શ્રમિકોને વતન પહોંચાડવા મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 25 કરોડ રૂપિયા રેલવેને ચૂકવવા CM રૂપાણીનો આદેશ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા 28મી મે, ગુરૂવારની રાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ 971 વિશેષ ટ્રેન દ્વારા આશરે 14.13 લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં સફળતાપૂર્વક મોકલવામાં આવ્યા છે. આમ સમગ્ર દેશમાં સૌથી વધુ ટ્રેનો મારફત સૌથી વધુ પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતને પહોંચાડવામાં ગુજરાત અગ્રેસર રહ્યુ છે.

મુખ્ય મંત્રીએ પ્રવર્તમાન કોરોના વાયરસ અને લોક ડાઉન ની સ્થિતિમાં ગુજરાતમાં રોજી રોટી માટે વસેલા અન્ય રાજ્યોના શ્રમિકોને ખાસ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દ્વારા તેમના વતન પહોંચાડવા માટે માનવીય અભિગમ દર્શાવી 25 કરોડ રૂપિયા મુખ્ય મંત્રી રાહત નિધીમાંથી ના રેલવે મંત્રાલય ને ચૂકવવા ના આદેશો કર્યા છે.

મુખ્યમંત્રીનાં સચિવ અશ્વિનીકુમારે વધુ વિગતો આપતા જણાવ્યું કે સમગ્ર દેશમાંથી પરપ્રાંતિય શ્રમિક ભાઈઓ-બહેનોને પોતાના વતન રાજ્યમાં પહોંચાડવા માટે 28મી મેની મધરાત સુધીમાં કુલ 3,724 જેટલી ટ્રેન ચલાવવામાં આવી છે આ ટ્રેનો મારફ્ત સમગ્ર દેશમાંથી 51,65,139 શ્રમિકો પોતાના વતને પહોંચ્યા છે. આ 3,734 ટ્રેનો પૈકી ગુજરાતમાંથી સૌથી વધુ 971 જેટલી ટ્રેનો દોડાવી 14.13લાખ જેટલા શ્રમિકોને પોતાના વતન રાજ્યમાં કોઇપણ અડચણ કે મુશ્કેલી વગર પહોંચાડવામાં આવ્યા છે.

તેમણે ઉમેર્યું કે પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન રાજ્ય પહોંચાડવા માટે સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી 3,724 ટ્રેન ચલાવવામાં આવી છે. આ 3,724 ટ્રેનો પૈકી આંધ્રપ્રદેશમાંથી 70, આસામમાંથી એક, બિહારમાંથી 212, ચંદીગઢમાંથી 11, દિલ્હીમાંથી 223, ગોવામાંથી 39, હરિયાણામાંથી 92, જમ્મુ-કાશમીરમાંથી 19, ઝારખંડમાંથી બે, કર્ણાટકમાંથી 185, કેરલમાંથી 58, મધ્યપ્રદેશમાંથી આઠ, મહારાષ્ટ્રમાંથી 749, નાગાલેન્ડમાંથી એક, ઓરિસ્સામાંથી ત્રણ, પોંડિચેરીમાંથી બે, પંજાબમાંથી 389, રાજસ્થાનમાંથી 115, તમિલનાડુમાંથી 188, તેલંગાણામાંથી 131, ત્રિપુરામાંથી આઠ, ઉત્તરપ્રદેશમાંથી 210, ઉત્તરાખંડમાંથી 13, પશ્ચિમ બંગાળમાંથી બે ટ્રેન અને સૌથી વધુ ગુજરાતમાંથી 971 ટ્રેન ચલાવવામાં આવી છે.

સચિવ શ્રી એ વધુમાં ઉમેર્યું કે 28મી મે મધરાત સુધીમાં ગુજરાતમાંથી અન્યો રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવા જે 971 ટ્રેનો ચલાવવામાં આવી છે તેમાં ઉત્તરપ્રદેશ માટે 557, બિહાર માટે 230, ઓરિસ્સા માટે 83, ઝારખંડ માટે 37, મધ્યપ્રદેશ માટે 24, છત્તીસગઢ માટે 17 મુખ્યત્વે છે. વિવિધ જિલ્લાઓમાંથી આવી શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ચલાવી આશરે 14.13 લાખ જેટલા શ્રમિકો તેમના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીના સચિવે આ વિશેષ ટ્રેનો મારફતે ગુજરાતમાંથી જે શ્રમિકોને વતન મોકલવામાં આવી રહ્યા છે તેની વિગતો આપતા કહ્યું કે, પરપ્રાંતિયો મજૂરો, શ્રમિકો ખુબ સારી વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્પેશ્યલ શ્રમિક ટ્રેનમાં તેમના વતન રાજ્ય જાય છે. એટલું જ નહિ, જિલ્લા વહિવટીતંત્ર આવા શ્રમિકોને રેલ્વે સ્ટેશન સુધી પહોચાડવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે.