ચૂંટણી લડતા ઉમેદવારો માટે ખર્ચની મહત્તમ મર્યાદામાં વધારો, જાણો કેટલો કરી શકાશે ખર્ચ

સુરેન્દ્રનગર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ભારત સરકાર,કાયદા અને ન્યાય મંત્રાલયના તારીખ ૧૯.૧૦.૨૦૨૦ના રાજપત્રથી લોકપ્રતિનિધિત્વ અધિનિયમ અને ચૂંટણી સંચાલનના નિયમો અન્વયે ચૂંટણી લડતા ઉમેદવારો માટે ખર્ચની મહત્તમ મર્યાદામાં વધારો કરેલ છે. ભારત સરકાર દ્વારા તારીખ ૧૯.૧૦.૨૦૨૦ના રાજપત્રની પ્રકાશનની તારીખથી સર્વ રાજ્યો માટે ખર્ચની મહત્તમ મર્યાદામાં વધારો કરેલ છે. જે પૈકી ગુજરાત રાજ્યની વિધાનસભા બેઠક માટે રૂ.૩૦,૮૦,૦૦૦/- અને લોકસભા બેઠક માટે રૂ.૭૭,૦૦,૦૦૦/- ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.

જે અન્વયે ૬૧-લીંબડી વિધાનસભા મતદાર વિભાગમાં દરેક ઉમેદવારો ચૂંટણીમાં રૂ.૩૦,૮૦,૦૦૦ (અંકે રૂપિયા ત્રીસ લાખ એંશી હજાર પુરા)ની મર્યાદામાં ખર્ચ કરી શકશે. ઉમેદવારો દ્વારા થતાં વિવિધ પ્રકારના ખર્ચ માટે જુદી-જુદી વિગતો/આઈટમોના ભાવો તેમજ કોવીડ-૧૯ ના સંદર્ભે ઉપયોગમાં લેવાની થતી વિવિધ પ્રકારની ચીજવસ્તુઓના ભાવો રાજકીય પક્ષોના હોદેદારો સાથે થયેલ ચર્ચા/વિચારણા મુજબ નકકી કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ૬૧-લીંબડી વિધાનસભા મતદાર વિભાગમાં પ્રત્યેક ઉમેદવાર માટે તેમનું નામ નિયુકત થાય તે તારીખથી ચૂંટણીનું પરિણામ જાહેર થાય તે તારીખ સુધીની બંને તારીખોનો સમાવેશ કરીને વચ્ચેના સમયગાળા દરમ્યાન રાજકીય પક્ષો અથવા ઉમેદવારોએ તેમના દ્વારા અધિકૃત કરેલા ચૂંટણી એજન્ટે કરેલા તમામ ખર્ચના અલગ-અલગ હિસાબો રાખવા નિયત કરેલ છે. તેમ વધુમાં જણાવાયું છે.