ગુજરાતની પેટાચૂંટણી: ભાજપના સ્ટાર પ્રચારકોમાં રાષ્ટ્રીય નેતાઓ નહીં, પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીની બાદબાકી

વિધાનસભાની પેટા ચૂંટણીના ફોર્મ ભરાયા પછી થોડો ગરમાવો આવ્યો છે, પરંતુ મતદારોમાં ઉદાસીનતા જણાય છે. ભાજપ અને કોંગ્રેસ તરફથી આઠેઆઠ બેઠકો જીતવાના દાવા કરાઈ રહાા છે, જયારે હાર્દિક પટેલે આ પેટા ચૂંટણીને વર્ષ-2020ની ચૂંટણીનું સેમિફાઈનલ ગણાવ્યું હોવાનો મીડયામાં ચર્ચાઈ રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીનો પ્રચાર શરૃ થઈ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો નક્કી થયા પછી પણ હજુ બન્ને પક્ષોમાં પ્રચાર માટે જેવો જોઈએ તેવો જુસ્સો જોવા મળી રહ્યો નથી. એક તરફ ચૂંટણીપંચની આચારસંહિતા અને બીજી તરફ કોરોનાની ગાઈડ લાઈન્સ વચ્ચે ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર કરવાનો છે. આ કારણે પણ આ વખતે ચૂંટણી પ્રચાર ઝડપથી વેગ પકડી રહ્યો જણાતો નથી. જો કે, અત્યારે તોડફોડ કરીને એકબીજાના નેતાઓને પોતાના પક્ષે લેવાના પ્રયાસો થઈ રહ્યાં છે. અમે આ પ્રકારની ગોઠવણો કરવામાં ભાજપ માહીર થઈ ગયો છે.

પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષના બે ગુજરાતી કેન્દ્રિય મંત્રીઓ સિવાય રાષ્ટ્રીય કક્ષાના કોઈ સ્ટાર પ્રચારક જાહેર કર્યા નથી. આમ કરવાનું કારણ બિહારની વિધાનસભાની ચૂંટણી પણ હોઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાષ્ટ્રીય નેતાઓનો બિહાર વિધાનસભાની ચૂંટણીઓ માટે પ્રચાર કાર્યક્રમ ઘડાઈ ગયો છે. આ કારણે કદાચ ભાજપ દ્વારા ગુજરાતની પેટા ચૂંટણી માટે રાષ્ટ્રીય નેતાઓ નહીં મોકલાયા હોય, માત્ર કેન્દ્રિય મંત્રી પુરૃષોત્તમ રૃપાલા અને મનસુખ માંડવિયા ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. પી.એમ. મોદી, ગૃહમંત્રી અમિત શાહ કે અન્ય મોટા રાષ્ટ્રીય નેતાઓના નામ નથી.

ભાજપની સ્ટાર પ્રચારકોની યાદીમાં જામનગરના બન્ને ધારાસભ્યો, જે મંત્રીઓ પણ છે, તેનો સમાવેશ કરાયો છે. આર.સી. ફળદુ અને હકુભા જાડેજાને સ્ટાર પ્રચારકો તરીકે ભાજપે પસંદ કર્યા છે, જેથી જામનગરનું પ્રતિનિધિત્વ મહત્ત્વપૂર્ણ બન્યું છે. પ્રદેશ ભાજપના કરોડરજ્જૂ જેવું કામ કરતા મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાની ભૂમિકા પણ ચૂંટણી પ્રચારમાં મહત્ત્વપૂર્ણ રહેવાની છે.

આશ્ચર્યજનક રીતે ભાજપે અલ્પેશ ઠાકોરને સ્ટાર પ્રચારક બનાવ્યા, પરંતુ હજુ હમણાં સુધી પ્રદેશ ભાજપ પ્રમુખ હતા, તેવા જીતુભાઈ વાઘાણીને પડતા મૂકાયા, એટલે કે, પ્રચાર કાર્યમાં નથી જોતરાયા, તેની ચર્ચા રાજકીય વર્તુળોમાં જોરશોરથી થઈ રહી છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીઓ પ્રદેશ ભાજપ પ્રમુખ પર પ્રચારની મુખ્ય જવાબદારી આવી પડી છે. બીજી તરફ કોંગ્રેસ પણ પેટા ચૂંટણીઓના પ્રચારનું માળખું ગોઠવી રહી છે. કેટલાક જિલ્લાઓમાં ઊભા થયેલા અસંતોષને ખાળવા અને ડેમેજ કંટ્રોલના પ્રયાસો પણ થઈ રહ્યાં છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલે કહ્યું કે, આ પેટા ચૂંટણી વર્ષ-ર૦રર ની વિધાનસભાની ચૂંટણીનું સેમિફાઈનલ છે. આ પેટા ચૂંટણીઓમાં ભાજપને ખેડૂત વિરોધી કાયદાઓના કારણે ખેડૂતોના આક્રોશની અનુભૂતિ કરાવશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સ્થાનિક મુદ્દાઓને લઈને ચૂંટણી લડી રહી છે. જો કે, આ તમામ આઠેય બેઠકો કોંગ્રેસ પાસે જ હતી, અને કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતા આ બેઠકો ખાલી પડી છે. આ કારણે કોંગ્રેસે તમામ બેઠકો જાળવવી પડે તેમ હોવાથી એક પડકાર છે, જ્યારે ભાજપને ગુમાવવાનું કાંઈ નથી, પરંતુ જો આઠમાંથી મોટાભાગની બેઠકો જો કોંગ્રેસ જીતી જાય, તો ભાજપને ભોંઠપ અનુભવવી પડે તેમ છે અને આઠ કોંગી ધારાસભ્યોના રાજીનામા અપાવીને તેની પેટા ચૂંટણી કરાવવા છતાં બહુ ફાયદો ન થાય તો કર્યુ કારવ્યું માથે પડે તેમ છે.

હવે ગુજરાતની જનતા એટલે કે આઠેય વિધાનસભા બેઠકોના મતદારોએ નિર્ણય લેવાનો છે કે, કઈ પાર્ટી અથવા ક્યા ઉમેદવારોને વિધાનસભાનું પ્રતિનિધિત્વ સોંપવું છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર શરૃ પણ કરી દીધા છે. અત્યારે ચૂંટણી પ્રચારની બદલાયેલી પદ્ધતિ, કોરોનાનો કહેર, પ્રચારકો પાસે મુદ્દાઓનો અભાવ અથવા પુરતા ટાઈમનો અભાવ અને આ બધાથી વધુ જનતાની ઉદાસિનતા જેવા પડકારો બન્ને પક્ષોની સામે છે. તે ઉપરાંત અસંતોષ, બબાલો, પક્ષાંતર જેવા અવરોધો પણ કસોટી કરી રહ્યાં છે, ત્યારે પેટા ચૂંટણીઓના પરિણામો કદાચ ચોંકાવનારા આવી શકે છે.