અમદાવાદ બન્યુ ગુજરાતનું વુહાન : દર 24 મિનીટમાં નોંધાય છે 1 કોરોના પોઝિટિવ

ગુજરાત રાજ્યમાં કોરોના પોઝિટવ દર્દીઓની સંખ્યા વધતી જઇ રહી છે. વાયરસનો ચેપ પોતાનો વિસ્તાર વધારતો જાય છે. ગુરૂવારે રાજ્યમાં 163 પોઝિટિવ કેસ નોધાયા હતા અને શુક્રવારે વધુ નવા કેસ નોંધાવા સાથે રાજ્યમાં કેસનો આંકડો 1021 પર પહોંચી ગયો છે. જો કે રાજ્યમાં જે કેસ મળ્યા છે તેમાંથી 59 ટકા કેસ એકલા અમદાવાદના છે. રેડ હોટસ્પોટ ઝોનમાં સામલ અમદાવાદમાં છેલ્લા 5 દિવસમાં દર 24 મિનીટે એક પોઝિટિવ કેસ મળી રહ્યો છે.

જો ગુજરાતમાં ગુરૂવારની સાંજ સુધીના જ આંકડાને ધ્યાને લઇએ તો રાજ્યમાં 929 કેસ હતા. રાજ્યમાં કોરોનાએ 36 લોકોનો ભોગ લીધો છે. રાજ્યના મુખ્ય સચિવ (આરોગ્ય) જયંતિ રવિએ કહ્યું હતું કે ડોક્ટર્સ સહિત 26 સરકારી કર્મચારી પણ કોરોના પોઝિટિવ મળ્યા છે. વાત કરીએ અમદાવાદની તો છેલ્લા 5 દિવસમાં અહીં 302 કેસ નોંધાયા છે.

અહીં પહેલાથી જ 243 દર્દીઓ હતા. નવા દર્દીઓ સાથે આ આંકડો રોજના 60.4 કેસ અથવા તો દર 24 મિનીટે એક કેસની દરે વધ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ સ્થિતિની ગંભીરતા અંગે લોકોને ચેતવ્યા છે. તેમણે કહ્યું હતું કે જે સ્થિતિ છે તેને જોતા રોજના 100 કેસનો આંકડો પણ પાર થઇ જશે. ગુજરાતમાં 929 દર્દીઓમાંથી 545 દર્દીઓ એકલા અમદાવાદના છે.

ગૂડ ન્યૂઝ ફોર ક્રિકેટ ફેન્સ : આ દેશે IPL યોજવા માટે કરી ઓફર

શ્રીલંકાએ કોરોના રોગચાળા વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સિઝનનું આયોજન કરવાની ઓફર કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ કોરોનાને કારણે વિશ્વની સૌથી આકર્ષક અને લોકપ્રિય ટી -20 લીગને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે.

2020નું આઈપીએલ વર્ઝન 29 માર્ચથી શરૂ થવાનું હતું. કોરોના વાયરસના ફાટી નીકળવાના કારણે તેને પ્રથમ 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી હતી. અને હવે ભારતમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન ત્રીજી મે સુધી લંબાવ્યા બાદ તેને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. દરમિયાન  શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ભારતીય બોર્ડને પત્ર લખ્યો છે, જેમાં આઈપીએલનું આયોજન કરવાની ઓફર કરી છે. શ્રીલંકાના બોર્ડ વડા માને છે કે શ્રીલંકાને ભારત કરતાં વહેલા સમયમાં કોરોનાથી છૂટકારો મળી જશે.

ESPNCRICINFCO એ એસએલસીના પ્રમુખ શમ્મી સિલ્વાને ટાંકતા જણાવ્યું છે કે, દેખીતી રીતે, આઈપીએલ રદ થતાં બીસીસીઆઈ અને ફ્રેન્ચાઈઝીસને 500 મિલિયનથી વધુનું નુકસાન થશે. આવી સ્થિતિમાં, બીજો દેશ ટૂર્નામેન્ટ હોસ્ટ કરીને નુકસાન ઘટાડી શકે છે.

