કોરોના વેકસીનની ટ્રાયલને લઈ આરોગ્ય મંત્રાલયનો મોટો ખૂલાસો, જાણો શું કહ્યું?

હાલમાં કોરોના વેકસીન અંગે એવો દાવો કરવામાં આવ્યો હતો કે દેશમાં 7 જુલાઇએ કોરોના વેક્સીનની ટ્રાયલ શરૂ થઇ જશે અને 15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની વેક્સીન લોન્ચ કરી દેવામાં આવશે. આ દાવા વચ્ચે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે કોરોના વેક્સીનની ટ્રાયલ હજુ શરૂ કરવામાં નથી આવી. જો કે આરોગ્ય મંત્રાલયે સાથે જ એવું જણાવ્યું હતું કે વેક્સીનની ટ્રાયલ ક્યાં થવાની છે તે સાઇટ્સની પસંદગી કરી લેવામાં આવી છે અને ટૂંકમાં જ તેની ટ્રાયલ શરૂ કરી દેવાશે.

આરોગ્ય મંત્રાલયના ઓએસડી રાજેશ ભૂષણે કહ્યું હતું કે હાલના સમયે સમગ્ર વિશ્વમાં 100થી વધુ વેક્સીન કેન્ડિડેટ્સ છે, જે ટ્રાયલના અલગઅલગ સ્ટેજ પર છે. ભારત માટે સંતોષની વાત એ છે કે બે એવા વેક્સીન કેન્ડીડેટ્સ છે જે સંપૂર્ણ સ્વદેશી છે. તેમાંથી એક ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમીટેડની વેક્સીન છે અને બીજી મેસર્સ કેડિલા હેલ્થકેરની છે. ભારત બાયોટેક આઇસીએમઆર સાથે મળીને વેક્સીન વિકસાવી રહ્યું છે.

રાજેશ ભૂષણે વધુમા કહ્યું હતું કે આ બંને વેક્સીનની એનિમલ ટોક્સિસિટીઝ સ્ટડીઝ પુરી કરી લેવાઇ છે, આ સ્ટડી ઉંદર ગિની પીગ અને સસલા પર કરવામાં આવે છે. આ બંને સ્ટડીઝનો ડેટા ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઇ)ની સાથે શેર કરી લેવાયો છે. તે પછી જ બંને વેક્સીનને ફેઝ વનના ક્લિનીકલ ટ્રાયલની મંજૂરી આપવામાં આવી હતી. ફેઝ-1 અને ફેઝ-2ના ટ્રાયલ ક્યાં કરવામાં આવશે તે નક્કી કરી લેવાયું છે. પણ ટ્રાયલ હજુ શરૂ થઇ નથી.