વિવેક ઓબેરોયે કરી CM રૂપાણી સાથે મુલાકાત, ગામડાઓમાં સ્ટાર્ટઅપ માટે બતાવી આવી તૈયારી

મુખ્યમંત્રી વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત હિન્દી ચલચિત્ર જગતના અભિનેતા વિવેક ઓબેરોયે ગાંધીનગરમાં લીધી હતી.

મુખ્યમંત્રીસાથે વિવેક ઓબેરોયે ખાસ કરીને સ્ટાર્ટઅપ ઇનોવેશન સેક્ટરમાં સ્વર્ણિમ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના માધ્યમથી દિવ્યાંગો માટે પણ સ્ટાર્ટઅપ ઇનોવેશન એજ્યુકેશન સિસ્ટમ પ્રભાવક રીતે કાર્યરત કરવા અંગે વિશદ પરામર્શ કર્યો હતો.

તેમણે ગુજરાતમાં ટોય ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં પણ સ્ટાર્ટઅપ-ઇનોવેશનથી ટોય ઇન્ડસ્ટ્રી હબ બનાવવા સ્ટાર્ટઅપ-ઇનોવેશન યુનિવર્સિટીએ ટોય હેકાથોનના માધ્યમથી કરેલી પહેલ અંગે ચર્ચાઓ હાથ ધરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ દિવ્યાંગ વ્યક્તિઓના સ્ટાર્ટઅપ-ઇનોવેશનને છેક ગ્રામિણ અંતરિયાળ વિસ્તાર સુધી યોગ્ય દિશા મળે તે માટેના તેમના પ્રયાસમાં રાજ્ય સરકાર યોગ્ય સહયોગ આપશે તેમ જણાયું હતું.

વિવેક ઓબેરોયે ગુજરાતમાં યુવા વિદ્યાર્થીઓને JEE, IIIT જેવી પરિક્ષાઓના કોચિંગ માટે રાજ્ય બહાર જવું ન પડે તે હેતુથી ડિઝિટલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા રાજ્ય આંતરિયાળ-ગ્રામિણ વિસ્તારોના યુવાનો સુધી કોચિંગ સુવિધા આપવા રાજ્ય સરકાર સાથે સહભાગી થવા ઇચ્છા દર્શાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ તેમને આઇ ક્રિએટ સહિત સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન માટેની મુલાકાત કરવા પણ આ બેઠકમાં સૂચવ્યું હતું.

મુખ્યમંત્રી સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસ નાથન, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.