તેમણે કહ્યું, ‘જો તેઓ શ્રીલંકામાં રમે છે, તો ભારતીય દર્શકોને ટીવી પર રમત જોવાનું સરળ રહેશે. ભારતીય બોર્ડને દક્ષિણ આફ્રિકામાં આઈપીએલ યોજવાનો અનુભવ છે.

અત્યાર સુધી આઈપીએલને બે વખત ભારતની બહાર ખસેડવામાં આવી છે. 2009ની આઈપીએલ સિઝન લોકસભાની ચૂંટણીને કારણે દક્ષિણ આફ્રિકા ખસેડવામાં આવી હતી. આ પછી આઇપીએલના પ્રથમ બે અઠવાડિયા પણ યુએઈ દ્વારા 2014ની ચૂંટણી સમયે યોજવામાં આવી હતી.

ભારત કરતા શ્રીલંકામાં કોરોના વાયરસના કેસો ઓછા થયા છે. શ્રીલંકામાં કોવિડ -19 ના અત્યાર સુધીમાં 230થી વધુ કેસ છે, જ્યારે સાત લોકોનાં મોત નીપજ્યાં છે.

બિમાર અર્થતંત્રમાં પ્રાણ ફુંકવા આરબીઆઇ ગવર્નરે કરી મોટી જાહેરાતો, રિવર્સ રેપો રેટમાં કપાત

કોરોનાગ્રસ્ત ઇકોનોમીને સંકટમાંથી બહાર કાઢવા માટે આરબીઆઇએ આજે ફરી ઘણી મોટી જાહેરાતો કરી હતી. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે મધ્યસ્થ બેન્કનું મિશન છે કે કોરોનાને કારણે નીચે જઇ રહેલી ઇકોનોમી ઘટવાની સ્પીડને ઝડપી બનતા અટકાવી શકા. લોકડાઉનની દેશના અર્થતંત્ર પર થયેલી વિપરિત અસરોને જોતા રિઝર્વ બેંકે આજે કેટલીક મોટી જાહેરાતો કરી છે. જેમાં આગામી સમયમાં દેશનો જીડીપી ગ્રોથ કેટલો રહેશે, અને અર્થતંત્ર ક્યારે પાટે ચઢશે તેના અંદાજ વ્યક્ત કરવા ઉપરાંત એનબીએફસીને રાહત આપવાનું એલાન કરાયું છે.

લોકડાઉન તેમજ લોન ભરવામાં ત્રણ મહિનાની મુક્તિ આપવાની જાહેરાતથી મુશ્કેલીમાં મૂકાયેલી એનબીએફસી અને માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટિ્યૂટને માટે આરબીઆઈએ 50,000 કરોડ રુપિયાનું પેકેજ જાહેર કર્યું છે. આ ઉપરાંત, રોકડની અછત ના સર્જાય તે માટે પણ બેંકોને તાકીદ કરવામાં આવી છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને બેંકોને કોઈ પ્રકારનું ડિવિડન્ડ જાહેર ના કરવા પણ આરબીઆઈએ જણાવ્યું છે. આ ઉપરાંત, લોન ભરપાઈ ના થઈ શકવાની સ્થિતિને પહોંચી વળવા માટેની જોગવાઈમાં પણ 10 ટકાનો વધારો કરવા આરબીઆઈએ આદેશ આપ્યો છે.

આરબીઆઈના ગવર્નર શશીકાંત દાસગુપ્તાએ આજે જણાવ્યું હતું કે IMFના અંદાજ અનુસાર, દેશનો વિકાસ દર 1.9 ટકા રહી શકે છે. જોકે, G20 દેશોમાં તે સૌથી વધુ છે. નાણાંકીય વર્ષ 2022થી દેશનું અર્થતંત્ર પાટે ચઢશે અને વિકાસ દર 7.4 ટકા રહેશે તેવું પણ IMFનું અનુમાન છે. 2020માં વૈશ્વિક અર્થતંત્ર મોટી મંદીનો સામનો કરશે તેવી શક્યતા દર્શાવતા આરબીઆઈના ગવર્નરે જણાવ્યું હતું કે, 2021 અને 2022 દરમિયાન વૈશ્વિક અર્થતંત્રને 9 ટ્રિલિયન ડોલરના નુક્સાનની સંભાવના IMFએ વ્યક્ત કરી છે.

