ખળભળાટ: કોરોના પછી ચીનમાંથી જ મળ્યો મહામારી ફેલાવતો નવો વાયરસ

કોરોના સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે ત્યારે ચીનથી ચિંતા ઉપજાવે તેવા સમાચાર સામે આવ્યા છે. સંશોધનકારોને ચીનમાં એક નવો સ્વાઈન ફ્લૂ મળ્યો છે. જે કોરોનાની મહામારીમાં મુસીબત વધારી શકે છે. આ સ્ટડી અમેરિકી સાયન્સ જર્નલ ‘પીએનએએસ’માં પ્રકાશિત થયેલ છે. બહાર આવેલી નવી સ્વાઈનફલૂ બીમારી 2009માં સમગ્ર વિશ્વમાં ફેલાયેલ H1N1 સ્વાઈન ફ્લૂનું જ આનુવાંશિક વંશ જ છે, એટલે કે જેનેટિકલ ડિસેન્ડન્ટ પર તે વધુ ખતરનાક છે. ચીનની અનેક યુનિ. અને ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સનના  વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે નવું સ્વરૃપ એટલું તાકતવર છે કે તે માણસોને તરત બીમાર પાડી શકે છે. નવા સ્વાઈન ફ્લૂનું સંક્રમણ જો કોરોના મહામારી દરમિયાન ફેલાશે તો ઘણી મોટી સમસ્યા ઊભી થઈ જશે.

ચીની વૈજ્ઞાનિકોએ ફ્લૂની એક એવી નસલની ભાળ મેળવી છે જે કોરોના વાયરસની જેમ મહામારીનું રૃપ ધારણ કરી શકે છે. આ વાયરસ G4EA-H1N1 અંગે હમણાં જ ખબર પડી છે અને તે સુવરની અંદર મળી આવ્યો છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ વાયરસ માણસોને પણ સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે. રિસર્ચરોને ભય છે કે આ વાયરસ મ્યુટેટ થઈને સહેલાઈથી એક માણસમાંથી બીજા માણસમાં ફેલાઈ શકે છે.

આખી દુનિયામાં આ મહામારીનું જોખમ ઊભું થઈ શકે છે. ચીની વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ ફ્લૂ વાયરસએ બધા લક્ષણો છે જે માનવોને સંક્રમિત કરી શકે છે. આ વાયરસ ઉપર ધ્યાન રાખવાની જરૃર છે. તેમણે કહ્યું કે આ વાયરસ નવો હોવાથી લોકોમાં કાં તો બહુ ઓછી રોગ પ્રતિકારક શક્તિ હશે અથવા હશે જ નહીં.