વાજ આવી રહ્યા નથી એર્દોગોન, કાશ્મીરને લઈને ખતરનાક કાવતરું બહાર આવ્યું

ર્કી હવે સિરિયાથી કાશ્મીરમાં આતંકવાદીઓ મોકલશે, તેવા અહેવાલોએ વિશ્વ સમુદાયમાં ચર્ચા જગાવી દીધી છે. તુર્કીના વર્તમાન રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગોન તમામ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર હંમેશાં પાકિસ્તાનની તરફેણ જ કરતા રહે છે. એર્દોગન યુનોમાં પણ હંમેશાં પાક. તરફી જ વલણ રાખતા રહ્યા છે.

એક આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રસિદ્ધ પત્રકારને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ હવે કાશ્મીરમાં સિરિયાથી આતંકવાદીઓ મોકલીને પાકિસ્તાનને મદદરૃપ થવાની યોજના એર્દોગને બનાવી છે. આ માટે સત્તાવાર રીતે તુર્કીના તંત્રે આ કામ ગુપ્ત રીતે હાથમાં લીધું છે. ગ્રીસની એક ન્યૂઝ વેબસાઈટમાં આ પત્રકારે લખેલા કથિત લેખમાં લખ્યું કે સિરિયન નેશનલ આર્મીની સુલેમાનશાહ બ્રિગેડ્સના કમાનરે તેના સાથીદારોને કહ્યું હતું કે, તુર્કી અહીંથી કેટલાક યુનિટ્સ કાશ્મીરમાં મોકલવા માંગે છે. સુલેમાન શાહ બ્રિગેડને તુર્કીનો ખુલ્લો ટેકો છે, અને આ બ્રિગેડ ઉ. સિરિયાના અફચીન જિલ્લા પર નિયંત્રણ ધરાવે છે.

સુલેમાન શાહ બ્રિગેડના કમાનડરે એવું કહ્યું હોવાનો દાવો પણ કરાયો છે કે કાશ્મીર જનારા આતંકવાદીઓને તુર્કી તરફથી ર૦૦૦ ડોલર અપાશે.

આર્મેનિયાના તાજેતરના યુદ્ધમાં પણ તુર્કીએ ખુલ્લેઆમ અજરબૈઝાનને સહયોગ આપ્યો હતો અને સિરિયાના આતંકીઓને લડાઈ માટે તૈનાત કર્યા હતાં. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આ હકીકતની પુષ્ટિ પણ કરી હતી.

અહીં રસપ્રદ બાબત એ છે કે તુર્કીએ વિચારધારાોના ભેદભાવના કારણે જ ખુલીને અજરબૈઝાનને સહયોગ આપ્યો હતો. અજર બૈઝાન અને આર્મેનિયા બે નાના સરખા પડોશી દેશોમાં એક દેશ ઈસ્લામ ધર્મની વિચારધારા ધરાવે છે, જ્યારે બીજો દેશ ઈસાઈ એટલે કે ક્રિશ્ચિયન ધર્મની વિચારધારા ધરાવે છે. એવું કહેવાય છે કે સિરિયાના કિલીંગ મશીનના નામે પ્રચલિત આતંકવાદીઓને તુર્કીએ અઢળક નાણા આપીને અજરબૈઝાન તરફથી આર્મેનિયા સામે યુદ્ધ માટે મોકલ્યા હતાં. અજર બૈઝાન મુસ્લિમ દેશ છે, જ્યારે આર્મેનિયા ઈસાઈ દેશ છે. આ બન્ને દેશો વચ્ચે રશિયા સમાધાન કરાવતું રહે છે અને તુર્કી હંમેશાં ભડકાવતું રહે છે. તુર્કીની કટ્ટરવાદી વિચારધારા દર્શાવે છે. હવે તુર્કી પાકિસ્તાનને મદદરૃપ થવા છેક સિરિયાથી કાશ્મીરમાં આતંકવાદી મોકલવાની તૈયારીમાં હોય તો તે ભારત માટે ચેતી જવા જેવું છે, જો કે ભારતીય એજન્સીઓ અને ભારતીય સેના સિરિયન આતંકવાદીઓને ભરી પીવા માટે સુસજ્જ હોવાનો સંદેશ પણ તુર્કીને તેની જ ભાષામાં આપી દેવાયો હશે. જો તુર્કી કાશ્મીરમાં મોકલવા માટે સિરિયન આતંકવાદીઓને પાકિસ્તાનમાં મોકલશે, તો તે હવે છાનુ રહેશે નહીં, અને આવી હરકત સામે ભારત વિશ્વસમુદાય તથા ખાસ કરીને આરબ કન્ટ્રીઝ તથા વૈશ્વિક મુસ્લિમ સંસ્થાઓ તથા સંગઠનોનું ધ્યાન પણ દોરી શકે છે.

બીજી બાજુ કેન્દ્રિય મંત્રી જિતેન્દ્રસિંહે ગઈકાલે કહ્યું કે પાકિસ્તાનના કબજામાં રહેલા જમ્મુ-કાશ્મીર એટલે કે પીઓકે પરત લેવા ભારત સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર દેશના અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની જેમ જ ભારતનો અભિન્ન હિસ્સો છે, અને હવે કાશ્મીર નામનો કોઈ મુદ્દો જ નથી. હવે માત્ર પીઓકે જ ભારત-પાકિસ્તાન વચ્ચેનો પડતર મુદ્દો છે.

પીઓકે ભારતનો જ હિસ્સો છે, અને તે શાંતિપૂર્વક પરત નહીં મળે તો ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે, તેવા ડરથી પાક. સેના સ્વયં લડવાના બદલે આતંકવાદીઓ મોકલીને પરોક્ષ યુદ્ધ લડી રહી છે અને હવે જો તુર્કીની મદદથી સિરિયન આતંકવાદીઓ કાશ્મીરમાં મોકલવાની ચેષ્ટા કરશે, તો ભારતીય સેના તો તેને ખતમ કરવા સક્ષમ છે જ, પરંતુ વૈશ્વિક સ્તરે પાકિસ્તાનને એફએટીએફના બ્લેકલિસ્ટમાં મૂકવા ભારતની માંગણીને બળ પણ મળશે.