આ કપરા સમયમાં અર્થતંત્રમાં રોકડનો પ્રવાહ જળવાઈ રહે તે માટે આરબીઆઈ દ્વારા કેટલાક પગલાં પણ લેવાયા છે. આજે રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરાઈ તેને 3.75 ટકા કરી દેવાયો છે. આ ઉપરાંત, રિઝર્વ બેંકે કટોકટીની સ્થિતિમાં મૂકાયેલી એનબીએફસીને પણ ખાસ્સી રાહત આપી છે.

લોકડાઉનથી વેપાર ધંધા ઠપ્પ થવાના કારણે લોકોની લોન ભરવાની ક્ષમતા પર નકારાત્મક અસર પડી શકે છે તેવો અંદાજ વ્યક્ત કરતા શશિકાંત દાસે કહ્યું હતું કે, એનબીએફસી કોઈ લોનને NPA જાહેર કરવાન નિયમોમાં ઢીલ મૂકી શકે છે. વળી, જે ત્રણ મહિના EMI ભરવાથી મુક્તિ અપાઈ છે તે ગાળો પણ NPA માટે ગણતરીમાં લઈ શકાશે નહીં.

વીડિયો: સલમાન ખાનની સોશિયલ ડિસ્ટન્સીંગની ફિલ્મી ફાઈટ, વર્ષો પછી સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

હિન્દી ફ્લિમ જગતનાં દબંગ ખાન અને ભાઈજાન તરીકે ઓળખાતા સલમાન ખાનની વર્ષો જૂની ફિલ્મની ફાઈટને હાલના કોરોનાનાં સંકટમાં સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી છે. આ ફાઈટમાં સલમાન ખાન અને શક્તિ કપૂર એક પણ તમાચો કે ફેંટ માર્યા વિના દુર રહીને ફાઈટ કરે છે.

સલમાન ખાન અને આમિર ખાનની 1994માં અંદાઝ અપના-અપના નામની ફિલ્મ આવી હતી. આ ફ્લિમમાં ફાઈટ સીનમાં સલમાન ખાન અને શક્તિ કપૂર ફાઈટ કરે છે. ફાઈટ સીનમાં બન્ને અભિનેતા અેકબીજાને ટચ કર્યા વિના ફાઈટ કરે છે.

હાલ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવા માટે સરકાર દ્વારા ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સીંગને વિવિધ રીતે કરવા માટે દરેક પ્રકારે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તો અંદાઝ અપના અપના ફિલ્મના વીડિયોના મનોરંજનનાં માધ્યમથી પણ સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવાના પ્રયાસો કરવા માટે સોશિયલ મીડિયા પર આ ફાઈટ સીનને વાયરલ કરવામાં આવી રહ્યો છે.

કમોસમી વરસાદે ફટકો માર્યો તો હવે કોરોના હાફુસ કેરીનો સ્વાદ બગાડશે

કોરોના લોકડાઉનમાં ઉદ્યોગ-ધંધા બંધ થઈ ગયા છે. કેટલીક જગ્યાએ કારીગરો રસ્તા પર ઉતરીને દેખો પણ કરી રહ્યા છે. ખાસ કરીને ખેડુતોને દાઝ્યા પર ડામ દેવા જેવું બની રહ્યું છે. કેરીના પાકને લઈ ખેડુતો પારાવાર ચિંતામાં જોવા મળી રહ્યા છે.

ખેડુતોએ જણાવ્યું કે હાલમાં તો કેળાનો પાક બજારમાં વેચવા માટે આવી રહ્યો છે. વેપારીઓ ખેડુતો પાસેથી પાણીના ભાવે માલ ખરીદી રહ્યા છે અને ઉંચા ભાવે માર્કેટમાં માલ વેચી રહ્યા છે. બેથી અઢી રૂપિયા કિલો માલ ખરીદીને બજારમાં 25થી 30 રૂપિયા કિલો માલ વેચી રહ્યા છે. આવી સ્થિતિમાં કેરીના પાકને ઝાડ પરથી ઉતારવાનો સમય નજીક આવી રહ્યો છે.

