ગુજરાતી નાટ્ય જગતને મોટી ખોટી, “મહારથી” નાટકના લેખકનું અમેરિકામાં નિધન

ગુજરાતી નાટકોના મહારથી લેખક ઉત્તમ ગડાનું 71મા વર્ષે અમેરિકા ખાતે નિધન થયું છે. ઉત્તમ ગડાના અવસાનને કારણે નાટ્યજગતમાં શોકની લાગણી ફેલાઈ છે. ઉત્તમ ગડાનું સૌથી વધુ સમય ચાલેલું અને ગાજેલું નાટક એટલે પરેશ રાવલ અભિનીત મહારથી. આ નાટક અનેક ભાષામાં અને દેશોમાં ભજવાયું છે. તેમણે નાટકો ઉપરાંત હિન્દી ફિલ્મોની કથા-પટકથા પણ લખી છે. તેમની જાણીતી ફિલ્મોમાં ખિલાડી-420, યૂં હોતા તો ક્યા હોતા મુખ્ય છે. ખિલાડી-420 માટે તેમને સ્ક્રીન અવૉર્ડ માટે નોમિનેશન પણ મળ્યું હતું.

ઉત્તમ ગડાએ રાફડા, મહારથી, રેશમી તેજાબ, હું રિમા બક્ષી, સથવારો, શિરચ્છેદ, દીકરી વહાલનો દરિયો, જશરેખા, સુનામી જેવા વીસથી વધુ ફુલ લેન્થ સુપર હિટ નાટકો આપ્યા હતા. ઉપરાંત તેમણે ટાઇમ બૉમ્બ 9/11 નામની સિરિયલ પણ લખી હતી.

થોડા સમય અગાઉ આપેલા એક ઇન્ટરવ્યુમાં ઉત્તમ ગડાએ ગુજરાતી નાટ્ય જગત વિશે કહ્યું હતું કે અગાઉ ગુજરાતીના મોટાભાગના નાટકો અંગ્રેજી કે મરાઠી નાટકોના અડોપ્ટેશન રહેતા. પરંતુ હવે ગુજરાતીમાં મૌલિક નાટકો લખાઈ રહ્યા છે જે ઘણી સારી બાબત કહેવાય.