મુંબઈના ફોર્ટ ખાતે આવેલા ગાર્ડનમાં સમૃદ્વ ધરની મહિલાએ બિનવારસી હાલતમાં દમ તોડ્યો, વાપીમાં સંતાનો રહે છે

મુંબઈનાં ફોર્ટ વિસ્તારમાં હોર્નિમન સર્કલ ગાર્ડનમાં આવેલા શૌચાલયમાં શનિવારે ગુજરાતી મહિલાનું પગથિયાં પર લપસ્યા બાદ મૃત્યુ થયું હતું. આ મહિલા પરિવારને ત્યજીને મુંબઈ આવી હતી અને ત્રણ-ચાર વર્ષથી ફૂટપાથ પર રહેતી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાઠવાયા બાદ એમઆરએ માર્ગ પોલીસે એડીઆર દાખલ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ફોર્ટના હોર્નિમન સર્કલ ગાર્ડનમાંના શૌચાલયમાં શનિવારે સાંજે મહિલા બેભાન અવસ્થામાં મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને પગલે એમઆરએ માર્ગ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મહિલાને બાદમાં એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં તેને તપાસીને મૃત જાહેર કરવામાં આવી હતી.

એસીપી (આઝાદ મેદાન ડિવિઝન) મિલિંદ ખેતલેએ કહ્યું હતું કે મહિલાની બેગમાંથી આધારકાર્ડ મળી આવ્યું હતું, જેના પરથી તેની ઓળખ શોભાબહેન બિપીનભાઇ દેસાઇ (૫૫) તરીકે થઇ હતી અને તે ગુજરાતના વાપીની રહેવાસી હતી. વાપીમાં રહેતા તેના પુત્ર અને બે પુત્રીને બનાવની જાણ કરવામાં આવી હતી.

મૃતકના પરિચિતે માહિતી આપતાં જણાવ્યું હતું કે મહિલા છેલ્લા ત્રણ-ચાર વર્ષથી મુંબઈમાં રહેતી હતી. મૃતકનો પુત્ર અને બે પુત્રી વાપીમાં રહેતા હોઇ મહિલાનું તેમની સાથે બનતું ન હોવાથી તે મુંબઈ આવી ગઇ હતી અને ફૂટપાથ પર રહેવા લાગી હતી. શુક્રવારે તે ગાર્ડનના શૌચાલયમાં ગઇ હતી ત્યારે પગથિયાં પર પડી ગઇ હતી અને બાદમાં તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેને પગથિયાં પર પડેલી જોઇ લોકો એકઠા થઇ ગયા હતા. એવામાં કોઇએ પોલીસને ફોન કરીને બનાવની જાણ કરી દેતાં પોલીસ ટીમ અહીં આવી પહોંચી હતી.