એમ્સના ડોક્ટરની કોરોનાપોઝિટિવ સગર્ભા પત્નીએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો

કોરોનાવાયરસના દેશમાં વધતા કેસોની વચ્ચે એક શુભ સમાચાર આવ્યા છે. શુક્રવારે રાત્રે દિલ્હી એમ્સમાં કોરોના વાયરસની ચપેટમાં આવેલી એક મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે. મા અને બાળક બંનેને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. ડૉક્ટરો તેમને સતત ઓબ્ઝર્વ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મહિલાના પતિ ડૉક્ટર છે અને બે દિવસ પહેલા જ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

દિલ્હીમાં કોવિડ-19ના દર્દીના ગર્ભમાંથી જન્મ લેનારું આ પ્રથમ બાળક છે. 29 વર્ષીય મહિલા હાલ આઈસોલેશન વોર્ડમાં દાખલ છે. 10 ડૉક્ટોરોની એક ટીમે યોજના તૈયાર કરી અને આ જ વોર્ડને ઓપરેશન થિયેટરમાં ફેરવી નાખ્યો. ત્યારબાદ સિઝેરિયન દ્વારા બાળકનો જન્મ થયો. મહિલા એમ્સમાં ફિઝિયોલોજી ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ રેસિડેન્ટ ડૉક્ટરની પત્ની છે. આ દંપતી ગુરુવારે જ કોરોના પોઝિટિવ હોવાની જાણકારી મળી હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, એમ્સના એક વરિષ્ઠ ડૉક્ટરે કહ્યું, “મા અને બાળક બંને સ્વસ્થ છે. સી-સેક્શન થકી એક અઠવાડિયા પહેલા જ બાળકની ડિલિવરી કરવામાં આવી છે. હાલ તો બાળકને માતા સાથે જ રાખવામાં આવ્યું છે કારણકે તેને સ્તનપાન કરાવવું પડશે. અત્યાર સુધી એવા પુરાવા મળ્યા નથી કે સ્તનપાન કરાવવાથી બાળકમાં સંક્રમણ ફેલાય છે. મા કોવિડ-19 પોઝિટિવ હોવાથી અમે બાળકના સેમ્પલ પણ લઈશું.”