અહેમદ પટેલ અને કદીર પીરઝાદાની દોસ્તીના બેમિસાલ 50 વર્ષ : એવી મિત્રતા જે સામા પ્રવાહે પણ રહી અકબંધ

રાજકારણમાં મિત્રતા નિભાવવી બહુ અધરી હોય છે પણ કોંગ્રેસમાં એક એવા બે મિત્રો રહ્યા જેમની મિત્રતા રાજકીય ન હતી. આજે એ મિત્રતા ખંડિત થઈ છે. વાત છે અહેમદ પટેલ અને સુરતના કોંગ્રેસના નેતા કદીર પીરઝાદાની. આ બન્ને એવા નેતા રહ્યા કે જેમને ભાઈબંધી કહેવાનું મન થાય છે. અહેમદ પટેલના પરિવાર અને કદીર પીરઝાદાના પરિવાર વચ્ચે પારિવારિક નાતો રહ્યો છે. આવું બહુ ઓછા રાજકારણીઓમાં જોવા મળે છે.

પોતાની મિત્રતા અંગે વાત કરતાં કદીર પીરઝાદાએ જણાવ્યું કે મારા પિતાજી અને અહેમદ પટેલના પિતાજી વચ્ચે પ્રખર મિત્રતા હતી અને તે સમયથી રાજકીય અને પારિવારિક રીતે બન્ને કુટુંબ જોડાયેલા રહ્યા છે. અાવી રીતે ઘરોબો કેળવાતો રહ્યો અને આરીફભાઈ સાથે તેઓ સક્રીય રહ્યા અને રાજકારણમાં આવ્યા. અહેમદભાઈ તાલુકા પંચાયતમાં આવ્યા અને બીજી તરફ નવનિર્માણ આંદોલનમાં હું જોડાયો.નવનિર્માણ બાદ અન્ય લોકોના સંપર્કમાં આવ્યો.1975-76માં હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવ્યો તો અહેમદભાઈ તાલુક પંચાયતમાં ચૂંટાયા અને 1977માં અહેમદભાઈ લોકસભામાં ચૂંટાયા.તે સમયે હું પાણી સમિતિ અને સાંસ્કૃતિક સમિતિનો ચેરમેન બન્યો.

કદીર પીરઝાદાએ આગળ જણાવ્યું કે 50 વર્ષની મિત્રતા રહી છે. મિત્ર કરતાં અહેમદ પટેલ મારા મોટાભાઈ વધારે હતા. એકબીજા પ્રત્યે આદર અને સંપૂર્ણપણે પરસ્પર વૈચારિક સાયુજ્ય પણ રહ્યું હતું. સમાજનો કોઈ પણ પ્રશ્ન હોય તેમણે હંમેશા તેના ઉકેલ માટે પ્રયત્નશીલ રહ્યા હતા.

તેમણે જણાવ્યું કે ઢોરવાડું ચાલતું હતું અને તેના માટે ઘાસ-ચારાની તંગી પડી હતી. ત્યારે અહેમદ પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ હતા અને 1983માં અમિતાભ બચ્ચનનો શો કર્યો હતો. તે વખતે સુરત અને અમદાવાદમાં એમ બે શો કરવામાં આવ્યા હતા.

કદીર પીરઝાદાએ વધુમાં કહ્યું કે કોમી રમખાણ હોય, પુર-પ્લેગ હોય કે કોરોનાની મહામારી હોય અમે એકબીજા સાથે વિચારોની આપ-લે નહીં પણ સક્રીય રીતે લોકોને સહાય અને મદદ કરવા માટે આગળ પડતું કાર્ય કર્યું છે. હાલના કોરોનાનાં સમયમાં અનેક લોકોને મદદ કરી છે. 43 વર્ષથી દિલ્હીમાં રહ્યા અને સાદગીમાં રહ્યા.

તેમણે કહ્યું કે મારી આજે છત્રી ચાલી ગઈ છે. ચોવીસ ક્લાક મિત્રતા હતી અને હવે આવો નેતા પાકશે નહીં. આ ખોટ પુરાય તેવી નથી. આવનાર 100 વર્ષ સુધી અહેમદ પટેલ જેવો પાકશે નહીં. અલ્લાહ મારા ભાઈને જન્નતુલ ફિરદોસમાં આલા મૂકામ અતા ફરમાવે.