ગેલ-મનદીપની શતકીય જુગલબંધીથી નાઇટ રાઇડર્સને 8 વિકેટે પછાડી કિંગ્સ ઇલેવન પંજાબ ટોપ ફોરમાં

સોમવારે શારજાહના પ્રમાણમાં નાના મેદાન પર રમાયેલી આઇપીએલની મેચમાં ખરાબ શરૂઆત કરનાર કોલકાતા નાઇટ રાઇડર્સને શુભમન ગીલ અને ઇયોન મોર્ગને 81 રનની ભાગીદારી કરીને 20 ઓવરમાં 9 વિકેટે 149 રનના સ્કોર સુધી પહોંચાડીને મુકેલા 150 રનના લક્ષ્યાંકને ક્રિસ ગેલ અને મનદીપ સિંહની શતકીય ભાગીદારીથી કિંગ્સ ઇલેવન પંજાબે2 વિકેટે કબજે કરીને 8 વિકેટે મેચ જીતી લીધી હતી. આ વિજય સાથે કિંગ્સ ઇલેવન પંજાબ પોઇન્ટ ટેબલમાં ટોપ ફોરમાં પહોંચી ગઇ હતી.
150 રનના લક્ષ્યાંકની સામે કેએલ રાહુલ અને મનદીપ સિંહે ધીમી શરૂઆત કરી હતી અને સ્કોર 47 રન પર પહોંચ્યો હતો ત્યારે રાહુલ અંગત 28 રન કરીને આઉટ થયો હતો. મનદીપ સાથે તે પછી ક્રિસ ગેલ જોડાયો હતો અને બંનેએ મળીને રનગતિ વધારી દીધી હતી. શરૂઆતમાં ધીમુ રમી રહેલા મનદીપને પણ ગેલનો રંગ લાગ્યો હતો અને તેણે પણ ફટકાબાજી કરવા માંડી હતી. 8 ઓવરમાં 47 રન કરનાર કિંગ્સ ઇલેવનને તે પછી ગેલ અને મનદીપે 100 રનની ભાગીદારી કરીને 18 ઓવરમાં 147 રન સુધી પહોંચાડ્યું હતું. આ દરમિયાન મનદીપ અને ગેલે પોતાની અર્ધસદી પુરી કરી હતી.
જીતવા માટે 2 ઓવરમાં માટે ત્રણ રનની જરૂર હતી ત્યારે 19મી ઓવરના પહેલા બોલે ગેલ આઉટ થયો હતો. ગેલે 29 બોલમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 51 રન કર્યા હતા. અંતે કિંગ્સ ઇલેવન પંજાબે 18.5 ઓવરમાં બે વિકેટે લક્ષ્યાંક કબજે કરી લઇને મેચ 8 વિકેટે જીતી લીધી હતી. મનદીપ 56 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 66 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. તેની સાથે પૂરન 2 રને નોટઆઉટ રહ્યો હતો.
કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી તે પછી પંજાબના બોલરોએ કેપ્ટનના નિર્ણયને સાર્થક ઠેરવીને બોર્ડ પર માત્ર 10 રન હતા ત્યારે તેના ત્રણ બેટ્સમેનને પેવેલિયન ભેગા કરી દીધા હતા. જો કે તે પછી મોર્ગન અને ગિલે મળીને 81 રનની ભાગીદારી કરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. મોર્ગન 25 બોલમાં 40 રન કરીને આઉટ થયો તે પછી વધુ ત્રણ વિકેટ ગુમાવતા તેમનો સ્કોર 7 વિકેટે 114નો થયો હતો. ગીલ 8મી વિકેટ સ્વરૂપે આઉટ થયો ત્યારે સ્કોર 136 રને પહોંચ્યો હતો. ગીલે 45 બોલમાં 57 રન કર્યા હતા. અંતિમ ઓવરોમાં ફર્ગ્યુસને 13 બોલમાં 24 રન કરતાં કોલકાતા અંતે 9 વિકેટે 149 રનના સ્કોરે પહોંચ્યું હતું.
કિંગ્સ ઇલેવન વતી મહંમદ શમીએ 35 રનમાં 3 જ્યારે રવિ બિશ્નોઇએ 20માં 2 તો ક્રિસ જોર્ડને 25 રનમાં 2 વિકેટ ઉપાડી હતી. આ ઉપરાંત મેક્સવેલ અને મુરૂગન અશ્વિને 1-1 વિકેટ ઉપાડી હતી.