ટોચના પરમાણુ વૈજ્ઞાનિકની હત્યા, ઈરાને કહ્યું, ઈઝરાયલનો હાથ હોવાના મળ્યા પુરાવા

ઈરાનના ટોચના પરમાણુ વૈજ્ઞાનિક મોહસીન ફાખરીઝાદેહની તેહરાન નજીક હત્યા કરવામાં આવી છે. ફાર્સ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે તેહરાન પ્રાંતના ડેમવાડ કાઉન્ટીના ઇઓબાર્ડ શહેરમાં શુક્રવારે થયેલા હુમલા અને વિસ્ફોટમાં તેને નિશાન બનાવવામાં આવ્યા છે. ઇરાનના વિદેશ પ્રધાને આરોપ લગાવ્યો છે કે દેશના વિખેરાયેલા લશ્કરી પરમાણુ કાર્યક્રમ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકની હત્યામાં ઇઝરાયલની ભૂમિકાના ગંભીર સંકેતો છે.

શુક્રવારે વિદેશ પ્રધાન મોહમ્મદ જાવદ ઝરીફે ટ્વિટર પર આ નિવેદન આપ્યું છે. જોકે, ઇઝરાયેલે આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ઝરીફે ટ્વિટર પર કહ્યું કે એક પ્રખ્યાત ઈરાની વૈજ્ઞાનિકની આજે આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે.  આ ભયંકર કૃત્ય ઇઝરાયલની ભૂમિકાના ગંભીર સંકેતો સાથે કાવતરાખોરોની હતાશાને પ્રતિબિંબિત કરે છે.

હાલમાં આ હુમલાની જવાબદારી કોઈ આતંકી સંગઠને લીધી નથી. પરંતુ ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ હુમલામાં ઇઝરાયલની સંડોવણીના ગંભીર પુરાવા મળ્યા હોવાનું જણાવ્યું છે. જ્યારે ઇઝરાઇલે આ ઘટના પર તુરંત બોલવાનો ઈન્કાર કર્યો છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવા માટે એક ન્યૂઝ કોન્ફરન્સમાં વાત કરી હતી.