કચ્છમાં શિયાળો વધુ ધારદાર: નલિયા 8.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ

જમ્મુ-કાશ્મીરમાં થયેલી હિમવર્ષા બાદ, ધારદાર બનેલી ઠંડી ઉત્તરોત્તર તીવ્ર બની રહી છે ત્યારે કચ્છના શીતમથક નલિયામાં લઘુતમ તાપમાનનો આંક સિંગલ ડિજિટ ૮.૮ ડિગ્રી સેલ્સિયસ પર અટકતાં જનજીવન પ્રભાવિત બન્યું છે.

નલિયા ઉપરાંત કંડલા એરપોર્ટ ખાતે પારો ૧૩.૧ ડિગ્રી સેલ્સિયસ પર અટક્યો છે. જિલ્લા મથક ભુજમાં લઘુતમ તાપમાનનો આંક ૧૪.૬ ડિગ્રી સેલ્સિયસ જેટલો રહેવા પામ્યો છે. શહેરમાં ફૂંકાઈ રહેલા વેગીલા ઉત્તરીય હિમપવનોને લીધે શહેરજનો ગરમવસ્ત્રો પહેરવા મજબૂર બન્યા છે. હવામાન વિભાગે કચ્છના મોટાભાગના વિસ્તારોમાં કોલ્ડવેવ શરૂ થઇ ગઈ હોવાનું જણાવી આગામી દિવસોમાં નોંધપાત્ર વધ-ઘટ સાથે ઠંડીનું મોજું યથાવત રહેવાની આગાહી કરી છે. રાજ્યમાં નલિયા સૌથી ઠંડું કેન્દ્ર બની રહ્યું છે. બીજા ક્રમે ૧૧.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજકોટ અને ૧૨.૫ ડિગ્રી સાથે કેશોદ ત્રીજા ક્રમનું ઠંડું શહેર બની રહ્યા છે.