જયેશ પટેલે જણાવ્યું કે કેરીના પાકને આવવામાં દસથી પંદર દિવસનો સમય છે. ખાસ કરીને વલસાડી હાફુસનો પાક ઝાડ પરથી ઉતારવામાં આવશે. હાલ કેસર કેરીને માર્કેટમાં ડમ્પ કરવામાં આવી રહી છે. પરંતુ લોકડઉનનાં કારણે જેટલો માલ વેચાવા જોઈએ તેટલા પ્રમાણમાં માલ વેચાઈ રહ્યો નથી. આ વખતે હાફુસ, કેસર કેરીનો પાક ઓછો છે અને ભાવ તોતીંગ છે એટલે સામાન્ય લોકો માટે કેરી ખાવાની વાત આ વર્ષ મુશ્કેલી બની જાય તો નવાઈ નહીં.

હાફુસ કેરીના વેચાણને લઈ ખેડુતો હાલ વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છે. દક્ષિણ ગુજરાતની કેરી માટે સુરત માર્કેટ યાર્ડ મોટું બજાર છે. કેરી ડમ્પ કરવામાં આવે તો ખરીદાર પણ જોઈએ અને કોરોનાનાં કારણે સુરતની સ્થિતિ સંપૂર્ણપણે બંધ છે. ગુજરાત સરકારે ખેડુતો માટે રાહત આપી છે અને ધીમે ધીમે ગાડી પાટે આવી જવાની શક્યતા છે.

સુરત ઉપરાંત અમદાવાદ અને વડોદરા માર્કેટ યાર્ડ પણ ખેડુતો માટે મહત્વનાં છે. પરંતુ આ બન્ને શહેરો પણ ઠપ્પ થઈ જવા પામ્યા છે. કોરોના લોકડાઉનની સ્થિતિમાં હાફુસ સહિતની કેરીના પાકને ઓછા સમયમાં અને લોકડાઉનની વચ્ચે વેચવા માટેની ખેડુતોને ચિંતા થવી સ્વભાવિક બાબત બની રહી છે. કમોસમી વરસાદના કારણે આ વર્ષે કેરીના પાકને નુકશાન થયું છે અને હવે જે કંઈ પણ કેરીનો પાક છે તેને માર્કેટ નહીં મળશે તો ખેડુતો માટે સ્થિતિ કપરી બની જવાની ધારણા છે.

હાલમાં વલસાડી કેસર કેરી માર્કેટમાં આવી રહી છે અને ભાવ પણ ઉંચા છે. રત્નાગીરી કેરી આવી જતી હતી પણ મહારાષ્ટ્રમાં પણ કોરોનાનાં કારણે સ્થિતિ વિકટ બની છે. ચોમાસા પહેલાં કેરીને સમયસર વેચાણમાં મૂકવા માટે ખેડુતો સરકાર તરફ આશા ભરી મીટ માંડીને બેઠાં છે.

 

 

ગુજરાતમાં કોરોનાનાં કેસો એક હજારને પાર, કુલ 38નાં મોત, 74 સાજા થયા

ગુજરાતમાં કોરોના કેસો એક હજારનો આંકડો વટાવી ગયા છે. જ્યારે કુલ મોત 38 થયા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 74 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં 590 નોંધાયા છે જ્યારે આ આંકડો સુરતમાં 102 પર પહોંચી ગયો છે. સૌથી વધુ મોત પણ અમદાવાદમાં થયા છે. અમદાવાદમાં 19 લોકોના અત્યાર સુધી મોત થયા છે જ્યારે સુરત અને વડોદરામાં પાંચ-પાંચ લોકોના મોત થયા છે. ગુજરાતના આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિએ કોરોના અંગે અપડેટ આપતી વખતે આ માહિતી આપી હતી.

ગુજરાતનાં આઠ જિલ્લા એવાં છે જ્યાં કોરોનાનો પગપેસારો થયો નથી. આ જિલ્લાઓમાં નવસારી, સુરેન્દ્રનગર, વલસાડ, જૂનાગઢ, તાપી, દેવભૂમિ દ્વારકા, તાપી, ડાંગ અને અમરેલીનો સમાવેશ થાય છે.

અમદાવાદના છૂટક વેપારીઓ આ જગ્યાએથી ખરીદી શકે છે શાકભાજી

ગુજરાત સરકારની સુચના અનુસાર અમદાવાદ મહાનગરપાલિકા તથા એ.પી.એમ.સી.ના સહયોગથી અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ શાકભાજીના હોલસેલ હજારો ઊભા કરવાનું નક્કી થયેલ છે જેથી અમદાવાદ શહેરની જનતાને શાકભાજીનો પુરવઠો નિયમિત મળી રહે.

આવતીકાલે તા. 17-4-2020થી સવારે 4:00થી 10:00 કલાક સુધી ગીતા મંદિર બસ સ્ટેન્ડ તથા ગુર્જરી બજાર રિવરફ્રન્ટ ખાતે શાકભાજીના હોલસેલ વેપારીઓ દ્વારા શાકભાજીનું વેચાણ શરૂ કરવાનું જણાવવામાં આવે છે. આથી શહેરના લીલા શાકભાજીના છૂટક વેપારીઓને આ બંને જગ્યાએથી હોલસેલમાં શાકભાજી ખરીદવા માટે જણાવવામાં આવે છે

ભારતમાં સૌપ્રથમ N99 માસ્કનું કાપડ બનાવવાનો શ્રેય ‘અટીરા’ને ફાળે, સરદાર પટેલે નાંખ્યો હતો પાયો, વિક્રમ સારાભાઈએ કરી હતી સ્થાપના

N95 માસ્કથી તો આપણે બધા પરિચિત છીએ. કોરોના વાયરસનાં સંક્રમણને કારણે તેની માંગ પણ વધી છે. N95 માસ્કની ફિલ્ટરેશન કેપેસિટિ (ગાળણ ક્ષમતા) 95 ટકા હોય છે. 0.3 માઇક્રોનથી મોટા તમામ કણો (પાર્ટિક્યુલેટ મેટર) N95 માસ્ક ૯૫%ની ક્ષમતા સાથે ફિલ્ટર કરી શકે છે. જ્યારે N99 માસ્કની ગાળણ ક્ષમતા લગભગ 100 ટકા (99.99 ટકા) હોય છે.

અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ એસોશીએશન (ATIRA) અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના સંયુક્ત ઉપક્રમે હાલ દેશમાં અદ્યતન N99 માસ્કનું ઉત્પાદન WHO ના માપદંડ અનુસાર થઈ રહ્યું છે. ડી.આર.ડી.ઓ. ભારત સરકાર માન્ય માસ્ક ઉત્પાદન એકમ ધરાવે છે. અટીરા ભારતની એકમાત્ર સંસ્થા છે જ્યાં N99 માસ્કનું ફિલ્ટર મટીરીયલ તૈયાર કરવામાં આવે છે.

અટીરા દ્વારા 3,85,000 N99 માસ્ક બને તેટલું કાપડ ડી.આર.ડી.ઓ.ને આપવામાં આવ્યું છે. કુલ ઓર્ડર ૫ લાખ માસ્ક બને તેટલા કાપડનો છે. ‘અટીરા’ના નેનો વિભાગમાં અદ્યતન નેનો ઈલેક્ટ્રો સ્પિનીંગ મશીન રાજ્ય સરકારના ઉદ્યોગ કમિશનર કચેરીના આર્થિક સહયોગથી ખરીદવામાં આવ્યું છે.

કોટેડ ફાઇબરના ઉપયોગથી N99 માસ્કનું ફિલ્ટર લેયર તૈયાર કરવામાં આવે છે. N99 માસ્કમાં ૫ સ્તર આવે છે જેમાં ૩ સામાન્ય સ્તરની વચ્ચે બે ફિલ્ટર લેયર હોય છે. N99 માસ્ક ભારતમાં ઉપલબ્ધ વિવિધ માસ્કનો સર્વોચ્ચ પ્રકાર છે.

