ગુજરાતમાં કોરોનાના કેસોએ સદી વટાવીઃ કુલ 105 કેસઃ નવનાં મોત

ગુજરાતમાં કોરોનાના કેસો વધીને 105 થયા છે, જ્યારે મૃતાંક નવ પર પહોંચ્યો છે. એક વૃદ્ધા સહીત વધુ ચાર દર્દીઓ સાજા થયા છે. છેલ્લા અઠવાડિયામાં નવા 44 કેસો નોંધાતા ગભરાટ ફેલાયો છે.

ગુજરાતમાં કોરોનાના કહેર બીજા રાજ્યોની સરખામણીમાં કૂદકે ને ભૂસકે વરસી રહ્યો છે, ત્યારે આખા ગુજરાતમાં કોરોના વાઈરસના બીજા 10 કેસો સામે આવ્યા છે. આ સાથે જ હવે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 105 પર પહોંચી ગયો છે તેમ ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ કોરોનાની અપડેટ આપીને જણાવ્યું હતું.

ગુજરાતમાં પ્રથમ 8 દિવસમાં 44 કેસો સામે આવ્યા હતાં અને ત્યારપછી બીજા 8 દિવસમાં 48 કેસો સામે આવતા ગભરાટ ફેલાવા પામ્યો છે. ગુજરાતમાં કોરોના વિશે જાણકારી આપતા આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું છે કે, રાજ્યમાં આજે 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બે ગાંધીનગર, બે ભાવનગર, એક પાટણ અને પાંચ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ તમામ કેસો મોટાભાગે લોકલ ટ્રાન્સમિશનના હોવાનું જણાવ્યું છે. આ સાથે જ રાજ્યમાં કુલ 105 પોઝિટિવ કેસો થયા છે.

બીજી બાજુ રાજ્યમાં ચાર પોઝિટિવ દર્દીઓ સાજા થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગરમાં 80 વર્ષીય મહિલાનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં આજે કોરોનાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ સાથે જ કુલ મૃત્યાંક નવ પર પહોંચ્યો છે.