એર ઈન્ડીયાના પ્લેનના કેરળના કોઝીકોડમાં થયા બે ટૂકડા, પાયલોટનું મોત, ફ્લાઈટમાં હતા 191 મુસાફરો

કેરળના કોઝીકોડ એરપોર્ટ પર શુક્રવારે સાંજે એક મોટી દુર્ઘટના થઇ હતી. દુબઇથી આવી રહેલુ એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ સમયે ફસડાઇ ગયું હતું. આ ફ્લાઇટમાં 191 મુસાફરો સવાર હતા.

દુર્ઘટનાની તસવીરો સામે આવી છે તે ડરામણી છે. કારણ કે આ તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે પ્લેનના બે ટુકડા થઇ ગયા છે. અત્યારે અમુક લોકોને હોસ્પિટલ લઇ જવામા આવ્યા છે. વરસાદના લીધે આ દુર્ઘટના બની હોવાની શક્યતા છે.

ડીજીસીએ અનુસાર એર ઈન્ડિયા એક્સપ્રેસ એએક્સબી 1344, બોઇંગ 737 ફ્લાઈટ દુબઇથી કોઝીકોડ આવી રહી હતી. તેમાં સવાર 191 લોકો સવાર હતા. ભારે વરસાદને કારણે રનવે પર ઉતર્યા પછી વિમાન લપસી પડ્યું અને ખીણમાં પડી ગયું. અને વિમાન બે ટુકડા થઈ ગયું. આ વિમાનમાં 191 મુસાફરોમાં 6 ક્રૂ સભ્યો હતા. જેમાં 10 બાળકો પણ સામેલ છે.

પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં પાયલોટનું મોત નીપજ્યું છે. જ્યારે અનેક લોકો ઘાયલ હોવાનું પણ જણાવાયું છે. એનડીઆરએફની એક ટીમ રાહત અને બચાવ કામગીરી માટે કોઝિકોડ જવા રવાના થઈ છે. એનડીઆરએફના 50 જવાનને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. મલ્લપુરમથી એનડીઆરએફની એક ટીમ મોકલવામાં આવી છે.

સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ રાજેશ રંજનએ કહ્યું કે અમારા જવાનો બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. હજી જાનહાની અંગે ચોક્કસ માહિતી મળી શકી  નથી પરંતુ અમારા કર્મચારીઓ વિમાનમાં સવાર મુસાફરોને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે.