ગુજરાત ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 210 કરોડનો ખર્ચ કર્યો, એક સીટ 1.34માં પડી

ગત વર્ષે ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી(BJP)એ 156 બેઠકો જીતીને ઈતિહાસ સર્જ્યો હતો. ભાજપે પ્રચાર માટે અધધ રકમ ખર્ચી હતી. ચૂંટણી પંચ (ECI) પાસે ચૂંટણી દરમિયાન થયેલા ખર્ચની વિગતો ફાઇલ કરતા ભજાપના સ્ટેટ યુનિટે જણાવ્યું પાર્ટીએ ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રૂ.209.97 કરોડનો ખર્ચ કર્યો હતો. અગાઉ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીએ રૂ.111 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો ત્યારે ભાજપને 99 બેઠકો મળી હતી.

ચૂંટણી પંચની વેબસાઈટ પર ચૂંટણી ખર્ચના રીપોર્ટમાં ભાજપનો ખર્ચ કુલ રૂ. 209.97 કરોડ દર્શાવવામાં આવ્યો છે, જેમાંથી રૂ. 163.77 કરોડ પક્ષના પ્રચાર માટે હોવાનું જણાવ્યું છે. ગુજરાત ભાજપે ECIને એમ પણ જણાવ્યું કે ચૂંટણી દરમિયાન મોટાભાગનો ખર્ચ રેલીઓ અને સ્ટાર પ્રચારકોની મુસાફરી, પ્રચાર સામગ્રીના છાપકામ અને અન્ય સામાન્ય પ્રચાર પ્રવૃત્તિઓ પર કરવમાં આવ્યો હતો.

ભાજપે ફાઇલિંગમાં જણાવ્યું હતું કે ઉમેદવારો પાછળ 46.20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આમાંથી 40 કરોડ રૂપિયા મેદાનમાં રહેલા ઉમેદવારોને ચૂંટણી ખર્ચ માટે ચૂકવવામાં આવ્યા હતા.

કેન્દ્રીય બીજેપી યુનિટે પ્રચાર દરમિયાન કેન્દ્રીય પ્રધાનો નીતિન ગડકરી અને અમિત શાહની મુસાફરી પર રૂ. 2.88 કરોડનો ખર્ચ જાહેર કર્યો હતો. આ ઉપરાંત ભાજપે જણાવ્યું હતું કે તેમણે મીડિયા જાહેરાતો પાછળ માત્ર રૂ. 27 લાખનો જ ખર્ચ “Google India” પર કર્યો હતો.

ગત ગુજરાત વિધાન સભા ચૂંટણીમાં 182માંથી માત્ર 17 બેઠકો જીતીને બીજા ક્રમે રહેલી કોંગ્રેસે કુલ રૂ. 103.26 કરોડનો ખર્ચ જાહેર કર્યો હતો. કોંગ્રેસે પ્રચાર માટે રૂ. 47.19 કરોડનો ખર્ચ કર્યો હતો. જેમાં સ્ટાર પ્રચારકોના પ્રવાસ પાછળ રૂ. 13.76 લાખ, જાહેર સભાઓ અને રેલીઓમાં રૂ. 61.56 લાખ અને પક્ષના ઉમેદવારોને રૂ. 45.35 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.

AAP જે પાંચ બેઠકો સાથે ત્રીજા સ્થાને રહી હતી તેણે ગુજરાત વિધાનસભ ચૂંટણીમાં કુલ ખર્ચ રૂ.33.8 કરોડ જાહેર કર્યો હતો.

સોશિયલ મીડિયા પર અશ્લીલ કે અપમાનજનક પોસ્ટ મૂકનારે તેના પરિણામો ભોગવવા પડશેઃ સુપ્રીમ કોર્ટ

સોશિયલ મીડિયા પર અશ્લીલ પોસ્ટ કરવાની કિંમત ચૂકવવી પડશે, અને માત્ર માફી માંગવાથી કામ ચાલશે નહિં. સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર અશ્લીલ પોસ્ટને લઈ આકરી ટિપ્પણી કરતા કહ્યું છે કે, સોશિયલ મીડિયાનો ઉપયોગ સાવધાનીથી કરવો જોઈએ. અશ્લીલ કે અપમાનજનક અભદ્ર પોસ્ટ કરનારે પરિણામ ભોગવવું પડશે. કોર્ટે એક કેસમાં અપરાધિક કાર્યવાહી અટકાવા ઈન્કાર કર્યો છે. આ તામિલનાડુનો કેસ છે.

સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર અશ્લીલ અને અપમાનજનક પોસ્ટ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ વાત કરી છે. એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈપણ પ્રકારની અપમાનજનક અને અશ્લીલ પોસ્ટ કરવા પર પરિણામ ભોગવવું પડી શકે છે. ઉપરાંત આવા કિસ્સાઓમાં માત્ર માફી માંગવી એ ફોજદારી કાર્યવાહીને માફ કરવા માટે પૂરતું નથી. સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરવા બદલ અભિનેતા અને તમિલનાડુના ભૂતપૂર્વ ધારાસભ્ય એસ વે શેખર રાવ સામેનો કેસ રદ્ કરવાનો ઈન્કાર કર્યો હતો. આ પોસ્ટમાં મહિલા પત્રકારો વિરૃદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી.

આ કેસની વિગત એવી છે કે, કોર્ટે ૭ર વર્ષિય અભિનેતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. ફેસબુક પર એક પોસ્ટ શેર કર્યા પછી શેખર વિરૃદ્ધ તમિલનાડુમાં અનેક કેસ નોંધાયા હતાં. શેખરના વકીલે કહ્યું કે, ભૂલનો અહેસાસ થતા અભિનેતાએ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. આ સાથે બિનશરતી માફી પણ માંગવામાં આવી હતી. તેણે એમ પણ ઉમેર્યું હતું કે, અભિનેતાએ અજાણતા કોઈ અન્યની પોસ્ટ વાંચ્યા વિના શેર કરી હતી કારણ કે તે સમયે તેની દૃષ્ટિ અસ્પષ્ટ હતી.

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિએ ખૂબ કાળજી લેવી જોઈએ. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જરૃરી નથી, પરંતુ જો કોઈ તેનો ઉપયોગ કરતું હોય તો તેણે પરિણામ ભોગવવા તૈયાર રહેવું જોઈએ તેમ કોર્ટે કહ્યું હતું.

અભિનેતા અને તમિલનાડુના ભૂતપૂર્વ ધારાસભ્ય એસ વે શેખરના વકીલે કહ્યું કે આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ. તેના વકીલે કહ્યું કે હું એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવું છું. મારો પરિવાર મહિલા પત્રકારોનું સન્માન કરે છે. તે સમયે મેં મારી આંખોમાં દવા લીધી હતી. આ કારણે હું મારા દ્વારા શેર કરાયેલ પોસ્ટની સામગ્રી વાંચી શક્યો નહી, જો કે જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે અભિનેતાએ સામગ્રી વાંચ્યા વિના આટલી આકસ્મિક રીતે પોસ્ટ કેવી રીતે શેર કરી. કોર્ટે તેમની સામેના કેસની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે તેને ટ્રાયલનો સામનો કરવા કહ્યું. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટપણે કહ્યું કે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જોઈએ. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જરૃરી નથી, પરંતુ જો કોઈ તેનો ઉપયોગ કરતું હોય તો તેણે પરિણામ ભોગવવા તૈયાર રહેવું જોઈએ. આ પહેલા મદ્રાસ હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર મોલકવામાં આવેલ અથવા ફોરવર્ડ કરવામાં આવેલ મેસેજ એ તીર જેવો છે જે પહેલાથી જ ધનુષમાંથી છૂટી ગયો છે. જ્યાં સુધી તે સંદેશ મોકલનાર પાસે રહે છે, તે તેના નિયંત્રણમાં રહે છે. એકવાર મોકલ્યા પછી… સંદેશ મોકલનારને તે તીર (સંદેશ) દ્વારા થતાં નુક્સાનના પરિણામોની માલિકી લેવી જોઈએ. એકવાર નુક્સાન થઈ જાય, પછી માફી જારી કરીને તેમાંથી પુનઃપ્રાપ્ત કરવું ખૂબ મુશ્કેલ હશે.

વર્ષ ર૦૧૮ મા ચેન્નાઈ, કરૃર અને તિરૃનેલવેલી જિલ્લાની અદાલતોમાં પત્રકારોના સંગઠન દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા હતાં. ફોજદારી કાર્યવાહીને રદ્ કરવાની તેમની અરજી મદ્રાસ હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આ પછી શેખરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. શેખરના વકીલે પણ કોર્ટને વિનંતી કરી હતી કે તેને ટ્રાયલ કોર્ટ સમક્ષ વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપવામાં આવે, પરંતુ સર્વોચ્ચ અદાલતે આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ અરજી અંગે ટ્રાયલ જજ પાસે જવાનું કહ્યું હતું.

વિશ્વમાં સૌથી વધુ સરેરાશ પગાર ચૂકવતા દેશોમાં સ્વિટ્ઝર્લેન્ડ પ્રથમઃ ભારત 64મા ક્રમે

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર સૌથી વધુ માસિક સરેરાશ પગારની દૃષ્ટિએ સ્વિટ્ઝર્લેન્ડ વિશ્વમાં પ્રથમ છે, જ્યારે ભારત આ યાદીમાં ૬૪ મા ક્રમે છે.

દુનિયાભરના દેશોમાં લોકોને સૌથી વધુ પગાર આપવાની બાબતમાં અમેરિકા અને યુરોપના મોટા વિકસિત દેશો સામે નાના દેશો આગળ જોવા મળી રહ્યા છે. વિશ્વની આર્થિક મહાસત્તા તરીકે ઓળખાતું અને સૌથી મોટી અર્થવ્યવસ્થાના ટેગ સાથે ફરતું અમેરિકા સૌથી વધુ પગાર આપતા દેશોની યાદીમાં ટોપ-૩ મા પણ સ્થાન મેળવી શક્યું નથી.

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર સૌથી વધુ માસિક સરેરાશ પગારની દૃષ્ટિએ સ્વિટ્ઝર્લેન્ડ, જેને યુરોપનું રમતનું મેદાન કહેવામાં આવે છે, તે પ્રથમ ક્રમે છે. જ્યાં લોકોનો સરેરાશ માસિક પગાર ૬ હજાર ર૮ ડોલર એટલે કે લગભગ પ લાખ રૃપિયા છે. આ પછી બીજા નંબર પર લકઝમબર્ગ છે, જ્યાં લોકોની સરેરાશ માસિક પગાર પ હજાર ૧રર ડોલર છે અને ત્રીજા નંબર પર એશિયાઈ દેશ સિંગાપુર છે. જ્યાં લોકોની સરેરાશ માસિક પગાર ૪ હજાર ૯૯૦ ડોલર છે. સૌથી વધુ પગાર ચૂકવવાના સંદર્ભમાં મોટી વિકસિત અર્થવ્યવસ્થા પણ ટોપ-૩ માં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી છે. જો સેલેરી આપનારા ટોપ-૧૦ દેશોની વાત કરીએ તો અમેરિકા ચોથા નંબર પર છે, જ્યાં સરેરાશ માસિક પગાર ૪ હજાર ૬૬૪ ડોલર એટલે કે લગભગ ૪ લાખ રૃપિયા છે. આ પછી આઈસલેન્ડ ટોપ ૧૦ મા પાંચમા નંબર પર છે. જ્યાં સરેરાશ માસિક પગાર ૪ હજાર ૩૮૩ ડોલર છે. અખાતી દેશ કતાર યાદીમાં છઠ્ઠા નંબરે છે અને અહીં સરેરાશ માસિક પગાર ૪,૧૪૭ ડોલર છે. આ પછી ડેનમાર્ક, નેધરલેન્ડ્સ, યુએઈ, નોર્વે જેવા દેશોનો આ યાદીમાં સમાવેશ થાય છે.

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર ભારત આ યાદીમાં ૬૪ મા નંબર પર છે અને અહીં સરેરાશ માસિક પગાર પ૯૪ ડોલર એટલે કે લગભગ ૪૯ હજાર રૃપિયા છે અને જો ભારતીય પાડોશી દેશ પાકિસ્તાનની વાત કરવામાં આવે તો ત્યાં લોકોનો સરેરાશ માસિક પગાર ૧પ૯ ડોલર એટલે કે લગભગ ૧૩,૧૭પ રૃપિયા છે. પગારની બાબતમાં ચીન અને દક્ષિણ આફ્રિકા ભારત કરતા લગભગ બમણા પગાર ચૂકવે છે. ચીનમાં સરેરાશ માસિક પગાર ૧,૦૦ર ડોલર છે અને દક્ષિણ આફ્રિકામાં ૧,ર૧૩ ડોલર છે. ભારતે પોતાની આર્થિક શક્તિ વધારવાની સાથે સાથે લોકોના પગારમાં પણ તેજ ગતિએ વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૃર છે.

બ્રિટનની હોસ્પિટલમાં સાત બાળકોની હત્યાના કેસમાં નર્સ લ્યુસી દોષિત જાહેર

બ્રિટિશ હોસ્પિટલમાં સાત બાળકોની હત્યા અને અન્ય દસની હત્યાનો પ્રયાસ કરવા બદલ એક નર્સને દોષી ઠેરવવામાં આવી છે. લ્યુસી લેટબી પર પાંચ છોકરાઓ અને બે છોકરીઓના મૃત્યુ અને પાંચ છોકરાઓ અને પાંચ છોકરીઓની હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એક રિપોર્ટ મુજબ, ર૦૧પ થી ર૦૧૬ ની વચ્ચે ઉત્તર પશ્ચિમ ઈંગ્લેન્ડની કાઉન્ટેસ ઓફ ચેસ્ટર હોસ્પિટલમાં કાર્યરત નિયોનેટલ નર્સ ૩૩ વર્ષીય લ્યુસી લેટબી પર નવજાત શિશુઓને વિવિધ રીતે ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતોે.

આ માટે તેણે નવજાતના લોહીના પ્રવાહમાં ઈન્જેકશન દ્વારા નાસોગેસ્ટ્રિક ટયુબ દ્વારા તેમના પેટમાં ઝેર નાખ્યું હતું. હોસ્પિટલના ડોકટરે એકાએક ઘણાં બાળકોના મૃત્યુ બાદ તપાસ કરતા લ્યુસી લેટબીની ભૂમિકા સામે આવી હતી. લ્યુસી બાળકોને આપવામાં આવતા દૂધ, પ્રવાહી અને ઈન્સ્યુલિન જેવી દવાઓનો ઉપયોગ ઝેર તરીકે કરતી હતી.

ઉલ્લેખનિય છે કે ભારતીય મૂળના ડોકટર રવિ જયરામના જણાવ્યા અનુસાર, તેમણે ઘણાં સમય પહેલા હોસ્પિટલના તંત્રને નર્સની ભેદી કામગીરી વિશે જાણ કરી હતી.

મૂડી’ઝે ભારત પર દેવું વધતું હોવાની ચિંતા વ્યક્ત કરી, પણ અર્થતંત્રની પ્રશંસા કરી

ભારત પર વધતા જતા દેવાથી મૂડી’ઝ ચિંતિત છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ દર ઘટ્યાનો દાવો પણ કરવામાં આવ્યો છે, જો કે મુડી’ઝે ભારતીય અર્થતંત્રની પ્રશંસા કરતા બીએએ૩ રેટિંગ જાળવી રાખ્યું છે. દેશમાં ઉચ્ચ જીડીપી વૃદ્ધિને કારણે આવકનું સ્તર પણ વધી રહ્યું હોવાનું તારણ પણ કાઢવામાં આવ્યું છે.

ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને તેને વિશ્વ બેંકથી લઈને આઈએમએફ સુધીની તમામ રેટીંગ એજન્સીઓએ સ્વીકારી છે. હવે વૈશ્વિક રેટીંગ એજન્સી મૂડી’ઝ તરફથી પણ ભારતીય અર્થતંત્રને લઈને ટિપ્પણી કરવામાં આવી છે.

મૂડી’ઝ દ્વારા ભારતીય અર્થતંત્રની પ્રશંસા કરતા બીએએ૩ રેટીંગ જાળવી રાખ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ દર ઘટ્યો છે.

લાંબા સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે જ્યાં યુરોપના ઘણાં દેશોની અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં છે, ત્યાં ભારત સારા વિકાસ દર સાથે આગળ વધી રહ્યું છે. મૂડી’ઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે ગઈકાલે જાહેર કરેલા તેના અહેવાલમાં ભારતીય અર્થતંત્રમાં વિશ્વાસ જાળવી રાખીને ભારતનું રેટીંગ અને આઉટલૂક યથાવત્ રાખ્યો છે.

મૂડી’ઝના મતે ભારતીય અર્થવ્યવસ્થા આ ગતિએ આગળ વધતી રહેશે. આ સાથે રેટીંગ એજન્સીએ ભારતના લાંબાગાળાના સ્થાનિક અને વિદેશી ચલણ રેટીંગ તેમજ સ્થાનિક-ચલણ સિનિયર અસુરક્ષિત રેટીંગ બીએએ૩ પર જાળવી રાખ્યું છે. આ ઉપરાંત ભારતના ટૂંકા ગાળાનું સ્થાનિક ચલણ રેટીંગ પણ પી-૩ પર સ્થિર રાખવામાં આવ્યું છે.

ભારત પરનો રેટીંગ એજન્સી મૂડી’ઝનો આ વિશ્વાસ પુષ્ટિ કરે છે કે દેશની અર્થવ્યવસ્થા સાચા ટ્રેક પર છે.

જો કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઝડપી ગતિએ આગળ વધવા છતાં છેલ્લા ૭ થી ૧૦ વર્ષમાં ભારતના સંભવિત વિકાસ દરમાં ઘટાડો થયો છે. મૂડી’ઝએ પણ ભારત પર વધી દેવા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, તેનાથી દેશની અર્થવ્યવસ્થા પર અસર પડી રહી છે, પરંતુ તેની સાથે કહ્યું કે, ઉચ્ચ જીડીપી વૃદ્ધિને કારણે આવકનું સ્તર પણ વધી રહ્યું છે અને આર્થિક સ્થિરતા જોવા મળી રહી છે.

આ અહેવાલ જણાવે છે કે, બીએએ૩ રેટીંગ અને સ્થિર આઉટલૂકમાં નાગરિક સમાજ અને રાજકીય અસંમતિમાં ઘટાડો પણ સામેલ છે. જે સ્થાનિક રાજકીય જોખમોને કારણે વધુ વકરી છે. એજન્સીએ આશા વ્યક્ત કરી છે કે ઓછામાં ઓછા ર વર્ષ સુધી ભારત તમામ જી-ર૦ દેશો કરતા વધુ વૃદ્ધિ દર હાંસલ કરશે. તેનું મુખ્ય કારણ સ્થાનિક માંગમાં વધારો છે.

આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર આ ઝડપી વૃદ્ધિ દરને કારણે ઓછી આવકમાં વધારો થશે જે આર્થિક મજબૂતી તરફ દોરી જશે. મૂડી’ઝ અનુસાર હવે ભારતનો વિકાસ દર ૬ ટકાથી ૬.પ ટકા રહી શકે છે.

 

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય: IPS ઓફિસર અભિષેક જોરવાલ પર પાંચ વર્ષનો પ્રતિબંધ, જાણો શું છે આખો મામલો?

એક મોટો નિર્ણય લેતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2011 બેચના હરિયાણા કેડરના IPS અધિકારી અભિષેક જોરવાલને કેન્દ્રીય પ્રતિનિયુક્તિ અને કોઈપણ વિદેશી સોંપણી પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. જણાવી દઈએ કે ગૃહ મંત્રાલયે 14 જૂન 2023ના રોજ અભિષેકને પાંચ વર્ષ માટે NIAમાં ડેપ્યુટેશન પર મોકલ્યા હતા. પરંતુ ડેપ્યુટેશન પણ રદ કરવામાં આવ્યું છે.

અભિષેક જયપુરના રહેવાસી છે

એસપી અભિષેક જોરવાલ મૂળ રાજસ્થાનના જયપુરના છે. તેમના પિતા એચએમ મીના રાજસ્થાન પીડબલ્યુડીના સેક્શન એન્જિનિયરના પદ પરથી નિવૃત્ત થયા હતા. માતા સંતોષ મીના ગૃહિણી છે. બહેન અનુપમા જોરવાલ IAS ઓફિસર છે. તેમના સાળા અખિલેશ કુમાર ઉત્તર પ્રદેશમાં આઈપીએસ અધિકારી છે. જ્યારે પત્ની ડો.કોમલ ડેન્ટલ સર્જન છે.

મંત્રાલય સમયાંતરે અધિકારીઓ સામે કાર્યવાહી કરે છે

આ પહેલા આઈપીએસ અધિકારી મણિલાલ પાટીદારને ભારતીય પોલીસ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે ગોવામાં એક છોકરીની છેડતીના આરોપમાં ડીઆઈજીને સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે IPS અભિષેક જોરવાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી.

ચંદ્રયાન-3ના લેન્ડર પરના કેમેરાએ ચંદ્રની સુંદર તસવીરો લીધી, ઈસરોએ શેર કર્યો વીડિયો

ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 ધીમે ધીમે ચંદ્રની નજીક આવી રહ્યું છે. ગુરુવારે, લેન્ડર મોડ્યુલને પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કર્યા પછી, ચંદ્રયાન-3 એ ચંદ્રની પ્રથમ તસવીર મોકલી છે, જે ખૂબ જ સુંદર છે. આ તસવીર ચંદ્રયાન-3ના લેન્ડર ઈમેજર સાથે જોડાયેલા કેમેરા-1માંથી 17/18 ઓગસ્ટે લેવામાં આવી હતી. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ તેનો વીડિયો બનાવીને ટ્વિટર પર શેર કર્યો છે.