અટીરાના નાયબ નિયામક  દિપાલી પ્લાવતના જણાવ્યા અનુસાર N99 માસ્ક ડી.આર.ડી.ઓ દ્વારા એઇમ્સ, સ્વાસ્થ્ય મંત્રાલય અને રક્ષા સંસ્થાનોને ઉપલબ્ધ કરાવાયા છે.

દિપાલી પ્લાવતના જણાવ્યા અનુસાર અટીરા-ATIRA એક ટેક્સટાઇલ સંશોધન સંસ્થા છે, તેને ઉત્પાદન એકમમાં પરિવર્તિત કરવું એક પડકાર હતો. પરંતુ નેનો વિભાગની ટેકનિકલ ટીમ દ્વારા આ કામ પાર પાડવામાં આવ્યું. શરૂઆતમાં અહીં રોજના ૧૦,૦૦૦ માસ્ક માટેનું કાપડ તૈયાર થતું હતું જે ક્ષમતા હવે રોજના ૧૫ હજાર માસ્કના કાપડ સુધી વધારવામાં આવી છે.

માસ્ક ઉત્પાદનમાં સૌથી મોટો પડકાર લોકડાઉનને કારણે કાચા માલની ઉપલબ્ધતા અને માનવબળની આપૂર્તિ હતું. આવા સમયે ગુજરાત સરકારના સહકાર વિશે  દિપાલીબેન જણાવે છે કે. ડી.આર.ડી.ઓ. દ્વારા આ કામ સોંપાયાના દિવસે જ મને રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકિમનો ફોન આવ્યો અને કોઈપણ જરૂરિયાત માટે સંપૂર્ણ સહકારની તત્પરતા દાખવતામાં આવી હતી. અનિલ મુકિમના સહયોગથી રાજ્યની GNFC અને GSFC એ પણ કાચો માલ અહિં ગુજરાતમાંથી જ મળે તેવા પ્રયાસો કર્યા.

તેઓ કહે છે કે, પોલીએમાઇડ-૬ પ્રકારનું નાયલોન ફિલ્ટરના ઉત્પાદનમાં વાપરવામાં આવે છે આ માટેના ગ્રેન્યુઅલ્સ જર્મનીથી તાત્કાલિક લાવવાની જરૂરિયાત પડી હતી. ભારત સરકારના ઉડ્ડયન મંત્રાલય અને વિદેશ મંત્રાલયના સહયોગથી ૪ ટન ગ્રેન્યુઅલ્સ પેસેન્જર પ્લેનથી ભારત પહોંચાડવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જર્મનીની એક ખાનગી કંપનીએ માનવતાના આ કામમાં કાચો માલ અટીરાને વિનામૂલ્યે પૂરો પાડ્યો હતો.

દિપાલીબેન જણાવે છે કે, ફોર્મિક એસિડનો જથ્થો ખૂટી પડતાં શહેરની એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજનો સંપર્ક કરવામાં આવ્યો. મોટાભાગના ઉદ્યોગો બંધ હોવાથી આ રસાયણ મેળવવું લગભગ અશક્ય હતું ત્યારે કોલેજના રસાયણ વિભાગના સહયોગથી એસિડનો જથ્થો ખરીદી શકાયો.
‘અટીરા’ના નેનો ટેકનોલોજી વિભાગમાં સાયન્ટિફિક ઓફિસર, રિસર્ચર, પ્રોડક્શન યુનિટ સહિત ૧૫ જેટલા લોકો કામ કરે છે. તમામને અવરજવર માટે પાસ તથા અમદાવાદમાં કાચા માલની આયાત અને કાપડની નિર્યાત માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અટીરાને સંપૂર્ણ સહયોગ મળ્યો અને તમામ મુશ્કેલીઓનું ઝડપી નિરાકરણ લાવવામાં તેઓ મદદરૂપ થયા.

ઉલ્લેખનીય છે કે, વિક્રમ સારાભાઇ અને કસ્તુરભાઇ લાલભાઇએ સ્થાપેલી સંસ્થા ‘અટીરા’ની વર્તમાન ઇમારતનો પાયો સરદાર વલ્લભભાઇ પટેલે નાખ્યો હતો. ‘અટીરા’ ઈસરો સાથે મળીને વિવિધ સંશોધન કાર્યો પણ કરી રહી છે. ટેક્સટાઇલ ક્ષેત્રે સંશોધનનો ઉત્કૃષ્ટ વારસો ધરાવતી ‘અટીરા’ કોરોનાની મહામારી સમયે ફરીથી દેશને કાજે આગળ આવી છે.

ગુજરાતમાં આજે કોરોનાના નવા કેટલા કેસ નોંધાયા?

ગુજરાતમાં કોરોનાનાં નવા કેસ વધ્યા છે. કેસ વધ્યા પાછળનું કારણ માસ સેમ્પલીંગ કરવામાં આવી રહ્યું છે અને આરોગ્યની ટીમ હોટ સ્પોટ સહિતના વિસ્તારોમાં સેમ્પલો લઈ રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત ગુજરાત ભરના કેસો પર રાજ્ય સરકાર ચાંપતી નજર રાખી રહી છે અને કોરોનાને ક્ન્ટ્રોલમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સત્તાવાર રીતે જારી કરાયેલી પ્રેસ વિજ્ઞપ્તિ પ્રમાણે ગુજરાતમાં કોરોના કેસોની માહિતી અહીં આપવામાં આવી છે.

નેત્રંગમાં વેપારીઓ ખેડુત પાસેથી 30ના ભાવે મણ કેળા લઇ જાય છે અને બજારમાં 30 રૂપિયા કિલો વેચે છે

ભરૂચ જીલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે નેત્રંગ તાલુકાની ગણના થાય છે. સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતોની હાલત દિન-પ્રતિદિન બદતર બની રહી છે. આ એક કડવી વાસ્તવિકતા છે. તેમ છતાં ખેડૂતો 800-1000 ઉંડા બોર કરાવીને ખેતીકામ કરતાં હોય છે.

નેત્રંગના કેલ્વીકુવા,કંબોડીયા,બોરખાડી,આટખોલ,બલદવા સહિત કેટલાક ગામના મોટેભાગના ખેડુતો કેળાની ખેતી કરતાં હોય છે,અને મબલખ પાકનું ઉત્પાદન કરીને આર્થિક રીતે સધ્ધર બન્યા છે,પરંતુ હાલના સમયમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે લોકડાઉન કરાતાં ધંધા-રોજગાર બંધ પડ્યા છે. આની સીધી અસર ખેતી ઉપર જણાઇ રહી છે,જેમાં કેલ્વીકુવાના એક ખેડુતે સંવાદમાં જણાવ્યું હતું કે,નેત્રંગ તાલુકામાંમાં વેપારીઓ ખેડુત પાસેથી રૂ.30ના ભાવે મણ કેળા ખરીદીને બજારમાં રૂ.30 કિલો વેચે છે. તેવા સંજોગોમાં ખેડુતોને કેળાના પાકના ઉત્પાદન અને ગુણવતા મુજબ ભાવ મળી રહેતો નથી.

ખેડુત રોપણી,ખાતર,દવાનો છંટકાવ અને ખેતમજુરી માથે પડી રહી છે,ખેતરમાં કેળાનો પાક તૈયાર છે.ઓછા ભાવના કારણે ખેડુતોની એક કેળના છોડ પાછળ ઓછામાં ઓછા 70 રૂ.વધુ ખર્ચ થવાનું જાણવા મળ્યું છે. કેળા કાપવા મજુરો પણ મળતા નથી,આ બાબતે ખેડુત આલમમાં રોષ જણાઈ રહ્યો છે.આ વર્ષે તરબુચની ખેતીમાં પણ મોટાભાગના ખેડુતોને આર્થિક ફટકો પડવાની શક્યતાઓ જણાઈ રહી છે. હાલમાં 3-4 રૂપિયે તરબુચ વેપારી લઇ જઇ રહ્યા છે. લોકડાઉનના પલગે ખેડુતોની હાલત પણ દયનીય બની ગઇ છે.