હવે પછી હાર્દિક પટેલ હશે મહત્વની ભૂમિકામાં, કોંગ્રેસના ફેરબદલમાં મળી શકે છે મોટી જવાબદારી

કોંગ્રેસમાં રાષ્ટ્રીય લેવલે રાહુલ ગાંધીની ફરી એક વાર તાજપોશીની તૈયારી કરવામાં આવી રહી છે. ડિસેમ્બરમાં કોંગ્રસને પૂર્ણકાલીન પ્રમુખ મળવાની સંભાવના છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં પણ મોટાપાયા પર ઉથલપાથલના ભણકારા વાગી રહ્યા છે.

જે પ્રકારે ધારાસભ્યોની ઉલટપુલટ થઈ, ચૂંટણીઓમાં પરાજ્યનો સામનો કરવાનો વારો આવ્યો તે જોતાં ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં પણ ઉપરતળેથી ફેરફાર કરવાની શક્યતા વધી ગઈ છે. પાછલા કેટલાક સમયથી કોંગ્રેસમાં આયારામ-ગયારામોનાં કારણે કોંગ્રેસનો મોટો ફજેતો થયો છે. ભાજપ દ્વારા કોંગ્રેસ પર ધારાસભ્યોને સાચવવામા નહીં આવ્યાના આક્ષેપો કરવામાં આવ્યા તો કોંગ્રેસે ધારાસભ્યોને ખરીદી લેવાના આક્ષેપો કર્યા.આ બધાની વચ્ચે ગુજરાત કોંગ્રેસના નેતાઓની ભૂમિકા પણ મીડિયા સહિત વિશ્લેષણકારોના નિશાના પર આવી હતી અને ખાસ્સી એવી ચર્ચા પણ થઈ હતી.

અહેમદ પટેલના અવસાન બાદ ગુજરાત કોંગ્રેસમાં કદાવર નેતાગીરીનો એક રીતે હાલ શૂન્યવકાશ સર્જાયેલો જોવા મળી રહ્યો છે. આવામાં ગુજરાત કોંગ્રેસના યુવા કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની ભૂમિકા મહત્વની બની જાય છે. હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ બનાવાય પણ તેમની પાસે વિશેષ કોઈ અધિકારો નથી.

આવનારા દિવસોમાં કોંગ્રેસમાં સંભવત: થનારા ફેરબદલમાં હાર્દિક પટેલ અને તેમની યુવા ટીમની ભૂમિકા હજુ વિસ્તરશે અને મોટી જવાબદારીઓ સોંપવામાં આવે એવું કોંગ્રેસ વર્તુળો જણાવી રહ્યા છે. હાર્દિકે કોંગ્રેસને ઓફીસ પોલિટીક્સમાંથી રસ્તાના પોલિટીક્સ તરફ તો લાવી છે પરંતુ હવે તેમાં ભાજપથી નિરાશ કે હતાશ મતદારોને કોંગ્રેસ તરફ વાળવાનો એક્શન પ્લાન બનાવવામાં આવી રહ્યો અને તેમાં હાર્દિક પટેલની ગ્રાસરુટ લેવલે કામ કરવાની ભૂમિકાને વધારવામાં આવે તેવા સંક્ત મળી રહ્યા છે.