મહંમદ હાફિઝે જાતે કોરોના ટેસ્ટ કરાવતા નારાજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું આવું

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ એક દિવસ પહેલા જાહેરાત કરી હતી કે માજી કેપ્ટન મહંમદ હાફિઝને કોવિડ-19 પોઝિટિવ આવ્યો હતો પણ એક દિવસ પછી જ હવે તેનો રિપોર્ટ નેગેટિવ આવતા તેની ઇંગ્લેન્ડ પ્રવાસે જવાની સંભાવના છે. જો કે હાફિઝને ટેસ્ટ નેગેટિવ આવતા લોકોએ પીસીબી પર પસ્તાળ પાડી હતી અને તેના કારણે પીસીબીએ નારાજ થઇને હાફિઝને સલાહ આપવા માંડી હતી. જો એમ કરાયું હોત તો પીસીબીએ સમસ્યાનો સામનો કરવાનો ન આવ્યો હોત.

એ ઉલ્લેખનીય છે કે પીસીબીએ ટેસ્ટ કરાવ્યા પછી મહંમદ હાફિઝે પોતાના સંતોષ ખાતર પોતાનો અને પરિવારનો બીજો ટેસ્ટ કરાવ્યો હતો અને તે નેગેટિવ આવ્યો હતો. તેનો એ ટેસ્ટ નેગેટિવ આવતા ક્રિકેટ ચાહકોએ પીસીબીને આડે હાથ લેતા પીસીબી નારાજ થયું હતું. પીસીબીના સીઇઓ વસીમ ખાને એવું કહ્યું હતું કે હાફિઝે બીજો ટેસ્ટ જાતે કરાવતા પહેલા પીસીબીને આ મામલે માહિતગાર કરવાની જરૂર હતી. તેમણે કહ્યું હતું કે તેને એ ટેસ્ટ જાતે કરાવવવાનો અધિકાર છે પણ તેણે બોર્ડને વિશ્વાસમાં લેવાની જરૂર હતી.

હાફિઝનો ટેસ્ટ નેગેટિવ આવતાની સાથે જ લોકોએ પીસીબી દ્વારા ખોટી રીતે ટેસ્ટિંગ કરાયાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તો કેટલાકે આગળ વધીને પીસીબી પર જ આરોપ મુક્યો હતો કે બોર્ડ દ્વારા તેને પ્લેઇંગ ઇલેવનમાં ન સમાવવો પડે તેના માટે કાવતરું ઘડવામાં આવ્ચું હતું.  પીસીબીએ ઇંગ્લેન્ડ પ્રવાસે જતા પહેલા ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરાવ્યા પછી જે 10 ખેલાડીઓ પોઝિટિવ મળ્યા હતા તેમાં હાફિઝ અને વહાબ રિયાઝનો સમાવેશ થતો હતો.

એ ઉલ્લેખનીય છે કે હાફિઝે બુધવારે ટ્વિટર પર સ્પષ્ટતા કરી હતી કે તેનો અને તેના પરિવારના સભ્ચોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેણે પોતાની વાતના પુરાવા તરીકે મેડિકલ રિપોર્ટ પણ પોસ્ટ કર્યો હતો. તેણે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે પીસીબી દ્વારા કરાવાયેલા કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી સેકન્ડ ઓપિનિયન તરીકે અને પોતાના સંતોષ માટે હું મારો અને પરિવારના સભ્યોનો ટેસ્ટ કરાવવા માટે ગયો, જ્યાં અમારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અલ્લાહ અમને બધાને સુરક્ષિત રાખે.

પીસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી વસીમ ખાનના જણાવ્યા અનુસાર જે અન્ય 8 ખેલાડીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે તેમા ફખર ઝમાં, ઇમરાન ખાન, કાસિફ ભાટી, મહંમદ હસનૈન, મહંમદ રિઝવાન, શાદાબ ખાન, હૈદર અલી અને હારિસ રઉફનો સમાવેશ થાય છે. પીસીબીએ આ પહેલા કહ્યું હતું કે જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમનામાં ટેસ્ટ પહેલા કોઇ લક્ષણ જોવા મળ્યા નહોતા. બોર્ડ દ્વારા એક નિવેદનમાં કહેવાયું હતું કે બોર્ડની મેડિકલ પેનલ આ ખેલાડીઓ અને તેમના મસાજરના સંપર્કમાં છે, જેમને પોતપોતાના ઘરમાં આઇસોલેશનમાં રહેવા કહેવાયું છે.