ભારત કે હિન્દુસ્તાન: દેશને ઈન્ડીયા તરીકે સંબોધિત નહીં કરવા સુપ્રીમમાં અરજી

સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે જેમાં માંગ કરવામાં આવી છે કે દેશને ઈન્ડીયા નહીં પરંતુ ભારત કે હિન્દુસ્તાનનાં નામે સંબોધિત કરવામાં આવે. આ માટે સરકારને બંધારણમાં સુધારો કરવા નિર્દેશ આપવો જોઇએ. સુપ્રીમ કોર્ટે આ અરજી સ્વીકારી લીધી છે અને હવે આ અંગે બીજી જૂને સુનાવણી થશે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત અથવા હિન્દુસ્તાન શબ્દો આપણી રાષ્ટ્રીયતા પ્રત્યે ગૌરવની ભાવના પેદા કરે છે.

શુક્રવારે આ અરજીની સુનાવણી ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ થવાની હતી, પરંતુ તેને આજે હાથ ધરવામાં આવી ન હતી. સર્વોચ્ચ અદાલત વેબસાઇટ પર અપલોડ કરેલી નોટિસ અનુસાર હવે આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ બીજી જૂને કરવામાં આવશે.

અરજીમાં સરકારને વિનંતી કરવામાં આવી છે કે દેશને ભારત અથવા હિન્દુસ્તાન ગણાવીને ઈન્ડીયા ભ શબ્દને દૂર કરીને બંધારણની કલમ માં સુધારો કરવા યોગ્ય પગલાં લેવામાં આવે. આ આર્ટીકલ પ્રજાસત્તાકના નામ સાથે સંબોધિત છે. આ અરજી દિલ્હીના રહેવાસી દ્વારા કરવામાં આવી છે અને દાવો કરવામાં આવ્યો છે કે આ સુધારાથી આ દેશના નાગરિકોને વસાહતી ભૂતકાળમાંથી મુક્તિ મળશે.

અરજીમાં 1948માં બંધારણ સભામાં બંધારણના તત્કાલીન મુસદ્દાની કલમ-1 પરની ચર્ચાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે તે સમયે દેશનું નામ ભારત કે હિન્દુસ્તાન રાખવાનીં ભરપુર હિમાયત કરવામાં આવી હતી. પીટીશન પ્રમાણે જોકે અંગ્રેજી નામ બદલવું તે પ્રતીકાત્મક હોઈ શકે, પરંતુ તેને ભારત શબ્દથી બદલીને આપણા પૂર્વજોના સ્વાતંત્ર્ય સંગ્રામને યોગ્ય ઠેરવશે. પીટીશનમાં કહેવામાં આવ્યું છે કે ભારતને તેનું મૂળ અને અધિકૃત નામ દેશ જાણે તે સમય આવી ગયો છે.