બેજાન દારુવાલાએ સંજય ગાંધી અંગે કરી હતી ભવિષ્યવાણી, સાચી અને ખોટી ઠરેલી કેટલીક ભવિષ્યવાણી વિશે જાણો

જાણીતા જ્યોતિષ બેજાન દારુવાલાનું 90 વર્ષની વયે અવસાન થયું. શુક્રવારે તેમણે ગુજરાતની રાજધાની ગાંધીનગરની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોરોના વાયરસના પ્રાથમિક લક્ષણો પછી તેની સારવાર ચાલી રહી હતી. જો કે, તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

બેજાન દારુવાલાનો જન્મ 11 જુલાઈ 1931ના રોજ મુંબઇમાં થયો હતો. તેઓ પારસી પરિવારના હતા. બેજાન દરુવાલાની ગણતરી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટા જ્યોતિષશાસ્ત્રી તરીકે થાય છે. તેમણે રાજકારણ, રમતગમતને લગતી ઘણી આગાહીઓ કરી હતી. તેમાંથી કેટલીક ખોટી હતી અને કેટલીક સાચી સાબિત થઈ.

તેમની ભવિષ્યવાણીને લગતી ઘણી વાતો આજે પણ લોકો યાદ કરે છે. સંજય ગાંધીના મોતની આગાહી પણ બેજાન દરુવાલાએ કરી હતી. આ પછી તેઓ હેડલાઇન્સમાં આવ્યા હતા. બેજાન દારુવાલાએ આગાહી કરી હતી કે સંજય ગાંધી અકસ્માતમાં મૃત્યુ પામશે. 23 જૂન 1980ના રોજ, સફદરજંગ એરપોર્ટ નજીક વિમાન દુર્ઘટનામાં સંજય ગાંધીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી આખો દેશ સ્તબ્ધ થઈ ગયો હતો.

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉદભવની આગાહી પણ બેજાન દારુવાલાએ કરી હતી. આ ઉપરાંત દારુવાલાએ કારગીલથી ગુજરાતના ભૂકંપ જેવી ઘણી આગાહીઓ પણ કરી હતી. વર્ષ 2004માં કોંગ્રેસના સત્તામાં આવ્યા પહેલા જ દારુવાલાએ કહ્યું હતું કે મનમોહનસિંહ દેશના વડા પ્રધાન બનશે. જોકે, એવા કેટલાક કિસ્સાઓ છે કે જેમાં દારુવાલાની આગાહી સાચી સાબિત થઈ શકી નથી.

2003ના વર્લ્ડ કપમાં દારુવાલાએ આગાહી કરી હતી કે દક્ષિણ આફ્રિકા વર્લ્ડ ચેમ્પિયન બનશે. પરંતુ ઓસ્ટ્રેલિયાએ તે વર્લ્ડ કપ જીત્યો અને તે ત્રીજી વખત ચેમ્પિયન બન્યું. જ્યારે 2007ના વર્લ્ડ કપ પહેલા દારુવાલાએ ભારતના વર્લ્ડ ચેમ્પિયન બનવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે રાહુલ દ્રવિડ અથવા મુનાફ પટેલ ટુર્નામેન્ટના પ્લેયર બનશે. જ્યારે આ વર્લ્ડ કપના પ્રારંભિક તબક્કે ભારતને બહાર કરી દેવામાં આવ્યું હતું.