ઓલિમ્પિક્સ એસોસિએશનના અધ્યક્ષ નરિન્દર બત્રાના પિતા અને ઘર-ઓફિસ સ્ટાફ સહિત 7 કોરોના પોઝિટિવ

ભારતીય ઓલિમ્પિક્સ એસોસિએશનના અધ્યક્ષ નરિન્દર બત્રા માટે એક ખરાબ સમાચાર આવ્યા છે કે કોરોનાવાયરસનો રોગચાળો તેમના ઘર સુધી પહોંચી ગયો છે. નરિન્દર બત્રાના પિતા ઉપરાંત તેમના ઘર અને ઓફિસના મળીને કુલ 7 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પિતાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી નરિન્દર બત્રાએ પોતાને 17 દિવસ માટે ક્વોરેન્ટી કરી લીધા છે.

આઇઓએ અધ્યક્ષ દ્વારા એક નિવેદનમાં માહિતી આપવામાં આવી હતી કે તે આગામી 17 દિવસ સુધી પોતાના ઘરમાં આઇસોલેશનમાં રહેશે. તેમણે કહ્યું હતું કે મારા પિતાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અમે તેમને બત્રા હોસ્પિટલના કોરોના સ્પેશિયલ વોર્ડમાં 25 મેના રોજ દાખલ કરાવ્યા છે.

બત્રાએ વધુમાં કહ્યું હતું કે પરિવારના પાંચ સભ્યો છે અને બધા સાથે જ રહે છે. સાથે જ ઘરે કામ કરનારા 13 જણાનો સ્ટાફ અમારા ઘરે સ્ટાફ ક્વાર્ટર્સમાં જ રહે છે. અમે તમામનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે.જેમાંથી પાંચ અન્યનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બત્રાના પિતાને હાલમાં જ તેમના માટે નિમાયેલી નર્સ દ્વારા ચેપ લાગ્યો હોવાનું માનવામાં આવે છે.