બાઈડેનની વ્હાઈટ હાઉસ ટીમમાં ભારતીય મૂળની માલા અડિગાનો સમાવેશ

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન પોતાની વ્હાઈટ હાઉસ ટીમ તૈયાર કરવામાં પડ્યા છે. આ સાથે જ તેમણે ઓબામા શાસનકાળના ચાર અધિકારીઓને ઉચ્ચ હોદ્દો આપ્યો છે. આ ટીમમાં ભારતીય મૂળની માલા અડિગા પણ સામેલ છે. ઓબામા તંત્રમાં ચીફ ઓફ સ્ટાફ રહેલી કૈથી રસેલને વ્હાઈટ હાઉસ ઓફિસ ઓફ પ્રેસિડેન્શિયલ પર્સનલ ડાયરેક્ટર તરીકેની જવાબદારી સોંપી છે. તેઓ વહીવટી હોદ્દાઓ માટે અરજીઓની તપાસ કરશે. લૂઈસા ટેરેલ ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ પદે રહેશે.

ઓબામા તંત્રમાં જો બાઈડેનની સોશિયલ સેક્રેટરી રહેલા કાર્લોસ એલિહોન્દો હાલમાં પણ આ જ હોદ્દો સંભાળશે. માલા અડિગા જિલ બાઈડેન માટેની નીતિઓના ડાયરેક્ટર તરીકે કામગીરી કરશે. પ્રથમ મહિલા તરીકે જિલ બાઈડેનની પ્રાથમિકાઓ નક્કી કરવાનું કામ માલાનું રહેશે. તેઓ અગાઉ બાઈડેન ફાઉન્ડેશનમાં ઉચ્ચ શિક્ષા અને સેનાના પરિવારના ડાયરેક્ટર રહ્યા હતા. ઓબામા તંત્રમાં તેમણે જિલ બાઈડેનના સલાહકારની ભૂમિકા ભજવી હતી.

બાઈડેન જણાવ્યું કે હું મારી વ્હાઈટ હાઉસ ટીમના વધુ સભ્યોની જાહેરાત કરતા ગર્વ અનુભવું છું જે અમેરિકામાં મુશ્કેલીના સમયમાં બદલાવ લાવશે. દેશ સામે જે પડકારો છે તેને ઉકેલવાનું સમર્પણ વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતા અને અનુભવો ધરાવતા આ લોકોમાં જોવા મળે છે. ટીમના સભ્યો અમેરિકાના લોકોની સેવા કરશે અને ન્યાયપૂર્ણ તેમજ સંયુક્ત રાષ્ટ્ર નિર્માણમાં મદદરૂપ થશે.