મધ્યપ્રદેશ ભાજપમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું વધ્યું વર્ચસ્વઃ કેન્દ્રિય મંત્રીમંડળમાં સમાવેશ ક્યારે?

મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પક્ષે કમલનાથને ઉથલાવીને સરકાર બનાવી લીધી અને પેટાચૂંટણીઓમાં કોંગ્રેસના મોટાભાગના બળવાખોરોને ટિકિટ આપીને જીતાડી દીધા, એ કારણે શિવરાજસિંહ સરકાર સ્થિર તો થઈ ગઈ, પરંતુ આખી ભાજપ સરકાર જ કઠપૂતળી જેવી બની ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. મધ્યપ્રદેશ ભાજપના જુના જોગીઓ સાઈડમાં ધકેલાઈ ગયા છે અને હવે કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયાનો દબદબો છે, એટલી હદે સિંધિયાનું વર્ચસ્વ વધ્યું છે કે શિવરાજસિંહ ચૌહાણનું પણ સરકાર અને સંગઠનમાં વર્ચસ્વ ઘટવા લાગ્યું હોવાની ચર્ચા છે. બીજી તરફ જ્યોતિરાદિત્ય સિંધિયાને કેન્દ્રિય મંત્રી મંડળમાં ઝડપથી સમાવાય તેવી અટકળોએ જોર પકડ્યું છે.

રાજધાની દિલ્હીમાં પણ મધ્યપ્રદેશનો ઘટનાક્રમ ચર્ચાના ચાકડે ચડ્યો છે. એક મહિલા મંત્રી પેટાચૂંટણીમાં હાર્યા પછી પણ પદ પર ચીટકી રહ્યા અને શિવરાજસિંહે તેનું રાજીનામું પણ માંગ્યું નહીં તેથી મધ્યપ્રદેશમાં પ્રદેશ ભાજપ જ નહીં, પરંતુ આખેઆખી સરકાર જ જ્યોતિરાદિત્ય સિંધિયાના પ્રભાવ હેઠળ કામ કરી રહી હોવાની છાપ ઉપસી રહી છે.

મધ્યપ્રદેશમાં શિવરાજસિંહે કમલનાથ સરકારના પતન પછી મુખ્યમંત્રીપદના શથપ લીધા, તે પછી ઘણાં દિવસો સુધી મંત્રીમંડળનું વિસ્તરણ કરી શક્યા નહોતા. તે ઘટનાથી શરૃ કરીને અત્યાર સુધીમાં ઘણાં એવા બનાવો બન્યા છે જેમાં દેશભરમાં કદાવર મનાતો પક્ષ સિંધિયા સામે ઘૂંટણીએ પડી ગયો હોવાની ટીકા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.