બકરી ઈદને લઈ બહાર પાડવામાં આવ્યું જાહેરનામું, આટલા નિયમોનું કરવું પડશે પાલન

તા. ૦૧/૦૮/૨૦૨૦ ના રોજ મુસ્લિમ ધર્મનો તહેવાર “બકરી ઈદ” (ઇદ ઉલ અદહા) આવે છે. આ તહેવારની ઉજવણી પ્રસંગે અમુક પ્રકારના જાનવરની કુરબાની આપવામાં આવે છે જેથી જાહેર કે ખાનગી સ્થળે દેખાય તે રીતે કોઇપણ પશુની કતલ કરવાથી અન્ય ધર્મ/સમુદાયના લોકોની લાગણી દુભાવાના કારણે સુલેહ શાંતિ ભંગ થવાનો સંભવ રહે છે.

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટૅના તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. સરકારની ગાઇડલાઇન અનલૉક-1 મુજબ કોઈ પણ જાતના સામાજીક કે ધાર્મીક કાર્યક્રમો, સામાજિક મેળાવડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરત જીલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી મોટી મસ્જીદો, ઇદગાહોમાં બકરી ઇદના તહેવાર અન્વયે મોટા પ્રમાણમાં લોકો નમાજ માટે એકત્રિત થવાની કે ઝુલુસ યોજાવાની શક્યતા હોવાથી ધાર્મિક આગેવાનો, ટ્રસ્ટીઓ, સંચાલકો તથા મૌલવીઓને કોવિડ-૧૯ અંતર્ગત સરકાર દ્વારા કેટલાક જરૂરી પગલાં લેવા જણાવાયુ છે જે નીચે મુજબ છે.

(૧) કોઈપણ વ્યકિતએ કોઇપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં શેરીઓમાં કે મહોલ્લામાં વિગેરે જગ્યાએ જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહીં. તેમજ કોઈપણ પ્રાણીને શણગારીને ઍકલા અગર સરઘસ આકારે જાહેરમાં લઇ જવા કે ફેરવવા નહી.

(૨) બકરી ઇદ’ તહેવાર નિમિતે કુરબાની પછી જાનવરના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં
ફેંકવા નહીં.

(૩) તમામ વ્યકિતઓએ ફરજિયાત માસ્ક પહેરવાનું તથા સોશિયલ ડીસ્ટન્સ જાળવવાનું રહેશે.

(૪) જાહેર જગ્યામાં કોઇપણ વ્યકિતએ થુંકવું નહિ.

(૫) ભારત સરકાર તથા ગુજરાત સરકારના COVID-19 ને અટકાવવા માટેના વખતો-વખતના
હુકમોથી અપાયેલા આદેશો તથા માર્ગદર્શક સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.