કોરોના લાવ્યું અમેરિકનો માટે મોટી પનોતી : 4 કરોડથી વધુએ નોકરી ગુમાવી

કોરોનાવાયરસે વિશ્વભરમાં માત્ર લોકોના જીવ જ નથી લીધા પણ તેણે ઘણાં લોકોને બેકાર પણ બનાવ્યા છે અને સાથે જ તેણે ઘણાં લોકોને એવી હાલતમાં પહોંચાડી દીધા છે કે જેમાંથી બહાર આવતા તેમને વર્ષો લાગી શકે છે. કોરોનાવાયરસને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે અર્થતંત્રને એવો લુણો લાગ્યો છે કે જેના કારણે વિશ્વભરમાં નોકરીદાતાઓ પોતાના સ્ટાફમાં કપાત કરી રહ્યા છે અને તેના કારણે કરોડો લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.

અમેરિકામાં ધંધા વેપાર ધીમે ધીમે ફરી શરૂ થઇ રહ્યા હોવા છતાં ગયા સપ્તાહે અંદાજે ૨૧ લાખ લોકોએ બેકારી ભથ્થાઓ માટે અરજી કરી હતી આ સાથે જ અમેરિકામાં કોરોનાવાયરસ કટોકટીના કારણે શટડાઉનના કારણે મધ્ય માર્ચથી અત્યાર સુધીમાં ૪ કરોડ દસ લાખ લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે એમ સરકારે આજે જણાવ્યું હતું.

આ આંકડાઓ વાયરસના આ રોગચાળાને કારણે અમેરિકામાં ધંધાઓ અને રોજગારીને કેવું નુકસાન થયું છે તેનો અંદાજ આપે છે. કોવિડ-૧૯ના રોગચાળાને કારણે અમેરિકામાં અત્યાર સુધીમાં એક લાખ જેટલા લોકોના મોત થયા છે અને આ આંકડો વિયેટનામ અને કોરિયન યુદ્ધોમાં જેટલા અમેરિકનો મરી ગયા તેના સંયુક્ત આંકડા કરતા પણ મોટો છે અને અમેરિકા પર થયેલા ૯/૧૧ના ત્રાસવાદી હુમલામાં મા્ર્યા ગયેલા લોકોના આંકડા કરતા ૩૩ ગણો મોટો આંકડો છે.

અમેરિકામાં એપ્રિલમાં બેરોજગારીનો આંકડો ૧૪.૭ ટકા હતો અને તે મહામંદી પછીનો સૌથી ઉંચો આંકડો છે. અને ઘણા અર્થશાસ્ત્રીઓ કહે છે કે મે મહિનામાં આ આંકડો ૨૦ ટકા પર પહોંચી શકે છે. અમેરિકામાં જો કે ધંધા વેપાર ફરી શરૂ થઇ રહ્યા છે અને બેકારી ભથ્થાઓ માટે અરજી કરનારાઓનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ તેમ છતાં હજી ઘણી પેઢીઓ પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે અને અર્થશાસ્ત્રીઓ કહે છે કે અમેરિકામાં ૨૦૨૧માં પણ બેકારીનો આંકડો બે આંકડામાં પ્રવર્તતો રહી શકે છે.