આ કંપનીને દેશની પહેલી બુલેટ ટ્રેનનો 25,000 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો, જાણો કઈ કંપની છે?

લાર્સન અને ટુબ્રોને મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સરકાર તરફથી 25,000 કરોડ રૂપિયાનો કરાર મળ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન પ્રોજેક્ટના એક ભાગને પૂર્ણ કરવા એલ એન્ડ ટી કંપનીને કરાર આપવામાં આવ્યો છે. બુધવારે નાણાકીય પરિણામોની ઘોષણા કરતા એલ એન્ડ ટી કંપનીના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર એસ.એન.સુબ્રહ્મણ્યમે આટલી મોટી રકમનો આ સિંગલ પ્રોજેક્ટ ઓર્ડર છે, જે સરકારે આપ્યો છે.

એસ.એન. સુબ્રહ્મણ્યમે કહ્યું કે, આ પ્રોજેક્ટ ચાર વર્ષમાં પૂર્ણ કરવો પડશે. અમને વિશ્વાસ છે કે અમે આ પ્રોજેક્ટ અંતિમ મુદતમાં પૂર્ણ કરીશું. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને અમદાવાદ-મુંબઈ બુલેટ રેલ પ્રોજેક્ટ માટે 24 સપ્ટેમ્બરના રોજ લગભગ 1.08 લાખ કરોડ રૂપિયાની બિડ શરૂ કરી હતી, જેમાં ગુજરાતમાં પ્રોજેક્ટનો એક ભાગ સામેલ છે. આ બોલી લગાવવાની પ્રક્રિયામાં સાત કંપનીઓએ ભાગ લીધો હતો.

આ પ્રોજેક્ટ અંતર્ગત મુંબઇથી અમદાવાદ વચ્ચેનું 508 કિલોમીટરનું અંતર બે કલાકમાં પૂર્ણ થશે. ટેન્ડરમાં કુલ પ્રોજેક્ટના 47 ટકા કવર થશે જે વાપીથી વડોદરા વચ્ચે રહેશે. 237 કિમીના આ કોરિડોરમાં વાપી, બીલીમોર, સુરત અને ભરૂચ ચાર સ્ટેશનો સામેલ છે. આ રૂટમાં 24 નદીઓ અને 30 ક્રોસિંગ સામેલ છે. આ પ્રોજેક્ટમાં 90000 લોકોને બાંધકામના કામમાં સીધી અને આડકતરી નોકરી મળશે.

મુંબઇ અને અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો કુલ ખર્ચ બે હજાર કરોડથી વધુ છે અને તેનો ભંડોળ જાપાન આંતરરાષ્ટ્રીય સહકાર એજન્સી દ્વારા આપવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટનો શિલાન્યાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન શિંઝો આબે દ્વારા સપ્ટેમ્બર 2017 માં કરવામાં આવ્યો હતો.