કોરોના સામે રક્ષણ: સુરતવાસીઓને મ્યુ. કમિશનરનો પાંચ મુદ્દનો ખાસ મેસેજ, જાણો શું કહ્યું

સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ સુરતમાં કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિ અન્વયે પાંચ બાબતોનો પંચામૃત સંદેશ આપી શહેરીજનોને તકેદારી તથા સાવચેતીના પગલાં અનુસરવાની અપીલ કરી હતી.

કમિશનર પંચામૃત સંદેશ આપતાં જણાવ્યું કે, સૌપ્રથમ આપણે વેન્ટીલેશનમાં રહેવું. બંધિયાર તથા ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું. હવા-ઉજાસ પર્યાપ્ત માત્રામાં અવરજવર થવાના કારણે વાઈરસના સંક્રમણનું પ્રમાણ ઘટે છે, તેથી વેન્ટીલેશન હોવું ખુબ જરૂરી છે. બીજી બાબતમાં લગ્નગાળાના આ સમયમાં સાવચેત રહેવા અને માસ્કનો ઉપયોગ અચૂકપણે કરવા તેમણે જણાવ્યું હતું. ત્રીજી અને મહત્વની બાબતમાં કોમોર્બિડ અને વયોવૃદ્ધ વ્યક્તિઓએ હાલના સમયમાં ખાસ સારસંભાળ રાખવી અને જરૂર વગર બહાર ન નીકળવા વિનંતી કરી હતી. તેમજ ચોથી કાળજી લેવાની બાબતમાં શ્રી પાનીએ જે દુકાનો અને સંસ્થાઓમાં લોકો માસ્ક પહેરતા નથી ત્યાં ‘નો માસ્ક, નો એન્ટ્રી’ના નિયમને સઘન બનાવવા કહ્યું હતું.

આ ઉપરાંત, વતનથી પરત ફરતા તમામ લોકોએ પોતાનું ટેસ્ટીંગ કરાવવું અને બે થી ત્રણ દિવસ સુધી પોતાના સ્વાસ્થ્યનું મોનીટરીંગ કરવા, જો કોઈ બિમારીના લક્ષણો જણાય તો નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં ચેકઅપ અવશ્ય કરાવવાની પાંચમી તકેદારી મ્યુ.કમિશનરે જણાવી તેનો અમલ કરવાં પર ભાર મૂક્યો હતો.