ગુજરાતના આ મંત્રી આવ્યા કોરોનાની ઝપટમાં, ત્રણ દિવસ પહેલાં CM સાથે કરી હતી મીટીંગ

ગુજરાતમાં કોરોનાનાં કેસ બેકાબૂ બની રહ્યા છે. કોરોનાની ઝપટમાં હવે પછી નેતાઓ પણ આવ્યા છે. ગુજરાતના કોરોના પોઝિટિવ પાર્ટીઓની યાદીમાં હવે રાજ્યના વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણ પાટકરનું નામ પણ ઉમેરાયું છે. મંગળવારે તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હાલ તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, અમારા એક મંત્રી રમણ પાટકરને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેઓને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બધાં ધારાસભ્યો અવારનવાર બધાં લોકોને મળવા જતાં હોય છે. તેથી તેઓને સંક્રમણ થાય છે.

રમણ પાટકરે ત્રણ દિવસ પહેલાં મુખ્યમંત્રી રૂપાણી સાથેની મીટીંગમાં ભાગ લીધો હતો. મીટીંગમાં હાજર રહેલા તમામની ચકાસણી કરવામાં આવી રહી છે.

સોમવારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ-ભાભરના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને સુરતમાં કામરેજના ભાજપના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ઠાકોરને ગાંધીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ઝાલાવડિયા ઘરે સારવાર આપવામાં આવી રહી છે.

આ અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા, ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ, ભાજપના ધારાસભ્ય કિશોર ચૌહાણ, ભાજપના નેતા બલરામ થવાણી, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી સિવાય તમામ નેતાઓ સાજા થઈ ગયા છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની સારવાર ચાલી રહી છે, ત્યારે તેમની તબિયતમાં હાલ સુધારો જોવા મળી રહ્યો નથી.