ખેંચની બીમારીની સર્જરી હવે સુરતમાં:  ન્યૂરો સર્જન ડો.કિરીટ શાહે લીંબાયતની યુવતીને અપાવી બિમારીમાંથી મૂક્તિ

ખેંચની બીમારીથી અનેક લોકો પીડિત હોય છે, પરંતુ મોટાભાગના લોકો એમ માની લે છે કે ખેંચની બીમારીની કોઈ સારવાર નથી. એટલું જ નહીં કેટલાક લોકો તો ભગત-ભુવાનો સહારો લેતા હોય છે. પરંતુ આજે મેડિકલ ક્ષેત્રે ખેંચની બીમારીની પણ સારવાર શોધી કાઢી છે અને વ્યક્તિ આ બીમારીથી મુક્ત થઈ શકે છે. આ માટે દર્દીને માત્ર એક સર્જરી કરાવવાની જરૂરીયાત હોય છે અને હવે આ સર્જરી ઘર આંગણે ઉપલબ્ધ છે તે પણ યુનિક હોસ્પિટલમાં. યુનિક હોસ્પિટલ ખાતે ફુલટાઈમ ફરજ બજાવતા ન્યૂરો સર્જન ડૉ. કિરીટ શાહે તાજેતરમાં જ લિંબાયતની અમલા કંડાગટલા નામની પરિણિતા કે જે ખેંચની બીમારીથી ગ્રસ્ત હતી તેના પર સફળતા પૂર્વક સર્જરી કરીને આ પરિણિતાને આ બીમારીથી છુટકારો અપાવ્યો.

આ અંગે ડૉ.કિરીટ શાહે જણાવ્યુ હતું કે ખેંચની બીમારીથી પીડિત વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકતો નથી. ગમે ત્યારે ખેંચની આવી જવાના કારણે તે પડી જાય છે અને ઈજાગ્રસ્ત થઈ જાય છે. હંમેશા પાંચ થી સાત ગોળીઓ લેવી પડતી હોય છે જે સારવાર ખૂબજ ખર્ચાળ હોય છે. એટલું જ નહીં લાંબે ગાળે વ્યક્તિ યાદશક્તિ પણ ગુમાવવા લાગે છે. ત્યારે એક માત્ર ‘એન્ટરોમેશીયલ ટેમ્પોરલ લોબેકટોમી વિથ સિલેક્ટિવ અમિગડાલો હાઈપોકેમ્પોકટોમી’ સર્જરી (Anteromesial Temporal Lobectomy Surgery with Selective Amygdalo hippocampectomy) થકી આ બધી જફામાંથી મુક્તી મેળવી શકાય છે.

આ સર્જરી બાદ વ્યક્તિ ક્વૉલિટી લાઈફ જીવી શકે છે. મગજનું સીટી સ્કેન અને એમઆરઆઈ થકી નિદાન કરીને આ સર્જરી કરવામાં આવે છે. આ સર્જરી બાદ આંશિક રીતે કાંતો પૂર્ણ પણે બીમારીથી છુટકારો મેળી જાય છે. સર્જરીનો સક્સેસ રેશિયો 70 થી 80 ટકા જેટલો છે. અત્યાર સુધી આ સર્જરી માટે દર્દીઓને દક્ષિણ ભારતમાં જવું પડતું હતું પરંતુ હવે આ સારવાર સુરતના આંગણે અને તે પણ યુનિક હૉસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. 4 માસથી ઉપરના દર્દીની ખેંચની સર્જરી કરવી શક્ય છે.

મહત્વપૂર્ણ બાબત એ છે કે આ સર્જરીને માં કાર્ડ યોજનામાં આવરી લેવાઈ હોવાથી ગરીબ દર્દીઓ પણ આ યોજના હેઠળ સર્જરી કરાવીને ખેંચની બીમારીમાંથી મુક્તિ મેળવી શકે છે.

 

વસીમ રીઝવી સામે ભૂભકતો રોષ, આયેશા ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ, પૂતળાનું દહન

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજરોજ ભરૂચ બાયપાસ ચોકડી પર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ગદ્દાર શિયા વસીમ રીઝવી દ્વારા પયગમ્બર મહોમ્મદ(સ.અ.વ.) પત્ની આયશા(ર.દિ.)અલ્લાહુ તઆલા અન્હાની ફિલ્મ બનાવી ખરાબ કૃત્ય કર્યુ હોય અપમાન થયું છે, જેને લઇ સમગ્ર મુસ્લિમ સમાજનું પણ અપમાન કર્યું છે અને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી હોવાની રજૂઆત સાથે ભરૂચના મુસ્લિમ સમાજે વસીમ રીઝવીની વિરુદ્વમાં પ્રદર્શન યોજયું હતું.

