બંગાળમાં NDAને મોટો આંચકો, GJMએ છોડ્યો સાથ, મમતા સાથે ચૂંટણી લડવાનું એલાન

બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી એનડીએને વધુ એક આંચકો મળ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી ફરાર રહેલા ગોરખા જનમુક્તિ મોરચા (GJM) ના નેતા બિમલ ગુરુંગ બુધવારે અચાનક કોલકાતામાં હાજર થયા હતા અને જાહેરાત કરી હતી કે તેઓ એનડીએ છોડી દે છે અને બંગાળમાં 2021ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાણ કરે  છે.

બિમલ ગુરુંગ કોલકાતાના સોલ્ટ લેક વિસ્તારમાં ગુરખા ભવનની બહાર જોવા મળ્યા હતા. તેઓ અહીં પહેલા ગોરખા ભવનની અંદર ગયા હતા જ્યાં બહારના લોકોને પ્રવેશવાની મંજૂરી નહોતી. ત્યારબાદ તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપે રાજ્ય માટે કંઇ કર્યું નથી. ગોરખલેન્ડ અંગેની અમારી તમામ માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી.

બિમલ ગુરુંગે ભારતીય જનતા પાર્ટી પર તોડફોડનો આરોપ લગાવતા કહ્યું હતું કે, ‘ભાજપે જે વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું નહીં, પરંતુ મમતા બેનર્જીએ તેમના તમામ વચનો પૂરા કર્યા. તેથી, હું મારી જાતને એનડીએથી અલગ કરવા માંગું છું.

બિમલ ગુરુંગ પર રાજ્યના કાલિમપોંગ પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલો અને 2017 માં દાર્જિલિંગના ચોકબજાર વિસ્તારમાં થયેલા વિસ્ફોટના મામલે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ યુએપીએ હેઠળ આરોપ મૂકાયો હતો અને ત્યારથી તેઓ ફરાર છે.

‘વડા પ્રધાન મોદી-શાહે વચન પૂરું કર્યું નહીં’

ગોરખા જનમુક્તિ મોરચાના નેતાએ આજે ​​એક પ્રેસ કોન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર પ્રહાર કર્યા અને કહ્યું કે આ લોકો બંગાળમાં ગોરખા સાથે કરેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગયા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટીએ એનડીએ છોડી દીધું છે.

બિમલ ગુરુંગે કહ્યું, ‘ભાજપે કહ્યું હતું કે તે દાર્જિલિંગ હિલ્સ માટે કાયમી રાજકીય સમાધાન શોધી કાડશે અને 11 ગોરખા સમુદાયોને અનુસૂચિત જનજાતિ તરીકે માન્યતા આપશે, પરંતુ ભાજપ પોતાનું વચન પાળવામાં નિષ્ફળ ગયું.’ તેમણે એમ પણ કહ્યું હતું કે GJM હજી ગોરખલેન્ડ માટે પ્રતિબદ્ધ છે અને અમે તે પાર્ટીને ટેકો આપીશું જે 2024ની લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દો ઉઠાવશે.

આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, 2021ની બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં અમે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સાથે જોડાણ કરીશું અને ભાજપને યોગ્ય જવાબ આપીશું. બિમલ ગુરુંગના આ નિર્ણય પછી એવું માનવામાં આવે છે કે ઉત્તર બંગાળના ડુંગરાળ વિસ્તારોમાં ઓછામાં ઓછી 10 બેઠકોની અસર ભાજપના વોટ બેંક પર પડી શકે છે. તમને જણાવી દઇએ કે એલજેપીએ બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા એનડીએથી અલગ થવાની અને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.