પાટડીના ખેરવા નજીક કારમાં સાત લોકો જીવતા ભૂંજાયા, ચોટીલા દર્શન કરીને પરત ફરી રહ્યા હતાં

સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. દિવાળીના સમયગાળામાં થયેલા અલગ-અલગ અકસ્માતોમાં 10 લોકોના મૃત્યુ થઈ ગયા છે, ત્યારે સુરેન્દ્રનગર નજીક આજે પણ ગોઝારો અકસ્માત થયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ તાલુકાના ખેરવા ગામ પાસે વહેલી સવારે ડમ્પર અને ઈકો કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. ત્યારપછી ઈકો કારમાં આગ લાગી જતા ચોટીલાથી દર્શન કરીને પરત આવી રહેલા એક જ કુટુંબના સાત સભ્યો જીવતા ભડથું થઈ ગયા હતાં. જેમાં ત્રણ લોકો રાધનપુરના અને ચાર લોકો સાંતલપુરના વતની હતાં. અકસ્માત પછી ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વાહનની નંબર પ્લેટના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતાં લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, ચોટીલાથી દર્શન કરીને સાતેય લોકો પરત ફરી રહ્યા હતાં ત્યારે સુરેન્દ્રનગર માર્ગ ઉપર પાટડીના ખેરવા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો.