ગુજરાતી લોકસાહિત્યના કવિ, પદ્મશ્રી દુલા કાગની રચનાઓ હવે બનશે વૈશ્વિક, વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરાશે

લોકસાહિત્યના ઘૂઘવતા સાગર સમા પદ્મશ્રી કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગ (ગઢવી)નો જન્મ તા.૨૫/૧૧/૧૯૦૨ ના રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સોડવદરી ખાતે મોસાળમાં થયો હતો. અમરેલી જિલ્લાના રાજુલા પંથકનું મજાદર (કાગધામ) એ તેઓની કર્મભૂમિ છે. તેમણે પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. કવિ કાગે કંઠ, કહેણી અને કવિતાનો સુમેળ સાધીને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય જેવા વિષયો પર અણમોલ સાહિત્યની રચના કરી છે.

સંત મુક્તાનંદજીની કૃપાથી નાની ઉંમરમાં જ કવિતાની સરવાણી ફુટી અને તેઓ લોક રામાયણના વાલ્મીકિ બન્યા. મહાભારત અને રામાયણ જેવા પ્રાચીન ગ્રંથોની ગહન વાણીને સરળ ભજનો દ્વારા રજૂ કરી છે તેથી જ તેઓ ભગતબાપુના ઉપનામથી પણ જાણીતા છે. ભજનો ઉપરાંત દોહા-છંદ, કવિત, છપ્પય, સવૈયા વગેરે ક્ષેત્રે પણ તેઓનું નોંધપાત્ર પ્રદાન છે.

વિનોબા બાવની, સોરઠ બાવની, ચંદ્ર બાવની, તો ધર જાશે જાશે ધરમ, ગુરુ મહિમા, શક્તિ ચાલીસા ઉપરાંત કાગવાણી ભાગ – ૧ થી ૮ માં લોક પરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનાઓ ગૂંથવાનો કવિએ ઉમદા પ્રયત્ન કર્યો છે. રવીન્દ્ર પારિતોષિક ઉપરાંત ભારત સરકારે પદ્મશ્રીના ખિતાબથી તેઓનું બહુમાન કર્યું હતું.

હવે યુવાપેઢીને પણ ચારણી સાહિત્ય અને ડાયરામાં રજૂ થતાં સપાખરું ગીતનો ચસ્કો લાગ્યો છે ત્યારે તેઓની જયંતીના શુભ દિનથી જ કવિની રચનાઓ ડિજિટલ ઉપરાંત વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી હાથવગી સહિત વૈશ્વિક બનશે. આજે કવિ શ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા વેબસાઈટ www.kavikag.com અને Kag Sahitya મોબાઈલ એપ્લિકેશનનો શુભારંભ થવા જઈ રહ્યો છે.