ચંદ્ર પર પહોંચવા માટે, ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે લગભગ 100 કિલોમીટરનું અંતર જાતે જ કાપવું પડશે. લેન્ડર મોડ્યુલનું ડીબૂસ્ટિંગ 18 ઓગસ્ટના રોજ થયું હતું. ડીબૂસ્ટિંગની પ્રક્રિયામાં, લેન્ડરની ઝડપ ઘટે છે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ઈસરો) અનુસાર, લેન્ડર 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે. લેન્ડર વિક્રમ અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. જો મૂન-3નું સોફ્ટ લેન્ડિંગ સફળતાપૂર્વક કરવામાં આવશે તો ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી આવું કરનાર ચોથો દેશ બની જશે.

જૂઓ વીડિયો

2019માં ચંદ્રયાન-2 મિશનનું લેન્ડર ચંદ્રની સપાટી પર ક્રેશ થયું હતું. તે પછી તરત જ, ભારતે ત્રીજા ચંદ્ર મિશનની તૈયારીઓ શરૂ કરી દીધી. ઈસરોના વૈજ્ઞાનિકો છેલ્લા ઘણા મહિનાઓથી આ મિશનને સફળ બનાવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા હતા. આ વખતે ચંદ્રયાન-3ના ઉતરાણમાં કોઈ મુશ્કેલી ન આવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-2ની જેમ ચંદ્રયાન-3ના લેન્ડરને પણ વિક્રમ નામ આપવામાં આવ્યું છે.

આ મિશનને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે તેને કોઈપણ સંજોગોમાં ચંદ્ર પર ઉતારી શકાય. 23 ઓગસ્ટે જ્યારે લેન્ડર ‘વિક્રમ’ ચંદ્રની સપાટી પર ઉતરવાનો પ્રયાસ કરશે અને તેમાં કોઈ સમસ્યા હશે તો તેને અન્ય જગ્યાએ પણ લેન્ડ કરી શકાય છે. આ મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરવાનો અને ત્યાં ચાલવાની ક્ષમતાને સાબિત કરવાનો છે.

હેટ સ્પીચને લઈ સુપ્રીમ કોર્ટ: પહેલાં હોય કે બીજા પક્ષ, તમામની સાથે એક જેવો વ્યવહાર થવો જોઈએ”

સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે દરેક વ્યક્તિ સાથે સમાન વ્યવહાર થવો જોઈએ, પછી તે એક બાજુ હોય કે બીજી. જ્યાં પણ દ્વેષપૂર્ણ ભાષણ હશે, તેની સાથે કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. હેટ સ્પીચ પર સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે અમે કઈ બાજુએ શું કર્યું તેના પર ધ્યાન નહીં આપીએ. અમે કાયદા મુજબ નફરતભર્યા ભાષણ સાથે વ્યવહાર કરીશું.

સર્વોચ્ચ અદાલત હેટ સ્પીચ અને નૂહ સાંપ્રદાયિક હિંસા સંબંધિત અરજીઓની સુનાવણી કરી રહી હતી. એક અરજીમાં વિરોધ રેલીઓ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી છે, જ્યારે બીજી અરજીમાં મુસ્લિમોના સામાજિક અને આર્થિક બહિષ્કારના એલાન અંગે ફરિયાદ કરવામાં આવી છે.

એક વકીલે કહ્યું, “કેરળમાં IUML દ્વારા એક રેલી યોજવામાં આવી હતી અને તે દિવસે તેઓએ હિંદુઓની હત્યા અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેના પર જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે, હું સ્પષ્ટ છું કે તે એક બાજુ હોય કે બીજી બાજુ, તેમની સાથે સમાન વ્યવહાર થવો જોઈએ અને જ્યાં પણ નફરતભર્યા ભાષણ હશે, તેમની સાથે કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

નૂહ પછી, મહાપંચાયતમાં મુસ્લિમો વિરુદ્ધ બહિષ્કાર અભિયાન વિરુદ્ધની અરજી પર, સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું કે અમને આશા છે કે હેટ સ્પીચ અંગે કોર્ટની માર્ગદર્શિકા આ ​​મામલે અનુસરવામાં આવી હશે. સુપ્રીમ કોર્ટ આ અરજી પર 25 ઓગસ્ટે સુનાવણી કરશે.

સર્વોચ્ચ અદાલત હેટ સ્પીચને લઈ આકરા પાણીએ 

છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે દ્વેષપૂર્ણ ભાષણ અને નફરતના અપરાધ પર કડક વિચારો વ્યક્ત કર્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હેટ ક્રાઇમ અને હેટ સ્પીચ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તંત્ર તૈયાર કરવું જરૂરી છે. આપણે આ સમસ્યાનો ઉકેલ શોધવો પડશે. સુપ્રીમ કોર્ટે આવી ઘટનાઓને રોકવા માટે કેન્દ્ર પાસેથી પ્રસ્તાવ માંગ્યો હતો. હાલમાં સુપ્રીમ કોર્ટે રેલીઓ વગેરે પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે અરજદારોને તહેસીન પૂનાવાલાના નિર્ણય મુજબ તેમની પાસે ઉપલબ્ધ નફરતભર્યા ભાષણની સામગ્રી નોડલ ઓફિસરને સોંપવા કહ્યું છે. આવી ફરિયાદોના નિરાકરણ માટે નોડલ ઓફિસર કમિટીએ સમયાંતરે બેઠક કરવી જોઈએ.

જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે, અમે ડીજીપીને એક કમિટી બનાવવાનું કહીશું, જે અલગ-અલગ વિસ્તારના એસએચઓ પાસેથી મળેલી અપ્રિય ભાષણની ફરિયાદો પર ધ્યાન આપશે, તેમની સામગ્રી તપાસશે અને સંબંધિત પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપશે.

ગુજરાત મોડલ પર ચીન ઓળઢોળ: ચીને પાકિસ્તાનને કહ્યું, “ગુજરાત મોડલ અપનાવવાની જરૂર”

ભારત અને પાકિસ્તાને ત્રણ દિવસ પહેલા જ પોતાનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો છે. બંને દેશોએ સાથે મળીને 1947માં અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવી હતી. પરંતુ આજે 8 દાયકા પછી ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. બીજી તરફ પાકિસ્તાન દરેક દાણા પર નિર્ભર છે. પાકિસ્તાનની હાલત જોઈને તેના મિત્ર ચીને તેને ભારત પાસેથી શીખવા કહ્યું છે. આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનના નેતાઓ અથવા તેના મિત્રો તેને ભારત પાસેથી શીખવાની સલાહ આપી રહ્યા છે. આ પહેલા પણ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને અનેક અવસર પર ભારત અને તેની વિદેશ નીતિના વખાણ કર્યા છે.

પાકિસ્તાને ભારત પાસેથી શીખવાની જરૂર છે: ચીની નિષ્ણાત

ચાઇના ઇન્સ્ટિટ્યૂટ ઑફ કન્ટેમ્પરરી ઇન્ટરનેશનલ રિલેશન્સ (CICIR)ના ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાઉથ એશિયન સ્ટડીઝના ડિરેક્ટર હુ શિશેંગે બેઇજિંગમાં પાકિસ્તાનને આ સલાહ આપી છે. પાકિસ્તાનમાં એક કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બોલતા તેમણે કહ્યું કે પાકિસ્તાને ભારત તરફ જોવું જોઈએ અને તેમની પાસેથી શીખવું જોઈએ. ભારતના વિકાસ તરફ ધ્યાન આપવું જોઈએ કે કેવી રીતે આજે બે સ્વતંત્ર દેશોમાંથી એક દેશ દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે, જ્યારે પાકિસ્તાન દેવાના કળણમાં ધકેલાઈ ગયું છે.

પાકિસ્તાને ગુજરાત મોડલ અપનાવવાની જરૂર છે

ચીનના નિષ્ણાત હુ શિશેંગે તેમના ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીના ગુજરાત મોડલની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારતનો આ ઝડપી વિકાસ મુખ્યત્વે ગુજરાત મોડલ પર આધારિત છે. પાકિસ્તાન આ રીતે વિકાસ કેમ ન કરી શક્યું. આ દરમિયાન ચીની નિષ્ણાતે પાકિસ્તાનને સૂચન કર્યું કે નવી યોજનાઓ શરૂ કરવાને બદલે પાકિસ્તાને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેને પુનર્જીવિત કરવું જોઈએ. તે સુનિશ્ચિત કરવા માટે કે તેઓ નિષ્ક્રિય ન રહે.

પાકિસ્તાને ભારતની જેમ આત્મનિર્ભર બનવાનું વિચારવું જોઈએ

આ દરમિયાન તેણે કહ્યું કે તેની નાણાકીય ખાધ દૂર કરવાની સાથે પાકિસ્તાનને નવી લોન ન લેવા કહ્યું. તેમણે પાકિસ્તાનમાં ચાલી રહેલા બિઝનેસને સુધારવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાની વાત કરી હતી. એમ પણ કહ્યું કે આ માટે તેણે ભારતની જેમ આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવું પડશે અને તેણે આ ક્ષેત્રમાં ઝડપથી કામ કરવું પડશે.

