વેડીંગ સેરેમનીમાં દેશ-વિદેશી ટોચના નેતાઓ, કલાકારો, ઉદ્યોગપતિઓ, સેલેબ્રિટીઝ, ખેલાડીઓ, વિવિધ ક્ષેત્રના દિગ્ગજો તથા સ્નેહીજનો ઉમટી રહ્યા છે અને દેશ-વિદેશથી એક હજારથી વધુ મોંઘેરા મહેમાનો આ સેરેમનીમાં સામેલ થઈ ચૂક્યા છે. આ ત્રિદિવસીય સેલિબ્રેશનની રંગત જામી છે અને આખી દુનિયાનું ધ્યાન જામનગર તરફ ખેંચાયું છે, અને જામનગર જાણે વૈશ્વિક એટેન્શનનું હબ બની ગયું છે. દેશ-વિદેશથી ૧પ૦ થી વધુ વિમાનો દ્વારા મહેમાનો આવ્યા છે.

જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં વિશ્વ વિખ્યાત બિઝનેસમેન મુકેશ અંબાણીના સુપુત્ર અનંત અને રાધિકાના પ્રિ-વેડીંગ સમારોહમાં ૧૦૦૦ થી વધુ દેશ અને વિદેશમાંથી મોંઘેરા મહેમાનો આવી પહોંચ્યા છે ત્યારે પ્રથમ રાત્રિએ પ્રિ-વેડીંગને લઈને ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકારોએ પોતાના કલાના કામણ પાથર્યા હતાં. આ પ્રિ-વેડીંગ સમારોહ દરમિયાન વર-વધૂ પણ ખાસ વેશભૂષામાં સજ્જ થઈ આવ્યા હતાં અને આ તકે અનંતના દાદીમા કોકિલાબેન અંબાણી પણ મહેમાનો સાથે જોવા મળ્યા હતાં અને હરખના ઉમળકા સાથે વાતચીત કરતા પણ નજરે પડ્યા હતાં. તો અનંત અંબાણીના પિતા અને રિલાયન્સના સીએમડી મુકેશ અંબાણી તેમજ નીતા અંબાણી પણ મહેમાનો સાથે પ્રસંગને લઈને સત્કાર કરતા જોવા મળ્યા હતાં.

આ સેરેમનીમાં સેવ સોઈલના પ્રણેતા સદ્ગુરુ, અનિલ અંબાણી, ટીના અંબાણી, માઈક્રો સોફ્ટના સ્થાપક બીલ ગેટ્સ, પૂર્વ ટ્વિટર, હાલ મેટા-ફેસબુકના સીઈઓ માર્ક જુકરબર્ગ અને તેના પત્ની મિશીલ્લા ચાન, લક્ષ્મી મિતલ, શાહરૂખ ખાન, આર્યન ખાન, સુહાના ખાન, આમિર ખાન, બોની કપૂર, અર્જુન કપૂર, જ્હાન્વી કપૂર, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, ત્રીસ વર્લ્ડ માનુષી છીલ્લર, આદિત્યરોય કપૂર, ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુસીંગ, શ્રદ્ધા કપૂર, સોનમ કપૂર, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, ઝહિર ખાન, ડેરેન બ્રાલો, સાઈના નેહવાલ, ઈલ્યુઝનર ડેવીડ બ્લેઈન, સચિન તેંડુલકર, એમ.એસ. ધોની, સાક્ષી ધોની, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પ, રિતેશ દેશમુખ અને જેનેલિયા, માધુરી દિક્ષીત અને ડો. નેને, અક્ષય કુમાર, અલવિરા ખાન અગ્નિહોત્રી, અનુ મલિક પરિવાર સાથે, નયાસા દેવગન, અજય દેવગન, સોનાલી બેન્દ્રે, અનન્યા પાંડે, કિયારા અડવાણી, અનુરાગ ઠાકર, દિગ્દર્શક રાજકુમાર હિરાણી, સૈફઅલી ખાન, કરીના કપૂર, સારા અલીખાન, દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરા, ડેવિડ ધવન, અરૂણ-નતાશા, કતારના વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહમાન બિન જસીન મીલ, વેડાંગ રાઈના, ખુશી કપૂર, પલાર્ડ અને રામધરણ, ઉદીત નારાયણ, સુખવિન્દરસિંહ, પ્રિતમ દા, અદર અને નતાશા પુનાવાલા સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા છે.