ફિલ્મના વિરોધમાં ગદ્દાર શિયા કાસિમ રિઝવી ના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ તેના વિરોધમાં નારા પોકાર્યા હતા. બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી  ભરૂચ  કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને માંગણી કરી કે આ ફિલ્મના રિલીઝને અટકાવવાની માંગ કરવામાં આવી છે.

હજુ પણ ફરે છે જૂની ચલણી નોટો: સુરત પાસીંગની કારમાંથી દોઢ લાખની જૂની નોટો ઝડપાઈ

ઝઘડિયા પોલીસે કડિયા ડુંગર  ગોરાંતિયા  રોડ પરથી ટવેરા કાર માંથી રૂપિયા  500 અને 1000 ની જૂની ચલણી નોટો સાથે ચાર ઈસમો ની અટકાયત કરી કુલ દોઢ લાખની જૂની ચલણી નોટો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઝઘડિયા પોલીસની ટીમને પેટ્રોલીંગ દરમિયાન ટવેરા કાર નંબર GJ05- JN-5326 માં ચાર જેટલા ઈસમો ભારત સરકાર દ્વારા બંધ કરવામાં  આવેલી રૂપિયા 500 અને 1000ની જૂની ચલણી નોટો લઈને રાજપારડીથી કડિયા ડુંગર તરફ જવાના હોવાની બાતમી મળતા ઝઘડિયા પોલીસ મથક ના પીઆઇ પી.એચ. વસાવા સ્ટાફ સાથે કડિયા ડુંગર અને ગોરાંતિયા વચ્ચેના રોડ પર વોચ ગોઠવી હતી.

આ દરમિયાનમાં આ ટવેરા કાર આવતા તેને અટકાવી ઝડતી લેતા 500 અને 1000ના દરની જૂની ચલણી નોટો મળી આવી હતી. પોલીસે રૂપિયા 500 હજારની  500 ના દરની 100 જૂની ચલણી નોટો અને રૂપિયા 1 લાખ ની 1000ના દરની 100 ચલણી નોટો મળી કુલ 1 લાખ 50 હજારની ચલણી નોટો કબ્જે કરી હતી.

પોલીસે ઝઘડિયાના શાંતિલાલ જેરામ વસાવા, રાજપારડીના વિજય શના વસાવા ,અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના સંજય કાલીદાસ પટેલ અને નર્મદા જિલ્લાના દક્ષેશ ઘનશ્યામ પટેલની ધરપકડ કરી ટવેરા કાર કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પુલવામાના આતંકી હુમલામાં શહીદ થયેલા 42 સૈનિકોની યાદમાં લુપ્ત થતાં 42 રોપાઓનું વાવેતર

યુનાઇટેડ નેશનની સામાન્ય સભાએ 1987માં મોટ્રેલ પ્રોટોકોલ ઉપર હસ્તાક્ષર કર્યાના સ્મરણમાં 16 સપ્ટેમ્બરને વિશ્વ ઓઝોન દિવસ જાહેર કરવામાં આવ્યો હતો,અને સૌ પ્રથમ 1995માં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી,જેથી ઓઝોન શું છે,તેની જાગૃતા કેળવવા માટેના પ્રયાસો અને ઓઝોન અવક્ષયના પરિણામે નીલાન્તીત કિરણોમાં વધુ સંપર્કમાં આવવાથી ત્વચાનું કેન્સર,મોતીયો,વનસ્પતિ અને મનુષ્યજીવને નુકસાન ગંભીર પરિણામોની સાવચેત કરવા,ઓઝોન છિદ્ર અને ઓઝોન અવક્ષય વિષે જાગૃતા ફેલાવવા માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યારે બીજી બાજુ નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલા મોરીયાણા નર્સરી ખાતે પુલવામાના આતંકી હુમલામાં શહીદ થયેલા 42 સૈનિકોની યાદ 42 લુપ્ત થઇ રહેલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું, અને મૌન પાળીને તમામ શહીદ જવાનોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. નેત્રંગ વનવિભાગના દ્વારા ભારતવર્ષની સુરક્ષા માટે શહીદ થયેલા સૈનિકોની યાદમાં રુપ્ત થઇ રહેલા 42 રોપાનું વાવેતર એક પ્રેરણાદાયી નવતર પહેલ કરવામાં આવતાં સમગ્ર વિસ્તારની પ્રજામાં ચર્ચા મુદ્દો બન્યો હતો.

