સરકારની ચોખવટ : ટ્રમ્પની ભારત મુલાકાતના સમયે ફરજિયાત કોવિડ-19 ટેસ્ટની જરૂર ન હતી

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 થી 25 ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે ફરજિયાત કોવિડ-19 પરીક્ષણ માટેની કોઈ આવશ્યકતા નહોતી. એમ સરકારે મંગળવારે કહ્યું હતું. વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ભારતમાં આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોની કોવિડ-19 માટે ફરજિયાત સ્ક્રિનીંગ 4 માર્ચથી લાગુ કરવામાં આવી હતી.

મંત્રીને પૂછવામાં આવ્યું હતું કે શું યુએસ રાષ્ટ્રપતિના સ્ટાફ અને પ્રતિનિધિ મંડળની મુલાકાત દરમિયાન કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું?  મુરલીધરને કહ્યું કે, 24-25 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત સમયે, વિદેશથી આવતા મુસાફરો માટે ફરજિયાત કોવિડ-19 ટેસ્ટની આવશ્યકતા નહોતી. તેમણે જણાવ્યું હતું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ 11 માર્ચે નોવેલ કોરોનાવાયરસને મહામારી જાહેર કરી હતી.

મુરલીધરને જણાવ્યું હતું કે, કોવિડ-19 માટે ભારતના 21 એરપોર્ટ પર આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોની ફરજિયાત યુનિવર્સલ સ્ક્રીનીંગની આવશ્યકતા ભારત સરકાર દ્વારા 4 માર્ચથી લાગુ કરવામાં આવી હતી. તેથી, રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન, આવી ઉચ્ચ-સ્તરીય મુલાકાતોને સંભાળવા માટેના ધોરણો અને પ્રોટોકોલોનું પાલન કરવામાં આવ્યું હતું.