સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને હરાવી પ્લે ઓફની આશા જીવંત રાખી

મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદે કેપ્ટન ડેવિડ વોર્નર અને રિદ્ધિમાન સાહાની શતકીય ભાગીદારી ઉપરાંત પાવરપ્લેમાં જોરદાર તડાફડી અને શતકીય ભાગીદારીથી મુકેલા 220 રનના લક્ષ્યાંક સામે દિલ્હી કેપિટલ્સ 131 રને ઓલઆઉટ થતાં સનરાઇઝર્સનો 88 રને વિજય થયો હતો.દિ

લ્હીકેપિટલ્સની ટીમ લક્ષ્યાંકને આંબવા મેદાને પડી તે પછી તેમની શરૂઆત સાવ ખરાબ રહી હતી અને પહેલી ઓવરમાં જ શિખર ધવન અને બીજી ઓવરમાં માર્કસ સ્ટોઇનીસ આઉટ થયો ત્યારે બોર્ડ પર માત્ર 14 રન હતા. તે પછી રહાણે અને હેટમાયર મળીને પાવરપ્લેમાં સ્કોરને 54 રન સુધી લઇ ગયા હતા અને 7મી ઓવર ફેંકવા આવેલા રાશિદ ખાને આ બંનેને એક જ ઓવરમાં આઉટ કરતા દિલ્હીનો સ્કોર 4 વિકેટે 55 રન થયો હતો. તે પછી પણ સમયાંતરે તેમની વિકેટો પડવાનુ ચાલુ રહેતા 83 રનમાં તેમણે 6 વિકેટ ગુમાવી દીધી હતી. અંતે 20 ઓવરમાં તેઓ 131 રને ઓલઆઉટ થયા હતા.

ટોસ જીતીને દિલ્હીકેપિટલ્સે ફિલ્ડીંગનો નિર્ણય કર્યા પછી સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર વોર્નર અને સાહાએ મળીને તેમનો નિર્ણય ખોટો ઠેરવ્યો હતો અને બંનેએ મળીને જોરદાર ફટકાબાજી કરતાં દિલ્હી કેપિટલ્સના રબાડા સહિતના બોલરો તેમની સામે બેઅસર પુરવાર થયા હતા. વોર્નર અને સાહાએ મળીને પારવપ્લેમાં 77 રન કર્યા હતા. 10મી ઓવરમાં વોર્નર 34 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 66 રને આઉટ થયો ત્યારે તેમને સ્કોર 9.4 ઓવરમાં 107 રન હતો.

વોર્નર આઉટ થયા પછી પણ સાહાએ તોફાની બેટિંગ ચાલુ રાખી હતી અને મનિષ પાંડે સાથે તેણે 63 રનની ભાગીદારી કરી સ્કોર 170 પર પહોંચાડ્યો ત્યારે તે 45 બોલમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 87 રન કરીને આઉટ થયો હતો. તે પછી મનીષ પાંડે અને કેન વિલિયમ્સન વચ્ચે 5.3 ઓવરમાં 49 રનની ભાગીદારી થઇ હતી અને સનરાઇઝર્સ 20 ઓવરમાં 2 વિકેટે 219 રન સુધી પહોંચ્યું હતું. મનીષ પાંડે 31 બોલમાં 44 જ્યારે વિલિયમ્સન 10 બોલમા 11 રન કરી નોટઆઉટ રહ્યા હતા.