વનવિભાગ દ્વારા કરવામાં આવેલી પહેલ નેત્રંગ તાલુકાની તમામ સરકારી કચેરીઓ,ધામિૅક સંસ્થાઓ અને સામાજીક આગેવાનો માટે પ્રેરણાસ્ત્રોત ગણવામાં આવી રહી છે,જે દરમ્યાન નેત્રંગ મામલતદાર બી.કે તડવી,આરએફઓ સરફરાઝ ઘાંચી,પોલીસકર્મી કમલેશ સુથાર,બાર એસોસિએશન પ્રમુખ સ્નેહલ પટેલ,પ્રદીપ ગુજ્જર અને અતુલ પટેલ સહિત પયૉવરણ પ્રેમીઓ જોડાયા હતા.

ઈન્શા અલ્લાહ: સલમાને આલિયા ભટ્ટના કારણે ફિલ્મ છોડી કે સંજય લીલાના કારણે?

સલમાન ખાન આજકાલ દબંગ-3ની તૈયારીમાં લાગી ગયો છે. આ ઉપરાંત સલમાન ખાન 2020 ઈદના પર્વે ઈન્શાઅલ્લાહ દ્વારા પરદા પર ધમાલ મચાવવાનો હતો. પણ ભાઈજાને એક ટવિટ કરીને આલિયા ભટ્ટ સાથેની જોડીને પરદા પર જોવાથી અટકાવી દીધી છે, તો સાથે જ ફેન્સનું સપનું પણ તોડી નાંખ્યું છે. તાજેતરમાં જ ઈન્શા અલ્લાહ અને સલમાન સાથે સંબંધિત ન્યૂઝ આવ્યા હતા કે ભાઈજાને સંજય લીલા ભણશાલીના કારણે ઈન્શા અલ્લાહને છોડી દીધી છે.

સલમાન ખાન અને ઈન્શા અલ્લાહ સાથે જોડાયેલા લોકોનું કહેવું છેકે સલમાને ફિલ્મની સ્ક્રીપ્ટ અને આલિયા ભટ્ટ સાથેના કિસીંગ સીનના કારણે ફિલ્મ છોડી દીધી છે. પણ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું છે કે સલમાન અને ભણશાલી અનેક ફિલ્મોમાં સાથે કરી ચૂક્યા છે અને બન્ને વચ્ચે સારો એવો મનમેળ છે. ભણશાલીને જાણ છે કે ઈન્શા અલ્લાહમાં ફિલ્માંકન થાનાર કિસીંગ સીનને લઈ સલમાન તૈયાર થશે નહીં. આ કારણે સલમાને ઈન્શા અલ્લાહ કિસીંગ સીન કે આલિયા ભટ્ટના કારણે ફિલ્મ છોડી હોવાનું લોકો કહી રહ્યા છે તો કેટલાક કહે છે આ કારણોસર સલમાને ઈન્શાઅલ્લાહ છોડી નથી.આની પાછળના અન્ય કારણો છે.

હવે સલમાનના સ્થાને ઈન્શા અલ્લાહમાં ઋત્વિક રોશનને લેવામાં આવે તેવી શક્યતા છે. જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સલમાનની વાત કરીએ તો આ જ વર્ષે 20મી ડિસેમ્બરે જબંગ-3 રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સલમાનની સાથે સોનાક્ષીસિંહા મુખ્ય ભૂમિકામાં છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાની અસર, શેરબજારમાં 600 પોઈન્ટનું ગાબડું

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થતાં તેની અસર મંગળવારે શેરબજાર પર પડી હતી. સેન્સેક્સ 600 પોઈન્ટ ગબડી ગયું હતું. દેશના શેરબજારે શરૂઆતી કારોબારમાં સવારે ગાબડા સાથે પ્રારંભ કર્યો હતો. સેન્સેક્સની મજબૂત શરૂઆત થઈ હતી પરંતુ બાદમાં કેટલીક મીનીટોમાં જ તેમાં ગાબડું પડ્યું હતું. જ્યારે નિફ્ટીમાં 180 પોઈન્ટનો ધબડકો નોંધાયો હતો.

સવારે 9.30 વાગ્યે સેન્સેક્સ 124.13 પોઈન્ટથી ગબડતાં 36,999.18 પર આવ્યું હતું. નિફ્ટીમાં લગભગ આ જ સમયે 41.75 પોઈન્ટનું ગાબડું પડ્યું હતું. અને 10,961.75 પોઈન્ટનું લેવલ નોંધાયું હતું. મુંબઈ સ્ટોક એક્સચેન્જ 30 શેરો પર આધારિત પોઈન્ટ ટેબલ સવારે 46.15 પોઈન્ટ સાથે મજબૂતીથી શરૂ થયું હતું અને પોઈન્ટ ટેબલ 37,169.46 પર પહોંચ્યું હતું. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ(નિફ્ટી) 50 શેરોના ટેબલ પોઈન્ટ સાથે 3.4 પોઈન્ટની સામાન્ય નબળાઈ સાથે ખૂલ્યું હતું અને તે સમયે નિફ્ટી 11,000.01 પોઈન્ટ હતું.

