કોંગ્રેસના ચાણક્ય અહેમદ પટેલની ચિરવિદાય અનેક સમીકરણોને ઉપરતળે કરતી ગઈ છે. આ સાથે જ કોંગ્રેસમાં ફરીથી એન્ટ્રી કરવા થનગની રહેલા વયોવૃદ્વ નેતા શંકરસિંહ વાઘેલાએ આજે પિરામણ ખાતે અહેમદ પટેલની અંતિમવિધિ ટાણે મીડિયા સાથે વાત કરી બધાને ચોંકાવી દીધા હતા.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મીડિયા સમક્ષ કહ્યું કે દિવાળી પહેલાં અહેમદભાઈ સાથે વાત થઈ હતી અને તેમણે કહ્યું હતું કે દિવાળી બાદ આવો કશુંક નવું કરીએ. હમણા ન આવતા કોરોનાનો પ્રોબ્લેમ છે. દિવાળી બાદ આપણે મળીએ છીએ. તેમણે કહ્યું કે અહેમદભાઈને આવી રીતે મળવાનું થશે એવું વિચાર્યું પણ ન હતું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. અહેમદ ભાઈની વિદાયથી શોક લાગ્યો છે.
સાંભળો શંકરસિંહે શું કહ્યું?
શંકરસિંહ વાઘેલાની વાતથી સંકેત મળે છે કે બાપુ અને અહેમદ પટેલ વચ્ચે કોંગ્રેસ વાપસીનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે બાપુએ અહેમદ પટેલની રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી બળવો કર્યો હતો. તેમની સાથે તેમના 12 ધારાસભ્યોએ પણ રાજીનામા આપી દીધા હતા.ત્યાર બાદ બાપુએ એનસીપીનો ખેસ ધારણ કર્યો હતો અને ટૂંક સમયમાં જ એનસીપીને પણ છોડી દીધી હતી.