Jet Airways ફરી ઉડાન ભરશે, પાર્ક કરેલી ફ્લાઈટ ધમધમશે, રિવાઈવલ પ્લાનને મળી ગઈ મંજુરી

એપ્રિલ 2019થી બંધ રહેલી એરલાઇન જેટ એરવેઝ ફરી એક વાર ઉડાન ભરી શકે છે. ખરેખર, જેટ એરવેઝના લેંડર્સે રિવાઈવલ પ્લાનને મંજૂરી આપી છે. આ રિવાઈવલ પ્લાન લંડનની કાલરોક કેપિટલ અને યુએઈના રોકાણકાર મુરારી લાલ જાલાને આપી હતી. તમને જણાવી દઈએ કે, દોઢ વર્ષથી પાર્કિંગમાં પાર્ક કરેલી જેટ એરવેઝ પર 10 હજાર કરોડથી વધુનું દેવું છે.

હવે પછી શું થશે

કાલરોક કેપિટલ અને મુરારી લાલ જાલાનના કન્સોર્ટિયમની મંજૂરી બાદ હવે તેને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) સમક્ષ મૂકવામાં આવશે. આ યોજનાને એનસીએલટીની મંજૂરી મળતાં, એરલાઇન્સના અધિગ્રહણનો માર્ગ સાફ થઈ જશે. જેટ એરવેઝ પર ધિરાણ આપનારા ઋણદાતાઓએ જૂન 2019માં એનસીએલટીને નાદારી જાહેર કરવા માટે અરજી કરી હતી. ઇનસોલ્વન્સી પ્રક્રિયા પૂર્ણ કરવામાં લોકડાઉન સહિત અનેક સમસ્યાઓ આવી હતી. હવે તેને મંજૂરી મળી ગઈ છે.

મુરારી લાલ અને કાલરોક કેપિટલ

એમજે ડેવલપર્સના માલિક મુરારી લાલ જાલાન યુએઈના ઉદ્યોગપતિ છે. જ્યારે કાલરોક કેપિટલ લંડનમાં નાણાકીય સલાહકાર અને વૈકલ્પિક એસેટ મેનેજમેન્ટ વ્યવસાય કરે છે. કંપની મુખ્યત્વે સ્થાવર મિલકત અને સાહસ મૂડી સાથે સંકળાયેલી છે.

જેટ એરવેઝ એપ્રિલ 2019 થંભી ગઈ છે

ગયા વર્ષે એપ્રિલથી ખાનગી ક્ષેત્રની જેટ એરવેઝ બંધ છે. જ્યારે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે માર્ચ 2019માં અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું. અત્યારે આર્થિક ગેરરીતિને કારણે નરેશ ગોયલ કાનૂની પકડમાં છે. એરલાઇન્સનું બેંકો પર 10,000 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે, જે વ્યાજ સાથે વધતું રહ્યું છે. જાહેર ક્ષેત્રની બેંકોની આ બાકી રકમમાં નોંધપાત્ર હિસ્સો છે.