બિહારને લાલટેનની જરુર નથી, વિપક્ષ પર વરસી પડ્યા PM મોદી

બિહાર વિધાનસભા ચૂંટણી સૌપ્રથમ મહત્વની રાજકીય ઈવેન્ટ હોવાથી રાજ્ય જ નહીં સમગ્ર દેશવાસીઓની નજર તેના પર રહેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બિહારના સાસારામ ખાતે કોરોના કાળમાં સૌપ્રથમ જાહેરસભા સંબોધતા વિપક્ષ પર આકરા પ્રહાકો કર્યા હતા. આરજેડીના શાસનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હોવાનું જણાવતીને પીએમ મોદીએ કહ્યું કે, જે લોકો બિહારને બીમારુ રાજ્ય બનાવવાનો ઈતિહાસ ધરાવે છે તેમને સત્તામાં પરત નહીં આવવા દેવાય.

સાસારામ રેલીમાં વડાપ્રધાને સૌપ્રથમ એલજેપીના સ્થાપક રામ વિલાસ પાસવાન અને આરજેડીના પૂર્વ નેતા રઘુવંશ પ્રસાદ સિંહને શ્રદ્ધાંલજલિ આપી હતી. પીએમે જણાવ્યું કે બિહાર વિધાનસભાની ચૂંટણી અગાઉ જ જનતાએ તેમનો સંદેશ આપી દીધો છે અને તમામ સર્વેમાં એનડીએની સરકાર ફરી સ્થપાશે તેવા સંકેત મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે બીમારુ શબ્દપ્રયોગ બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશના સંદર્ભમાં કરવામાં આવે છે જે આર્થિક રીતે પછાત રાજ્યોમાં આવે છે. લદ્દાખના ગલવાન ખીણ ખાતે ચીન સાથે લશ્કરના ઘર્ષણનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને જણાવ્યું કે બિહારના સપૂતોએ ત્રિરંગા માટે તેમના પ્રાણ ન્યોછાવર કરી દીધા, પરંતુ ભારત માતાનું શિશ ઝૂકવા દીધું નહીં. કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલામાં પણ બિહારના જવાનો શહીદ થયા હતા.

વડાપ્રધાને જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ને પુનઃ સ્થાપિત કરવાની માગ કરનારા વિપક્ષ પર ચાબખાં મારત કહ્યું કે, આવા લોકો દેશને નબળો પાડનારા તત્વોની તરફેણ કરે છે. ભારત તેના નિર્ણય પર અડગ રહેશે. પીએમ મોદીએ કૃષિ બિલનો વિરોધ કરી રહેલા વિપક્ષને આડેહાથ લેતા જણાવ્યું કે, આ લોકો વચેટિયાઓનો સાથ આપી રહ્યા છે.
અહીં તેમણે કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. મોદીએ કહ્યું, ‘આ લોકો (વિપક્ષ) કહી રહ્યું છે કે જો તેઓ સત્તામાં આવશે તો કલમ 37૦ ફરીથી લાગુ કરશે. આ બધું કહીને તેઓ બિહારના લોકો પાસેથી મત માંગવાની હિંમત કરી રહ્યા છે. શું આ બિહારની જનતાનું અપમાન નથી? આ લોકો જેની પણ મદદ લેશે, પણ દેશ તેના નિર્ણયોથી પીછેહઠ કરશે નહીં. ‘

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાસારામમાં બિહાર ચૂંટણીની પોતાની પ્રથમ સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું, બિહારના લોકો ક્યારેય મૂંઝવણમાં હોતા નથી. ચૂંટણીના આટલા દિવસો પહેલાં જ તેમણે પોતાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. જેટલા પણ રિપોર્ટ આવી રહ્યા છે એ બધામાં એ જ વાત આવી રહી છે કે બિહારમાં ફરી એક વખત એનડીએ સરકાર બનવા જઈ રહી છે.