ઈમરાન ખાને અનેક અવસર પર ભારતના વખાણ કર્યા છે

જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે પાકિસ્તાનનો નેતા અથવા તેનો કોઈ મિત્ર તેને ભારત પાસેથી શીખવાની સલાહ આપી રહ્યો હોય. આ પહેલા પણ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને અનેક અવસર પર ભારત અને તેની વિદેશ નીતિના વખાણ કર્યા છે. તેણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શહેબાઝ શરીફની ઘણી વખત સરખામણી કરી છે. ભારતના વખાણ કરતા ઈમરાન ખાને કહ્યું હતું કે ભારતમાં આઈટીની નવી ટેકનોલોજીકલ ક્રાંતિમાં 20 વર્ષ પહેલા ભારત ક્યાં હતું અને આજે તેની નિકાસ જુઓ અને આજે આપણી તરફ જુઓ. ભારત આપણાથી ઘણું આગળ છે. ભારતના IT ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે.

ઈસરોએ કરી મોટી જાહેરાતઃ વિક્રમ લેન્ડરના ડિબુસ્ટિંગનો પ્રથમ તબક્કો પૂર્ણ

ચંદ્રયાન થ્રી મિશનને લઈને સૌથી મોટી અપડેટ ઈસરો દ્વારા કરવામાં આવી છે. વિક્રમ લેન્ડરની ડિબુસ્ટિંગનો પહેલો તબક્કો સફળ રહ્યો છે, જ્યારે હવે બીજો તબક્કો 20મી ઓગસ્ટ થશે. ચંદ્રયાન-થ્રીએ આજે વધુ એક મહત્ત્વનો પડાવ પાર કર્યો છે. લેન્ડર મોડયુલને સફળતાપૂર્વક ડિબૂસ્ટિંગ ઓપરેશન કર્યું છે, ત્યાર પછી તેની ભ્રમણકક્ષા 113 કિલોમીટર x 157 કિલોમીટરથી ઓછી થઈ છે. ઈસરોએ ટવિટ કરીને એની જાણકારી આપી હતી હવે બીજું ડિબુસ્ટિંગ ઓપરેશન 20 ઓગસ્ટે બે વાગ્યે થશે, એમ ઈસરોએ જણાવ્યું હતું.

ભારતના મિશન મૂન ચંદ્રયાન-થ્રીએ શુક્રવારે ચંદ્ર નજીકનો એક વીડિયો મોકલ્યો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ ટવિટ કર્યું હતું. આ વીડિયો પંદરમી ઓગસ્ટના કેપ્ચર કર્યો હતો. વીડિયોમાં મૂન કિલયર જોવા મળે છે, જ્યારે ચંદ્ર પરના ખાડા પણ જોવા મળી રહ્યા છે. વીડિયો ટવિટ કરીને ઈસરો લખ્યું હતું કે લેન્ડરના કેમેરાએ વીડિયો મોકલ્યો છે. લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરાને પંદરમી ઓગસ્ટે કેપ્ચર કર્યો હતો.

ISRO દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં 15 ઓગસ્ટના રોજ લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC) અને 17 ઓગસ્ટના રોજ લેન્ડર ઇમેજર કેમેરા-1 દ્વારા પ્રોપલ્શન મોડ્યુલથી લેન્ડર મોડ્યુલને અલગ કર્યા પછી લેવામાં આવેલી તસવીરોનો સમાવેશ થાય છે. આ પછી, 20 ઓગસ્ટના રોજ ડીબૂસ્ટિંગ પણ કરવામાં આવશે, જેનો અર્થ છે કે લેન્ડરને ચંદ્રની નીચલા ભ્રમણકક્ષાની નજીક લાવવામાં આવશે, જ્યાંથી 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરાણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્ર પર ઉતરાણ કરીને ઈતિહાસ રચશે.

ગુરુવાર, 17 ઓગસ્ટ, બપોરે 1.15 વાગ્યે, વિક્રમ લેન્ડરને તેના પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કરવામાં આવ્યું હતું. હવે લેન્ડર ચંદ્રની નજીક ક્યાં પહોંચશે. તે જ સમયે, આગામી એક વર્ષ સુધી, પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની આસપાસ જશે અને તેની માહિતી પૃથ્વી પર મોકલશે. હવે લેન્ડર એકલું ચંદ્રની 100 કિલોમીટરની ભ્રમણકક્ષાની આસપાસ ફરશે. આજે અને ફરીથી 20 ઓગસ્ટે તેને ચંદ્રની સપાટીની નજીક લાવવામાં આવશે. આ પછી, 23 ઓગસ્ટનો ઐતિહાસિક દિવસ આવશે જ્યારે ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીને સ્પર્શશે.