ગુજરાત સરકારને હાઈકોર્ટનો જબરો ઝટકોઃ સ્કૂલ ફી માફીનો પરિપત્ર રદ્દ

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારનો શાળા સંચાલકો માટે કરેલો સ્કૂલ ફી માફીનો પરિપત્ર રદ કર્યો છે અને પરિપત્રના બાકીના મુદ્દા યથાવત રાખ્યા છે. શાળા સંચાલકોને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનો આદેશ પણ કર્યો છે. આ કારણે રાજ્ય સરકારને ઝટકો લાગ્યો છે. શિક્ષણમંત્રીએ સુપ્રિમ કોર્ટમાં અપીલ નહીં કરાવી જણાવી હાઈકોર્ટનો આદેશ માન્ય રાખ્યો છે.

આજે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ ખાનગી સ્કૂલની ફી મુદ્દે સુનાવણી હાથ ધરાઈ છે. જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્ કર્યો છે. પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટે યથાવત્ રાખ્યા છે. થોડા દિવસોમાં કોર્ટ વિતગાર હુકમ જાહેર કરશે.

ગુજરાત હાઈકોર્ટે સંચાલકોને ભણાવવાનું ચાલુ રાખવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે નોંધ્યું કે સરકારના હુકમમાં સંતુલન બનાવવા મુદ્દે નોંધ કરીશું. ફી બંધીના ઠરાવને ખાનગી શાળાઓએ પડકાર્યો હતો. સરકારનો ઠરાવ કાયદાથી વિપરીત હોવાની સંચાલકોની રજૂઆતના પગલે ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, લોકડાઉનના સમયમાં ઓનલાઈન શિક્ષણમાં સ્કૂલ સંચાલકો વાલીઓ પાસેથી ફી ઉઘરાવતા હતાં. તેના સામે રાજ્ય સરકારે ફી બંધીનો ઠરાવ કર્યો હતો. ત્યારપછી રાજ્ય સરકારના ફી બંધીના ઠરાવને ખાનગી શાળાઓએ પડકાર્યો હતો. સ્કૂલ સંચાલકોએ કોર્ટમાં જણાવાયું હતું કે સરકારનો ઠરાવ કાયદાથી વિપરીત છે. શાળા શરૃ ન થાય ત્યાં સુધી ફી ન વસૂલવા સરકારે ઠરાવ કર્યો હતો. તેના સામે ખાનગી શાળાઓના સંચાલકો હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

પક્ષકારના વકીલ રાહીલ જૈને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વાસ્તવિક શાળા શરૃ ના થાય ત્યાં સુધી ફી વસુલવી નહીં એવો ઠરાવ બહાર પાડી શકે નહીં. આ ઠરાવ કાયદાથી વિપરીત હોવાની શાળા સંચાલકોની રજુઆત હતી. હાઈકોર્ટ શાળા સંચાલકોને કહ્યું કે ભણવાનુું ચાલુ રાખો, અમે સંતુલન બનાવવા મુદ્દે હુકમમાં નોંધ કરીશું. વાલીઓની સમસ્યા, શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન જરૃરી છે. હાઈકોર્ટે સંચાલકો સાથે સંવાદ કર્યો પણ શાળા સંચાલકો કોઈ જાતના નેગોસિએશન માટે તૈયાર નહોતા.

હાઈકોર્ટે કહ્યું હતું કે વાટાઘાટો રિઝનેબલ હોવી જોઈએ. શાળા સંચાલકો પણ એમનો કેસ લઈને અમારી સામે જ છે. અમે જરૃરી નિર્દેશ આપીશું. ફી મુદ્દે રાજ્ય સરકારનો પરિપત્ર હાઈકોર્ટે રદ કર્યો છે. પરિપત્રના બાકી મુદ્દાઓ કોર્ટ યથાવત રાખશે. વિગતવાર હુકમ થોડા દિવસોમાં કોર્ટ જારી કરશે.

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે રાજ્ય સરકાર હાઈકોર્ટના આદેશનું પાલન કરશે. રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટમાં જશે નહીં.

કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું છે કે જો વાલીઓનું હિત સરકાર જાળવવા માંગતી હોય તો હાઈકોર્ટના આદેશ સામે સુપ્રિમ કોર્ટમાં જાય.

આ આદેશ આવતા વાલીઓ નિરાશ થયા છે અને રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટમાં જવું જોઈએ, તેવી માંગણી ઉઠી રહી છે. આ અંગે એવા પ્રતિભાવો પણ આવ્યા છે કે શાળા સંચાલકોને ફી લેવાની જ નહીં, તેની સામે હાઈકોર્ટે આદેશ આપ્યો છે. ફીમાં રાહત કે ઘટાડા અંગે હાઈકોર્ટના વિગતવાર આદેશ પછી જ જાણી શકાશે.