 

PM મોદીની સુરક્ષામાં તૈનાત PSIએ કર્યો આપઘાત, ફોટો ખેંચાવા માંગી હતી રિવોલ્વર, મૂક્યો આવો આરોપ

PM મોદી આજે નર્મદા ડેમ-સરદાર સરોવરે ઐતિહાસિક સપાટી વટાવતા કેવડીયા ખાતે આવ્યા હતા. સાથો સાથ તેમણે પોતાના જન્મ દિવસની પણ ઉજવણી કરી હતી. આ દરમિયાનમાં PMની સિક્યોરીટીમાં તૈનાત પીએસઆઈએ લમણે ગોળી મારી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.

વિગતો મુજબ નવસારીમાં ફરજ બજાવતા પીએસઆઈ એનસી ફિણવીયાએ પોતાના અન્ય પોલીસ કર્મચારી રિવોલ્વર લીધી હતી. પીએસઆઈ ફિણવીયાએ ફોટો પાડવાનો એમ કહીને રિવોલ્વર લીધા બાદ પોતાના માથામાં ગોળી મારી લીધી હતી. આ ઘટના કેવડીયા સર્કીટ હાઉસના મેઈન ગેટ પાસે બની હતી ફિણવીયાએ અહીંયા જ સિક્યોરીટીમાં તૈનાત હતા.

નવસારી પોલીસ માં એલ.આઇ.બી વિભાગમાં ફરજ બજાવતા પી.એસ.આઇ નિલેશ ફિણવિયા એ એક સુસાઈડ નોટ લખીને સર્વિસ ગનથી માથાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. જાણવા મળ્યું છે કે, નિલેશ ફિણવિયા એ આત્મહત્યા પહેલા એક સુસાઈડ નોટ પણ લખી છે. સ્યૂસાઈડ નોટમાં ફિણવીયાએ ઉપરી અધિકારીઓ દ્વારા માનસિક હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આરોપ મૂક્યો છે.

કેન્દ્ર સરકારને ઝટકો આપતી સુપ્રીમ કોર્ટ, ગુલામ નબી આઝાદને કાશ્મીરની મુલાકાત લેવા પરમીશન

પાંચમી ઓગષ્ટથી જમ્મૂ-કાશ્મીરમાં કરફ્યુ છે અને કોઈ પણ રાજકીય નેતાને કાશ્મીરમાં પ્રવેશવામી મનાઈ ફરમાવી દેવામાં આવી છે. અનેક નેતોએ જમ્મૂ-કાશ્મીરની મુલાકાત લેવાના પ્રયાસો કર્યા પણ તે બધાને શ્રીનગર એરપોર્ટ પરથી જ પાછા કરી દેવામાં આવ્યા છે. રાહુલ ગાંધી સહિત વિપક્ષને  પણ મુલાકાત લેવા દેવામાં આવી ન હતી અને ગુલામ નબી આઝાદને પણ પોતાના હોમ ટાઉનમાં જવા દેવા માટે પરમીશન આપવામાં આવી ન હતી.

આ દરમિયાનમા કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદને સુપ્રીમ કોર્ટે મુલાકાત લેવાની મંજુરી આપતા કેન્દ્ર સરકારને ઝટકો આપ્યો છે. કાશ્મીરની મુલાકાત દરમિયાન ગુલામ નબી આઝાદ ચાર જિલ્લાની મુલાકાત લઈ શકે છે. જોકે, તેઓ આ સમયગાળા દરમિયાન કોઈપણ રાજકીય કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં. એકવાર ત્યાં પહોંચ્યા બાદ  સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે. આ સંદર્ભે કેન્દ્રને નોટિસ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ હવે ગુલામ નબી આઝાદ બારામુલ્લા, અનંતનાગ, શ્રીનગર અને જમ્મુ જિલ્લાની મુલાકાત લઈ શકે છે.

 

ગુજરાત ભરમાં ટ્રાફિકનું ટશન: પોલીસ સાથે લોકોના કમઠાણના આવા દ્રશ્યો સર્જાયા, જૂઓ ફોટો

ગુજરાત ભરમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. રસ્તા પર વાહન વ્યવહારને અસર પડી છે. કેટલાક લોકોએ રસ્તા પર ગાડીઓ લઈને જવાનું જ માંડી વાળ્યું હતું તો કેટલાક બિન્ધાસ્તપણે નિયમોની ઐસી તેૈસી કરી બહાર નીકળ્યા તો મોટાભાગના વાહન ચાલકોએ નિયમોને માથે ચઢાવી લીધા છે. કોઈ પીયુસીની લાઈનમાં છે કોઈ વીમા કઢાવવા દોડી રહ્યા છે. હેલ્મેટવાળાઓને તડાકો પડી રહ્યો છે ત્યારે પોલીસની કામગીરી જબરી અને કપરી બની ગઈ છે. ગુજરાતભરમાંથી ટ્રાફીક પોલીસ સાથે વાહન ચાલકો અને કાર ચાલકોની કમઠાણના કેટલાક ફોટો હાથવગા થયા છે  જે ઘણું બધું કહી જાય છે.

કાર ચાલક પાસેથી ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવી રહ્યા છે.

ગામથી શહેરમાં ખરીદી કરવા આવેલી મહિલા અને તેમના પુત્રને મેમો અપાયો.

આ ભાઈએ કરી પોલીસ સાથે દલીલો

કોલેજ જઈ રહેલા વિદ્યાર્થીને સમજાવી રહેલી પોલીસ

લો આ ભાઈને તો નિયમની કશી પડી હોય એવું લાગતું નથી.

બાઈક સવાર સાથે પોલીસની બોલાચાલી

 

ટ્રાફિકના નવા નિયમ પ્રમાણે સુરતમાં સૌથી પહેલાં ખાખી વર્દીવાળા દંડાયા, એક સાથે ફાટ્યા ઢગલાબંધ મેમો

આજથી સમગ્ર ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. સુરતમાં પણ સખ્તાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતમાં ટ્રાફિકના નવા નિયમ પ્રમાણે સૌ પહેલાં ટ્રાફિકની શિસ્તનો કોરડો ખાખી વર્દીવાળા પર જ વિંઝાયો છે.

સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર હરિકૃષ્ણ પટેલે ટ્રાફીકના નવા નિયમોના પાલન અગેં સુરત પોલીસને સજ્જ કરી દીધી છે. ટ્રાફિકના નવા નિયમોનું અમલીકરણ થવાનું છે,ત્યારે રાજયભરમાં પોલીસે તૈયારી કરી લીધી છે. નવા નિયમોને લઈ સુરત ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી ગઇ છે. ટ્રાફિકના નવા નિયમોને લઇ દંડની કાર્યવાહી અને માહિતી માટે રોલકોલ યોજાયો હતો. આ રોલ કોલમાં ટ્રાફિક SP, PI, PSI, જવાનો અને TRBના જવાનો હાજર રહ્યા હતા. ટ્રાફિક ડીસીપી તમામ પોલીસકર્મીઓને નિયમોનું પાલન કરવા સૂચના અને પાલન કરાવવા માહિતી આપી હતી.

રોલ કોલમાંથી બહાર નીકળેલા કેટલાય પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ હેલ્મેટ પહેર્યા વગર આવ્યા હતા. જેવા તેઓ બહાર નીકળ્યા કે તરત જ તેમને હેલ્મેટ નહીં પહેરવા બદલ 500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.

કેટલા પોલીસવાળાને દંડ કરવામાં આવ્યો છે તેની વિગતોની રાહ જોવામાં આવી રહી છે. સુરત પોલીસે નવા નિયમોનું પાલન એક દિવસ પહેલાંથી જ પોતાના વિભાગના જ કર્મચારીઓ વિરુદ્વ દંડનાત્મક કાર્યવાહી કરી શરૂ કરી દીધો હતો.

સુરતમાં પોલીસ કર્મીઓ માટે કમિશનરે પરિપત્ર જાહેર કર્યો હતો અને તેમાં જણાવાયું હતું કે . જો ટ્રાફિક રૂલ્સ તોડ્યા તો દંડ સિવાય વધારાના 1000 રૂપિયા ભરવા પડશે.

પોલીસ દ્વારા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપરાંત કાર અને પોલીસ વાનના ડ્રાઈવરોને પણ નિયમોનું ચૂસ્તપણે પાલન કરવાના નિર્દેશ સુરત પોલીસ કમિશનરે આપી દીધા છે. આજથી નવા નિયમો પ્રમાણે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં પોલીસ ટ્રાફિકના કાયદાનું પાલન કરવા રસ્તા પર તૈનાત કરી દેવામાં આવી છે.