વિન ડીઝલનાં મોતના ન્યૂઝની હકીકત જાણો, સોશિયલ મીડિયામાં ઉડેલી ખબર ખરેખર સાચી છે કે ખોટી?

હોલિવૂડ એક્શન હીરો અને ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ ફૅમ વિન ડીઝલના નિધનની અફવા છેલ્લાં બે-ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. જોકે, આ વાત માત્ર અફવા છે. વિન ડીઝલ જીવિત છે અને તેને કંઈ જ થયું નથી. એક ફેસબુક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે કાર સ્ટન્ટ દરમિયાન એક્ટરનું નિધન થયું છે.

ફેસબુકની એક ફૅક ન્યૂઝ પોસ્ટમાં CNNનો લોગો મૂકવામાં આવ્યો હતો. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું, ‘બ્રેકિંગ ન્યૂઝ, વિન ડીઝલના નિધન બાદ હોલિવૂડ રડી રહ્યું છે. વિન ડીઝલનું ઘરના પાછળના હિસ્સામાં કાર સ્ટન્ટની પ્રેક્ટિસ દરમિયાન નિધન થયું છે.’

આ વીડિયોની શરૂઆતમાં એન્કર રોબિન રોબર્ટ્સ જોવા મળે છે. આ એન્કર ABC ચેનલમાં ‘ગુડ મોર્નિંગ અમેરિકા’ નામનો પ્રોગ્રામ હોસ્ટ કરે છે. આ એન્કર CNNમાં કામ કરતો નથી. એન્કર કહે છે કે ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ના એક્ટરના નિધન અંગેની માહિતી. આ વીડિયો અહીંથી કટ કરીને એડિટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જે ક્લિપ શૅર કરવામાં આવી છે, તે વાસ્તવમાં વિન ડીઝલના કો-સ્ટાર પૉલ વોકરનો અકસ્માત થયો, તે સમયની છે. ઉલ્લેખનીય છે કે પૉલ વોકરનું નિધન રોડ અકસ્માતમાં ડિસેમ્બર, 2013માં થયું હતું. વોકર અને ડીઝલ ખાસ મિત્રો હતાં અને કો-સ્ટાર પણ હતાં. સોશિયલ મીડિયા યુઝર્સે પૉલ વોકરની અકસ્માતની ક્લિપને એડિટ કરી હતી. આ એડિટ કરેલી ક્લિપને વિન ડીઝલના મોત સાથે સાંકળીને અફવા ઉડાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં વર્ષ 2019માં વિલ સ્મિથ તથા તેના દીકરાનું કાર અકસ્માતમાં નિધન થયું હોવાની અફવા ઉડાવવામાં આવી હતી.

વિન ડીઝલે છેલ્લે ફેબ્રુઆરીમાં ટ્વિટર પર ટ્વીટ કરી હતી. ત્યારબાદ માર્ચમાં ફેસબુકમાં પોસ્ટ શૅર કરી હતી. વાત ઈન્સ્ટાગ્રામની કરવામાં આવે તો વિને છેલ્લે 23 મેના રોજ પોસ્ટ શૅર કરી હતી. ત્યારબાદથી તેણે કોઈ પોસ્ટ શૅર કરી નથી. જોકે, વિન ડીઝલ જીવિત છે અને તેને કંઈ જ થયું નથી.