અરુણાચલ પ્રદેશમાં આસામ રાઇફલ્સની પેટ્રોલિંગ ટીમ પર હુમલો, જવાન શહીદ

અરુણાચલ પ્રદેશમાં આસામ રાઇફલ્સ પેટ્રોલિંગ ટીમ પર હુમલો થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સરકારી સુત્રોના હવાલાથી આ માહિતી મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ શંકાસ્પદ આતંકી હુમલામાં એક સૈનિક શહીદ થયો છે. કેટલા સૈનિકો ઘાયલ થયા છે તે અંગે હાલ કોઈ માહિતી મળી નથી. સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ શંકાસ્પદ આતંકવાદી હુમલો અરુણાચલ પ્રદેશના તિરૂપ જિલ્લામાં સાનલીઆમ ટ્રાઇ-જંકશન સ્થિત ખોંસા લાજુ રોડ પર થયો છે. આ વિસ્તાર ભારત-મ્યાનમાર સરહદથી બહુ દૂર નથી. સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલા બાદ આ વિસ્તારમાં સઘન ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, શાંતિના લાંબા ગાળા પછી શંકાસ્પદ આતંકવાદીઓએ આ મહિનાની શરૂઆતમાં ફરી એકવાર ઉત્તર-પૂર્વ ભારતમાં સુરક્ષા દળોને નિશાન બનાવ્યા હતા. મ્યાનમારની સરહદ પર આવેલા ચાંગલાંગ જિલ્લામાં ફક્ત આસામ રાઇફલ્સના જવાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. 4 ઓક્ટોબરના રોજ સવારે 9:40 વાગ્યાની આસપાસ થયેલી અથડામણમાં સૈનિક શહીદ થયો હતો, જ્યારે બીજો એક ઘાયલ થયો હતો.

રાજધાની ઇટાનગરથી 300 કિલોમીટર દૂર આવેલા જિલ્લાના જયરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના તેંગ્મો ગામે આ ઘટના બની છે. આ વિસ્તાર મોનમાઓનાં હેતલોંગ ગામની નજીક છે. ચાંગલાંગ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે હુમલો થયા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે જિલ્લામાં આતંકવાદ વિરોધી કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.