મોદી 2.0નું એક વર્ષ : વડાપ્રધાને કોરોના જંગમાં દેશની એકજૂથતા અને દૃઢતાને કરી સલામ

એકતરફ દેશ આજે કોરોના સામે પોતાની લાંબી લડાઇ લડી રહ્યો છે તેવા સમયે 29 મેના રોજ મોદી સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ પુર્ણ થઇ ગયું છે. પોતાની સરકારના બીજા કાર્યકાળમાં પીએમ મોદીએ દેશવાસીઓને એક પત્ર લખીને કોરોના સામેની લડાઇમાં એકજૂથતા અને દૃઢ નિશ્ચય બતાવવા બદલ પ્રશંસા કરી છે. પીએમ મોદીએ આ પત્રમાં લખ્યું છે કે અત્યંત કષ્ઠ ઉઠાવવા છતાં દેશવાસીઓના મહાન પ્રયાસોથી એ સુનિશ્ચિત થયું છે કે અસુવિધા પાયમાલીમાં ન ફેરવાઇ જાય.

પીએમ મોદીએ પોતાના આ પત્રમાં દેશવાસીઓને લખ્યું છે કે ‘તમે સાબિત કર્યું છે કે ભારતીયોની સામૂહિક શક્તિ અને તાકાત વિશ્વના અન્ય શક્તિશાળી અને સમૃદ્ધ દેશો કરતાં ઘણી આગળ છે. આટલા મોટા સંકટ સમયમાં એવો બિલકુલ દાવો કરી શકાય નહીં કે કોઈને અસુવિધા કે પરેશાની ના થઇ હોય. નાના ઉદ્યોગોમાં કામ કરતા આપણા કામદારો, પ્રવાસી મજૂરો, મિસ્ત્રી અને કામદારોની સાથે જ હૉકર્સ અને અન્ય દેશવાસીઓને અસાધારણ વેદના સહન કરવી પડી છે. ‘

પીએમ મોદીએ પોતાના આ પત્રમાં પોતાની સરકારની કામગીરીની વિસ્તૃત માહિતી પણ આપી છે. તેમણે કહ્યું, ‘રાષ્ટ્રીય હિતમાં લેવામાં આવેલા ઐતિહાસિક પગલાં અને નિર્ણયો વિશે આ પત્રમાં માહિતી આપીશ તો તે ઘણો લંબાશે. પરંતુ હું એ ચોક્કસ કહી શકું છું કે આ વર્ષના દરેક દિવસે મારી સરકારે ચોવીસ કલાક પૂરી તાકાત અને જોશની સાથે નિર્ણયો લઇને તેને લાગૂ કર્યા છે.

તેમણે સર્જિકલ અને એર સ્ટ્રાઇક જેવી પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે સુપ્રીમ કોર્ટના રામ મંદિર અને નાગરિકતા સંશોધન કાયદાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું કે રામ મંદિર અંગેના સર્વાનુમતે ચુકાદાને લીધે સદીઓથી ચાલી રહેલી ચર્ચાનું સૌહાર્દપૂર્ણ સમાપન થયું છે. ટ્રિપલ તલાકને બર્બર પ્રથા ગણાવી પીએમે એમ પણ કહ્યું હતું કે ગયા વર્ષે તે ગેરકાયદેસર હતું. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ ની જોગવાઈઓને હટાવા અંગે પત્રમાં કહ્યું કે “આનાથી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવના મજબૂત થઈ છે”.

પીએમ મોદીએ પત્રમાં કહ્યું કે લોકોએ તેમને સતત બીજી વાર એટલા માટે તક આપી કે જનતા પ્રથમ દાવમાં કરવામાં આવેલા કામોને મજબૂતીનો આધાર આપવા માંગતી હતી. પીએમએ લખ્યું કે, ‘2014 અને 2019 ની વચ્ચે ભારતમાં ઝડપથી વિકાસ થયો છે. ગરીબોના ઉત્થાનનું કામ કરવામાં આવ્યું છે. દેશે આર્થિક સમાવેશના રૂપમાં મફત ગેસ, વીજળી જોડાણ, સંપૂર્ણ સ્વચ્છતા ઉપરાંત દરેકને ઘર પૂરું પાડવાની દિશામાં કામ થયું છે.

કોરોના વિરુદ્ધ ભારતનાં જંગનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને કહ્યું કે એકબાજુ જ્યાં મોટા આર્થિક સંસાધનો અને કાર્યક્ષમ હેલ્થકેર સિસ્ટમવાળી તાકાતો હતી, તો બીજી તરફ આપણા દેશમાં મોટી વસતી અને મર્યાદિત સંસાધનની મુશ્કેલીઓ હતી. ઘણા બધા લોકોને ડર હતો કે એકવકત કોરોનાની ઝપટમાં આવ્યા બાદ ભારત દુનિયા માટે સમસ્યા બની જશે. પરંતુ તમે દુનિયાની આ વિચારસરણીને બદલી નાંખી.

પીએમ મોદીએ કહ્યું, ‘આપણે એ વાતનું ધ્યાન રાખવું પડશે જે અસુવિધા આપણે ઝીલી રહ્યા છીએ, તે કોઈ આપત્તિમાં ન ફેરવાય. તેથી દરેક ભારતીય માટે નિયમો અને માર્ગદર્શિકાનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશ એ અત્યાર સુધી ધૈર્ય બતાવ્યું છે અને તેને આગળ પણ જાળવી રાખવું જોઈએ. આ સૌથી મોટું કારણ છે કે ભારત આજે બીજા ઘણા દેશો કરતા વધુ સુરક્ષિત છે. તે એક લાંબી લડાઇ છે પરંતુ આપણે વિજયના માર્ગ પર આગળ વધવાનું શરૂ કર્યું છે અને આ વિજય આપણા સામૂહિક પ્રયાસોથી પ્રાપ્ત થશે.