ભારતીય સૈન્યથી ગભરાયા ચીની સૈનિકો, લદ્દાખમાં પોસ્ટિંગથી રડવા લાગ્યા, વીડિયો વાયરલ

લદ્દાખમાં કેટલાક મહિનાઓથી ભારત-ચીન સરહદ વિવાદના કારણે સ્થિતિ તંગ છે. બંને દેશોએ સેનાએ એલએસી પર મોટી સંખ્યામાં સૈન્ય તૈનાત કરી દીધી છે. ભારતીય સૈનિકો અંગે ચીની સૈનિકોમાં ભારે ગભરાટ છે. પાડોશી દેશના સૈનિકો એટલા ભયભીત છે કે તેમને લદ્દાખમાં પોસ્ટીંગની જાણ થતાં જ  તેમની આંખોમાં આંસુ આવી ગયા. પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)નો રડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીની સૈનિકોના રડવાનું કારણ લદ્દાખમાં તેમની પોસ્ટીંગ છે.

પાકિસ્તાની હાસ્ય કલાકાર ઝૈદ હમીદે 22 સપ્ટેમ્બરના રોજ ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં કેટલાક ચીની સૈનિકો બસમાં બેઠેલા જોવા મળે છે. તે બધા રડી રહ્યા છે, કારણ કે તેમની પોસ્ટીંગ લદ્દાખની સરહદે કરવામાં આવી છે. તાઇવાન ન્યૂઝના અહેવાલ મુજબ, બસમાં સવાર ચીની સૈનિકો પીએલએના ‘ગ્રીન ફ્લાવર્સ ઇન આર્મી’ ગીતને પણ બહુ મુશ્કેલીથી ગાઈ રહ્યા છે એટલે કે ગીત ગાવામાં પણ સક્ષમ નથી.

વીડિયોને પ્રથમ વખત વીચેટના ફુઆંગ સિટી વીકલીનાં પેજ પર અપલોડ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પછીથી તેને ડીલીટ કરવામાં આવ્યો હતો. અસલ ફૂટેજમાં યિંગ્ઝોઉ જિલ્લાના ફુઆંગ શહેરના દસ નવા સૈનિકો બતાવવામાં આવ્યા છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે તમામ નવી ભરતીઓ કથિત રીતે કોલેજના વિદ્યાર્થીઓમાંથી કરાઈ હતી અને તેમાંથી પાંચે તિબેટમાં સેવા આપવાનું સ્વેચ્છાએ પસંદ કર્યું હતું.

તાઇવાન ન્યૂઝના અહેવાલો અનુસાર, વીડિયો કથિત રૂપે ફુઆંગ રેલ્વે સ્ટેશન પર શૂટ કરવામાં આવ્યો હતો, જ્યારે સૈનિકો હુબેઇ પ્રાંતના સૈન્ય શિબિરમાં જવા માટે તૈયારી કરી રહ્યા હતા. ચીનના એક યુઝરે ટ્વિટર પર વીડિયો ફરીથી પોસ્ટ કર્યો છે.

ભારત-ચીનમાં મહિનાઓ સુધી તણાવ વચ્ચે સોમવારે બંને પક્ષોએ મુખ્ય કમાન્ડર-સ્તરની વાટાઘાટો કરી હતી. લગભગ 13 કલાક સુધી ચાલેલા આ સંવાદ બાદ સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. નિવેદન મુજબ, બંને દેશો એલએસીના આગળના વિસ્તારોમાં વધુ સૈન્ય તૈનાત ન કરવા સંમત થયા છે. આ સિવાય કોઈપણ ગેરસમજમાં ન આવવા અને તણાવને સ્થિર કરવા માટે પણ સંમત થયા છે.