 

Paytm Payment Bank થી Paytm દુર થઈ , સંકટ વચ્ચે આ મોટું પગલું ભર્યું

Paytmનું સંચાલન કરતી કંપની One97 કોમ્યુનિકેશન્સના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે સહયોગી એન્ટિટી પેટીએમ પેમેન્ટ્સ બેંક પર આરબીઆઈની કાર્યવાહી વચ્ચે બંને વચ્ચેના આંતર-કંપની કરારોને સમાપ્ત કરવાની મંજૂરી આપી છે.

શુક્રવારે આ નિર્ણય વિશે માહિતી આપતા One97 કોમ્યુનિકેશન્સે કહ્યું કે આ પગલું બંને કંપનીઓ વચ્ચે એકબીજા પર નિર્ભરતા ઘટાડવા માટે લેવામાં આવ્યું છે.

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે માર્ચ 1, 2024ના રોજ આ કરારોને સમાપ્ત કરવા અને શેરધારકોના કરારમાં સુધારાને મંજૂરી આપી હતી.

વાસ્તવમાં, Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ (PPBL) નિયમોનું પાલન ન કરવા બદલ ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી કડકતાનો સામનો કરી રહી છે. RBI એ PPBL ને 15 માર્ચ પછી ગ્રાહક ખાતાઓ, વોલેટ્સ, ફાસ્ટેગ અને અન્ય સાધનોમાં નવી થાપણો અથવા ટોપ-અપ્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો છે.

One97 કોમ્યુનિકેશન્સે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપની અને તેની પેટાકંપની PPBLએ સ્વતંત્ર કામગીરી પ્રત્યે PPBLના અભિગમને મજબૂત કરવા વધારાના પગલાં લીધા છે.

“આ નિર્ભરતાની પ્રક્રિયાના ભાગ રૂપે, Paytm અને PPBL એ Paytm અને તેની ગ્રૂપ એન્ટિટી સાથેના વિવિધ આંતર-કંપની કરારોને સમાપ્ત કરવા પરસ્પર સંમત થયા છે,” BSE ફાઇલિંગમાં જણાવ્યું હતું.

વધુમાં, PPBL ના શેરધારકો પણ PPBL ના વધુ સારા સંચાલન માટે શેરધારકો કરાર (SHA) ને સરળ બનાવવા માટે સંમત થયા છે.

Paytm એ અગાઉ જાહેરાત કરી હતી કે તે અન્ય બેંકો સાથે નવી ભાગીદારી પર હસ્તાક્ષર કરશે અને તેના ગ્રાહકો અને વેપારીઓને સીમલેસ સેવાઓ પ્રદાન કરવા માટે પગલાં લેશે.

આ સાથે Paytm એ પુનરોચ્ચાર કર્યો કે Paytm App, Paytm QR, Paytm સાઉન્ડબોક્સ અને Paytm કાર્ડ મશીનો અવિરત કામ કરવાનું ચાલુ રાખશે.

RBI એ PPBL ને 29 ફેબ્રુઆરી પછી ગ્રાહક ખાતાઓ, વોલેટ્સ, ફાસ્ટેગ અને અન્ય સાધનોમાં નવી થાપણો અથવા ટોપ-અપ્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો હતો. બાદમાં આ સમયમર્યાદા વધારીને 15 માર્ચ કરવામાં આવી હતી.

મુશ્કેલીઓનો સામનો કર્યા પછી, Paytmના સ્થાપક વિજય શેખર શર્માએ PPBLના પાર્ટ-ટાઇમ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પણ પુનઃરચના કરવામાં આવી છે.