સુરત શહેરના 1476 અને જિલ્લાના 100 મળીને કુલ 1576 કેસ નોંધાયા, 146 પાનનાં ગલ્લા-151 સલૂન બંધ કરાયા

સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ આજ 29મી મેના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોના વાયરસને કાબુ કરવામાં સુરત શહેરનો રિકવરી રેટ 68.6 ટકા થયો છે. આજે 28 વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ 1013 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા 1433 હતી, જેમાં 43 કેસોનો વધારો થવાથી આજે કુલ 1476 કેસો થયા છે. કુલ 66 દર્દીના મૃત્યુ નોંધાયા છે. 4.5 ટકા મૃત્યુ દર છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના લિંબાયત ઝોનમાંથી આજે કુલ 11 કેસો મળી આવ્યા છે.

મ્યુ. કમિશનરે વધુમાં જણાવ્યું કે, 29,823 લોકોને આજે હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. માસ્કને પહેર્યા પછી તેને જ્યાં ત્યાં ન ફેંકવામાં આવે અને માસ્કના આગળના ભાગને અડકવુ નહીં. જે દુકાનો નિયમોનું પાલન ન કરતી હતી તેમાં 146 પાનના ગલ્લા અને 151 સલુનને આજ રોજ બંધ કરાવવામાં આવ્યા હતા. શહેરના 83 કલ્સટર થાય છે, જેમાથી 23 સેન્ટ્રલ ઝોનના છે. કોઈ પણ સોસાયટી કે એપાર્ટમેન્ટમાંથી કેસો મળશે તો તેને 28 દિવસ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવશે.

આજની સ્થિતિએ 7511 લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં 584 લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં 58 લોકો છે. 1712 જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે. સ્લમ વિસ્તારોમાં કુલ 40 ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે. મોબાઈલ ફિવર ક્લિનીકમાં સૌથી વધુ લોકો નિદાન અને આરોગ્ય તપાસ માટે જતાં હોવાથી તેની સંખ્યા વધારવામાં આવશે. 60 જેટલી રિક્ષા દ્વારા કોવિડ અંગે જાગૃત્તિ લાવવામાં આવી રહી છે.

તેમણે શહેરીજનોને લોકડાઉનનું પાલન કરવાં તેમજ જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા, માસ્ક અચૂક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું સતર્કતાપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.

નોંધનીય છે કે, સુરત શહેરના 1476 અને જિલ્લાના 100 મળીને કુલ 1576 કેસો નોંધાયા છે.