લોકી ફર્ગ્યુસનના સહારે RCBને પછાડી બદલો વાળવાની KKRની ઇચ્છા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે બુધવારે આઇપીએલની 39મી મેચ રમાશે ત્યારે કોલકાતા નાઇટ રાઇડર્સની ઇચ્છા ન્યુઝીલેન્ડના સ્ટાર ઝડપી બોલર લોકી ફર્ગ્યુસનના સહારે આરસીબી સામે બદલો વાળવાની રહેશે. ફર્ગ્યુસનની ક્ષમતાને સમજવા માટે નાઇટ રાઇડર્સને 9 મેચનો સમય લાગ્યો છે અને સાથે જ કેપ્ટન બદલાયા પછી તેને તક મળી છે. જ્યાં સુધી દિનેશ કાર્તિક કેપ્ટન હતો ત્યાં સુધી ફર્ગ્યુસનનું નામ પણ વિચારાતું નહોતું.

ઇયોન મોર્ગનને સુકાની બનાવાયા પછી તેને તક મળી અને તેણે પોતાના બોલિંગ વૈવિધ્ય અને સ્પીડથી સનરાઇઝર્સ હૈદરાબાદને ધ્વસ્ત કરી દીધું. એ મેચમાં કેકેઆરની જીતમાં ફર્ગ્યુસનની ભૂમિકા જ મહત્વની રહી હતી. તેણે ચાર ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ ખેરવી અને તે પછી સુપર ઓવરમાં ત્રણ બોલમાં બે વિકેટ ખેરવી હતી. સૌથી મોંઘો ખરીદાયેલો પેટ કમિન્સ બોલિંગમાં ક્ષમતા અનુસારનું પ્રદર્શન કરી શક્યો નથી, આ સ્થિતિમાં ટીમને હવે ફર્ગ્યુસન પાસે મોટી આશા છે.

આરસીબીમાં જો કે વિરાટ કોહલી અને ડિવિલિયર્સ જોરદાર ફોર્મમાં હોવાની સાથે પડ્ડીકલ અને ફિન્ચ પણ ચમકારો બતાવી રહ્યા છે. બોલિંગમાં ક્રિસ મોરિસના આગમન પછી તેમની મજબૂતાઇ વધી ગઇ છે. યજુવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર પણ પોતાની ભૂમિકા સુપેરે નિભાવી રહ્યા છે. જ્યારે નવદીપ સૈની અને ઇસુરુ ઉડાના યોગ્ય સાથ આપી રહ્યા છે. આ સ્થિતિમાં કેકેઆર માટે આરસીબીને પછાડવી એટલી સરળ તો નહીં જ રહે.