ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાની વિદાય, બે દિવસ પહેલાં જ મોટા ભાઈ મહેશ કનોડીયાનું થયું હતું અવસાન

ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન કહેવાતા સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. કોરોનાગ્રસ્ત થયેલા આ દિગ્ગજ કલાકાર અમદાવાદની યુ.એન.મેહતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાજુક હતી. તેઓ સતત વેન્ટિલેટર પર હતા. નરેશ કનોડિયાની વિદાય ગુજરાતી ફિલ્મ જગત માટે બહુ જ શોકમગ્ન બની રહેશે. 48 કલાકમાં જ ગુજરાતે બે દિગ્ગજ કલાકારોને ગુમાવ્યા છે.

રવિવારના રોજ નરેશ કનોડિયાના મોટાભાઈ અને ગુજરાતી ગાયક-સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન થયું હતું. ત્યારે ટૂંકા ગાળામાં કનોડિયા ભાઈઓએ દુનિયામાંથી વિદાય લીધી છે. તેઓએ હિરણને કાંઠે, મેરૂ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમાં, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાજ પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મો આપી હતી.

77 વર્ષની વયે નરેશ કનોડિયાએ અંતિમ શ્વાસ લીધા છે. નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયા યુ.એન.મહેતા હોસ્પિટલમાં પોતાના પિતાનો મૃતદેહડી લેવા માટે પહોંચ્યા હતા. ત્યારે કોરોનાગ્રસ્ત હોવાથી આ દિગ્ગજ કલાકારના અંતિમ સંસ્કાર કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવશે. તેમના નિધનના સમાચાર મળતા જ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને સગાસંબંધીઓ પહોંચી રહ્યાં છે.

ગુજરાતી ફિલ્મ જગતમાં કનોડિયા ભાઈઓનો સંઘર્ષ એકસરખો રહ્યો છે. પરંતુ નરેશ કનોડિયાએ 40 વર્ષ સુધી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ પર રાજ કર્યુ છે. તેમના નિધન બાદ મોટો ખાડો પડ્યો છે. નરેશ કનોડિયાની માસ અપીલ હતી. તેમની મોટી સિગ્નિફિકન્સ એ હતી કે, તેઓએ 125 ફિલ્મોમાં કામ કર્યું. તેમજ 72 હિરોઈન સાથે લીડ રોલ કર્યો છે. નવી અભિનેત્રીઓ માટે કામ કરવામાં તેઓ પ્રખ્યાત હતા. ગુજરાતી ફિલ્મ જગતમાં જે સમયે ઉપેન્દ્ર ત્રિવેદીનું ગુજરાતી ફિલ્મોમાં એકચક્રી શાસન હતું અને તેમની કારકિર્દીનો અંત હતો, ત્યારે તે ખાલી જગ્યા નરેશ કનોડિયાએ સરળતાથી પૂરી દીધી. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને તેઓએ ધમધમતો રાખ્યો.

કનોડિયા પરિવાર રાજકારણ સાથે પણ જોડાયેલો છે. પરિવારના ત્રણ સદસ્ય રાજકારણ સાથે સંકળાયેલા છે. મોટાભાઈ મહેશ કનોડિયા ત્રણવાર સાંસદસભ્ય રહી ચૂક્યા છે. તો નરેશ કનોડિયા કરજણ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડીને જીત્યા હતા. તેમનો દીકરો હિતુ કનોડિયા હાલ ઈડર બેઠક પર ધારાસભ્ય છે.