કચ્છના ભાદરા ગામ ૫ાસે વર્ષો જુનો પૂલ કડડડભૂસ, 28 વર્ષ પહેલાં બન્યો હતો પુલ

કચ્છ કોસ્ટલ હાઈવે પર આવેલાં ભાદરાથી આમરણ વચ્ચેના કેશીયા ગામના પાટીયા નજીકનો જર્જરીત પૂલ ગઈકાલે બપોરે અચાનક જ ધડાકા સાથે ધરાશાયી થયો હતો. અંદાજે 28 વર્ષ પહેલાં બનાવવામાં આવેલા આ પૂલની હાલત થોડા સમયથી જર્જરીત હતી.

પૂલની સાથે ત્રણ નાલા પણ તૂટી પડ્યા હતાં. સદ્દનશીબે કોઈ જાનહાની થઈ નથી. પૂલ ધરાશાયી થયો ત્યારે કોઈ વાહન પસાર થયું ન હતું પરંતુ તે પછી બન્ને બાજુથી વાહનો આવી જતાં ટ્રાફિકજામ જેવી પરિસ્થિત સર્જાઈ ગઈ હતી. દોડી આવેલા જાહેર બાંધકામના અધિકારીઓએ ભારે વાહનો માટે ઉપરોકત માર્ગ બંધ કરાવી દઈ ટ્રાફિકને ધ્રોલથી વાયા લતીપર,ટંકારાવાળો માર્ગ  ચાલુ કરાવ્યો હતો. જયારે નાના વાહનો માટે ગ્રામ્ય પંચાયતનો માર્ગ ચાલુ કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા છએક મહિનામાં પૂલ તૂટી પડવાનો આ માર્ગ પર જ ત્રીજો બનાવ બન્યો છે. આ અગાઉ પણ બે પુલ તૂટી પડ્યાના બનાવો નોંધાયા છે. વર્ષો જૂના પુલો મરમ્મત માંગી રહ્યા છે. તેમની ફિઝીબિલિટી ચેક કરીને પુલોને ફરીથી મજબૂતાઈ આપવામાં આવી તેવી માંગ પણ ઉઠી રહી છે. રાજ્ય સરકારે વર્ષો જૂના પુલોનો સરવે કરી ચકાસણી કરવાની રહે છે.