કોરોનાની ટ્રાયલ વેક્સીનની અમદાવાદમાં એન્ટ્રી, સોલા સિવિલમાં એક હજાર લોકો પર થશે ટેસ્ટીંગ

ગુજરાત માટે રાહતના સમાચાર અમદાવાદ સોલાસિવિલ હોસ્પિટલથી મળી રહ્યા છે. એક તરફ કોરોના બેકાબૂ બન્યો છે તો બીજી તરફ કોરોનાને નાથવા માટેના ભરચક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેસો અને મૃત્યુદરમાં ઘટાડો થાય તે માટે વહીવટીતંત્ર સતત પ્રયાસરત છે. આવા સંજોગોમાં અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની વેક્સીન કોવાક્સીનને ટ્રાયલ માટે લાવવામાં આવી છે.

કોરોના વાયરસના જીવલેણ રોગચાળાથી લોકોને બચાવવા માટે રસીનું સંશોધન કરી રહેલી ફાર્મા કંપની ભારત બાયોટેક કંપનીએ કોવાક્સીન તૈયાર કરી છે જેને સોલા સિવિલ ખાતે આવી પહોંચી છે. પ્રાથમિક તબક્કે એક હજાર લોકો પર આ કોવાક્સીન ટ્રાયલ માટે મુકાશે. જે માટે હોસ્પિટલ તંત્રએ ટ્રાયલ માટે વોલન્ટિયર્સ પણ શોધી લીધા છે.

આ ક્વોક્સીન એક સપ્તાહ સુધી સોલા સિવિલમાં પ્રિઝર્વ રહેશે. નિયત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોવેક્સીનનું ટ્રાયલ શરૂ થશે. પ્રાથમિક તબક્કે 1 હજાર લોકો પર ટ્રાયલ કરવામાં આવશે.

ભારતના ઘર આંગણે કોરોનાની રસી વિકસીત કરવાના પ્રયાસના ભાગરૂપે આ પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ વેક્સીન હૈદરાબાદ ખાતેની ભારત બાયોટેક કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે.

આ સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને વેક્સિન સંદર્ભે બેઠક યોજાઇ હતી. વેક્સીનના પરિણામો સામે આવ્યા બાદ ભારત બાયોટેક દ્વારા આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.